Dec 5, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-035

 

અધ્યાય-૪૮-આસ્તીકની ઉત્પત્તિ 

II सौतिरुवाच II गतमात्रं तु भर्त्तारं जरत्कारुरवेदयत I भ्रातुः सकाशमागत्य यथातथ्यं तपोधन II १ II

સૂતજી બોલ્યા-હે તપોધન,પોતાના પતિના ચાલ્યા ગયા પછી,તેણે ભાઈની પાસે આવીને,સમાચાર કહ્યા.

ત્યારે,ભાઈને અત્યંત ખેદ થયો ને તેણે,બહેનને કહ્યું કે-હે કલ્યાણી,તને લગ્નમાં આપવાનું કારણ તો તું જાણે જ છે,

કે તને જો પુત્ર થશે તો જ અમને તે શાપમાંથી છોડાવશે,જો કે એ પૂછવું યોગ્ય નથી,છતાં,પણ તું કહે કે,

તને પુત્રનો કોઈ યોગ છે? તારા સ્વામી તો હવે પાછા આવશે નહિ,ને જો હું તેમને મનાવવા જાઉં,તો તે કદાચ મને શાપ આપે,માટે તું મને,તારા સ્વામીની સાથે જે કોઈ વાત થઇ હોય તે તું મને કહે (1-8)

ત્યારે,જરત્કારુ (નાગિણી)એ કહ્યું કે-હે ભાઈ,મેં તેમને પુત્ર વિષે પૂછ્યું હતું,ત્યારે 'તે છે' એમ કહીને તે ચાલ્યા ગયા હતા,તેમણે કદી મશ્કરીમાં યે અસત્ય વચન બોલ્યું નથી,તેમણે કહ્યું હતું કે-મને અતિ તેજસ્વી પુત્ર થશે (9-13)

સૂતજી બોલ્યા-ત્યારે તે નાગરાજ વાસુકિએ બહેનના વાક્યને સ્વીકારી લીધું ને તેનું સન્માન કર્યું.

પછી,શુક્લપક્ષના ચંદ્રની જે,તેનો ગર્ભ વધવા લાગ્યો અને યથાકાળે,તે સર્પ-ભગિનીએ કાંતિમાન પુત્રને જન્મ આપ્યો,કે જે નાગરાજના ભુવનમાં ઉછર્યો,ને ચ્યવન ભાર્ગવ પાસેથી વેદો ભણ્યો.

તે,બાળપણથી જ વ્રતધારી,સત્વગુણી ને બુદ્ધિમાન હતો,ને લોકોમાં 'આસ્તીક' નામે પ્રખ્યાત થયો.

તે ગર્ભમાં હતો ત્યારે તેના પિતા 'અસ્તિ' (એટલે કે-છે) એમ કહીને વનમાં ચાલ્યા ગયા હતા,એટલે જ તે 

'આસ્તીક' નામે પ્રસિદ્ધ થયો.નાગરાજના ઘરમાં રક્ષણ પામતો,તે અમાપ બુદ્ધિવાળો આસ્તીક,

પ્રતિદિન વિવિધ ચેષ્ટાઓ કરી સર્વ નાગોને આનંદ આપતો હતો 

અધ્યાય-48-સમાપ્ત 


અધ્યાય-૪૯-પરીક્ષિત ચરિત્ર 


II शौनक उवाच II यदप्रुच्छतदा राज मंत्रिणो जनमेजयः I पितुः स्वर्गगतिं तन्मे विस्तरेण पुनर्वद  II १ II

શૌનક બોલ્યા-રાજા જન્મેજયે,પોતાના પિતાના પરલોકવાસ વિશે,મંત્રીઓને જે પૂછ્યું હતું,તે ફરીથી કહો.

સૂતજી બોલ્યા-જન્મેજયે મંત્રીઓને પૂછ્યું કે-હે મંત્રો,મને મારા પિતાના વૃતાન્ત વિષે,તમે જે જાણો છો,તે કહો,

કે જે વૃતાન્ત સાંભળ્યા પછી,હું તેમના કલ્યાણની સાધના કરીશ.ને બીજું કશું કરીશ નહિ.


મંત્રીઓએ કહ્યું-તમારા પિતા,ધર્માત્મા,મહાત્મા ને પ્રજાપાલક હતા.સ્વધર્મમાં સ્થિર થઇ,તે ચારે વર્ણનું અને દેવી પૃથ્વીનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હતા.તેમનો કોઈ દ્વેષી નહોતો,ને રાજાથી સર્વ લોકો અતિ સંતુષ્ટ હતા,

ધનુર્વેદમાં તે કૃપાચાર્યના શિષ્ય હતા,ને ગોવિંદ (કૃષ્ણ)ના પ્રિયપાત્ર હતા,ને અભિમન્યુ-ઉત્તરાથી જન્મ્યા હતા,

રાજધર્મમાં કુશળ એવા તેઓએ,સાઠ વર્ષ સુધી પ્રજાનું પાલન કર્યું ને પછી સ્વર્ગે સિધાવ્યા હતા.

ત્યારે બાળવયમાં જ તમારો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો 

જન્મેજયે પૂછ્યું-મારા પિતા,પ્રજાપ્રિય હતા,તો તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? (1-20)


મંત્રીઓ બોલ્યા-એક વખતે,તેઓ,વનમાં શિકારે ગયા હતા,ત્યારે તેમણે,બાણ વડે મૃગને વીંધ્યું,પણ તે મૃગ.ગહન વનમાં અદ્રશ્ય થયું,ત્યારે તે,તેની પાછળ પડ્યા,પણ તે મૃગ તેમને મળ્યું નહિ, થાકેલા ને ભૂખ ત્રાસથી પીડાતા,

તેમણે,વનમાં એક મૌનવ્રતધારી મુનિને જોયા,ને તેમને મૃગ વિષે પૂછ્યું,મુનિ મૌનમાં હોવાથી તેમણે કોઈ જવાબ ન આપ્યો,ત્યારે,(તે મૌનવ્રતધારી છે એવું ન જાણતાં) વ્યાકુળ રાજાએ,ક્રોધમાં આવી,ધનુષ્યની અણીથી,તેમની પાસમાં મરેલા પડેલ શાપને તે ઋષિના ખભા પર નાખ્યો.પોતાનું અપમાન થવા છતાં,તે ઋષિ,કશું બોલ્યા નહિ અને સાપને ખભા પર ધરીને જેમના તેમ જ ક્રોધરહિત રહ્યા (21-31)

અધ્યાય-49-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE