અધ્યાય-૪૩-પરીક્ષિત રાજાને તક્ષકડંશ
II तक्षक उवाच II यदि दष्टं मयेह त्वं शक्तः किंचिच्चिकित्सितुम् I ततो वृक्षं मया दष्टमिमं जीवय काश्यप II १ II
તક્ષક બોલ્યો-હે કાશ્યપ,હું જેને કરડું છું,તેને તું નિર્વિષ કરી શકતો હોય,તો હું આ ઝાડને ડસું છું,તો તેને,
તારી જે પણ,મંત્રશક્તિ હોય તેનાથી તેને સજીવન કર. કશ્યપે કહ્યું કે-'ભલે તેમ' (1-3)
સૂતજી બોલ્યા-પછી,તક્ષક નાગ,ઝાડને ડસ્યો,ને તે ઝાડ તરત જ ભડભડીને સળગી ગયું,
ત્યારે તક્ષકે કાશ્યપને કહ્યું કે-હવે તમે આ ઝાડને,ફરીથી સજીવન કરો.(4-6)
ત્યારે,કાશ્યપે,ઝાડની રાખ હાથમાં લઈને,પોતાની વિદ્યાર્સથી સજીવન કર્યું.ઝાડને જીવિત થયેલું જોઈ,
તક્ષકે કહ્યું કે-તમારી વિદ્યા વિશે મને કોઈ આશ્ચર્ય નથી,પણ હે બ્રાહ્મણ,શૃંગી બ્રાહ્મણના શાપથી વિવશ અને ક્ષીણ આયુષ્યવાળા થયેલા તે રાજાને ફરીથી આરોગ્ય આપવાના તમારા પ્રયત્નમાં તમને સફળતા મળશે,
કે કેમ? તે શંકાભર્યું છે,ને તેમ જો નહિ થાય તો તમારો યશ-રૂપી-પ્રકાશ અદ્રશ્ય થશે,
એટલે,જો,તમે રાજા પાસે ધનની આશાએ જતા હો,તો તેના કરતાં હું વધારે ધન આપું.(7-17)
તક્ષકનું આવું વચન સાંભળી,કાશ્યપે,રાજા પરીક્ષિત વિષે ધ્યાન ધર્યું,તો તેને રાજાનું આયુષ્ય ક્ષીણ થયેલું જોયું,
એટલે તક્ષક પાસેથી ધન લઈને તે ત્યાંથી પાછો ફર્યો.પછી,તક્ષક હસ્તિનાપુર તરફ ગયો.
રસ્તે જતાં,તેણે સાંભળ્યું કે-રાજાને મહેલમાં રક્ષવામાં આવ્યો છે,એટલે તેને વિચાર્યું કે-
મારે,માયાનો યોગ કરીને રાજાને છેતરવો પડશે,તે સિવાય બીજો કોઈ ઉપાય નથી (18-23)
ત્યારે તક્ષકે,પોતાના સાથી સર્પોને,તપસ્વીઓનું રૂપ લઈને ફળ,દર્ભ ને પાણી લઈને રાજા પાસે જવાની આજ્ઞા કરી,અને સર્પોએ તે પ્રમાણે કર્યું,રાજાએ તે ફળો સ્વીકાર્યા,ને પછી,મંત્રીઓ સાથે મળીને તે ફળ ખાવા બેઠો.
ત્યારે એક ફળમાંથી,એક ઘણો નાનો,કાળા નેત્રવાળો,અને તાંબાના રંગનો અણુ જેવડો કીડો નીકળ્યો,
રાજાએ તેને જોઈને મંત્રીઓને કહ્યું કે-સૂર્ય અસ્તાચલ તરફ જય રહ્યો છે,હવે,આજે મને ઝેરનો ભય નથી,
આ કીડો તક્ષક થઈને મને કરડો ને મુનિની વાણી સત્ય થઈને મારા દોષનું નિવારણ થાઓ.
ત્યારે તક્ષકે,તે રાજાને વેગપૂર્વક વીંટી લઈને,મોટો ફૂંફાડો મારી,પરીક્ષિતને ડસ્યો. (23-37)
અધ્યાય-43-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE