Dec 13, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-043

 

અધ્યાય-૫૮-સર્પોનું આસ્તીકને વરદાન 


II सौतिरुवाच II इदमत्यद्भुतं चान्यदास्तिकस्यानुशुश्रुम I तथा वरैश्छन्दमाने राजा पारिक्षित्तेन हि  II १ II

સૂતજી બોલ્યા-રાજા જન્મેજયે,આસ્તીકને વરદાનથી પ્રસન્ન કર્યો,ત્યારે આસ્તીકના વિશે,એક બીજું આશ્ચર્ય અમે

સાંભળ્યું છે,ઇન્દ્ર પાસેથી છૂટો પડેલો તક્ષક નાગ,જયારે,આકાશમાં જ રહ્યો ને અગ્નિમાં પડયો નહિ,ત્યારે,

જન્મેજય રાજાને ચિંતા થઇ કે-તક્ષકની આહુતિ અપાઈ છે તો તે અગ્નિમાં કેમ પડ્યો નથી?

હકીકતમાં,આસ્તીકે,તક્ષકને ત્રણવાર કહ્યું કે -'ઉભો રહે,ઉભો રહે,ઉભો રહે' એટલે ગભરાતા હૈયે તક્ષક અંતરિક્ષમાં ઉભો રહ્યો.પછી,સભાસદોથી વારંવાર પ્રેરાઈને રાજાને કહ્યું કે-આસ્તીકે કહ્યું છે તેમ થાઓ,હવે આ યજ્ઞ સમાપ્ત થાઓ.સર્પો દુઃખમુક્ત થાઓ,આસ્તિક પ્રસન્ન થાઓ,સૂતની વાણી સત્ય ઠરો.(1-8)


આમ,આસ્તીકને વરદાન આપવામાં આવતાં,પ્રીતિધ્વનિ થઇ રહી,અને જન્મેજયનો યજ્ઞ આટલેથી બંધ થયો.

રાજાએ પ્રસન્ન થઈને ઋત્વિજો,સભાસદો અને બીજાઓ જે ત્યાં આવ્યા હતા,તેમને હજારો મુદ્રાઓનું દાન કર્યું,

પછી,તેમણે વિધિમાં જણાવેલ મુજબ,અવભૃથ સ્નાન કર્યું.રાજાએ,આસ્તિકનો સારી રીતે આદર સત્કાર કરીને 

તેને ઘેર વળાવ્યો.અને તેને કહ્યું કે;'આપ ફરી આવશો,ને અશ્વમેઘ યજ્ઞના સભાસદ થજો (9-16(


આ રીતે પોતાનું અલૌકિક કાર્ય કરી,તથા રાજાને સંતોષ પમાડીને,આસ્તીક,આનંદયુક્ત થઈને તે તેની મા અને મામા પાસે ગયો,અને પ્રણામપૂર્વક તેમને સર્વ વૃતાન્ત કહી સંભળાવ્યું.ભયમુક્ત થયેલા,જે સર્પો ત્યાં એકઠા થયા હતા,તેઓ આ સાંભળીને આસ્તીક પર પ્રસન્ન થયા,અને આનંદિત થઈને બોલ્યા,

'તું મનગમતું વરદાન માગી લે.આજે તેં અમને ભયથી મુક્ત કર્યા છે,અમે તારું શું ભલું કરીએ'


આસ્તીક બોલ્યો-'આ લોકના જે બ્રાહ્મણો અને બીજા બીજા મનુષ્યો,પ્રસન્ન થઈને સવારે આ ધર્માંખ્યાનનો 

પાઠ કરે,તેમને તમારો ભય ન હો,એ હું માંગુ છું' પ્રસન્ન થયેલા નાગોએ ભાણેજને કહ્યું કે-

હે ભાણેજ,તારી ઇષ્ટ ઈચ્છા સત્ય થાઓ,અમે પ્રસન્ન છીએ અને તારી ઈચ્છા મુજબ કરીશું.(17-22)


જે કોઈ,દિવસે કે રાત્રે,અસિત,આર્તિમાં અને સુનીથનું નામસ્મરણ કરશે તેને સર્પથી ભય રહેશે નહિ.(23)

જે,મહાયશસ્વી આસ્તિક,જરત્કારુ ઋષિ અને જરત્કારુ નાગિણીથી જન્મ્યા છે,અને જેમણે,તમને (સર્પોને)

રક્ષ્યા છે,તેમનું (આસ્તિકનું) હું સ્મરણ કરું છું,એટલે હે સર્પો,હું તમારાથી હણાવા યોગ્ય નથી (24)

હે સર્પ,હે મહા વિષધર.તું અહીંથી ચાલ્યો જા,તારું કલ્યાણ થાઓ,આસ્તીકનાં વચનને સંભાળ (25)

આસ્તીકનાં વચન સાંભળીને જે સર્પ પાછો નહિ વળે,તેના માથાના સેંકડો ચુરા થઇ જશે.(26)

(નોંધ-ઉપરના 23 થી 26 શ્લોકો સર્પભય દૂર કરનાર મંત્રરૂપે બોલાય છે)


સૂતજી બોલ્યા-સર્પોના વરદાન બાદ,આસ્તીક ત્યાંથી ગયો અને યથાકાળે પરલોકમાં ગયો.

આમ મેં તમને આસ્તીકનું આખ્યાન યથાર્થ રીતે કહ્યું છે,કે જે આખ્યાનનું,જે કોઈ કીર્તન કરશે તેને,

સર્પોનો ભય રહેશે નહિ.હે ભાર્ગવશ્રેષ્ઠ,તમારા પૂર્વજ પ્રમતિએ,[પોતાન પુત્ર રુરુને પૂછતાં,જે આસ્તીકનું આખ્યાન યથાર્થ રીતે કહ્યું હતું,અને જે મેં સાંભળ્યું હતું,તે આદિથી માંડીને તમને કહ્યું છે,હે બ્રહ્મન,ડુંડુંભે કહેલું વાક્ય સાંભળીને,તમે મને પ્રશ્ન કર્યો હતો,તે આસ્તીકનું  આખ્યાન સાંભળી,તમારું કુતુહલ દૂર થાઓ (27-32)

અધ્યાય-58-સમાપ્ત 

આસ્તિકપર્વ સમાપ્ત