અધ્યાય-૩૮-એલાપત્ર નાગનાં વચન
II सौतिरुवाच II सर्पाणां तु वचः श्रुत्वा सर्वेपामिति चेति च I वासुकेश्व वचः श्रुत्वा एलापत्रोSन्नविदिदम् II १ II
સુતજી બોલ્યા-સર્વ સર્પોનાં અને વાસુકિના વચન સાંભળી,એલાપત્ર (નાગે) કહ્યું કે-
તે યજ્ઞ કંઈ થાય જ નહિ,એમ કદી બનવાનું નથી,વળી,જેનાથી આપણને મોટો ભય છે તે,જન્મેજય રાજા પણ જેવોતેવો નથી.હે નાગો,આપણે દૈવથી હણાયા છીએ,એટલે દૈવનું જ શરણું લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
વળી,જયારે માતાએ શાપ આપ્યો ત્યારે,હું બીકથી તેના ખોળામાં બેસી ગયો હતો,
તે વખતે દેવો,દુઃખથી પીડિત થઈને બ્રહ્મા પાસે ગયા હતા,તેમનાં વચન મેં સાંભળ્યાં હતાં.
દેવોએ બ્રહ્માજીને કહ્યું-અતિશય તીખા સ્વભાવની કદ્રૂ,પોતાના પુત્રોને,તમારી સમક્ષ જ શાપ આપે,અને
તમે 'તથાસ્તુ' કહી તેની વાતને માન્ય રાખી,પણ તમે તે વખતે તેને રોકી કેમ નહિ? (1-8)
બ્રહ્માજી બોલ્યા-ઘણા સર્પો,તીક્ષ્ણ,ઝેરીલા અને ભયંકર રૂપવાળા છે,એટલે પ્રજાના હિતની ઇચ્છાએ મેં તેને વારી નહોતી,જે સર્પો,અપકારી,નીચ,પાપાચારી ને ઉત્કટ ઝેરવાળા હશે તેમનો જ વિનાશ થશે,ધર્માચારી સર્પોનો નહિ.
સર્પયજ્ઞના તે સમયે,સર્પોનો મહાભયમાંથી કયે નિમિત્તે છૂટકારો થશે? તે તમે સાંભળો.
યાયાવર કુળમાં જરત્કારુ નામે એક પ્રસિદ્ધ મહર્ષિ થશે,ને તેનો આસ્તીક નામનો પુત્ર,
તે યજ્ઞને બંધ પાડશે,ને તે વખતે જે ધાર્મિક સર્પો હશે તે બચી જશે.(9-13)
તે મહર્ષિ,જરત્કારુ પોતાના નામની (જરત્કારુ) જ કન્યામાં એ આસ્તીક નામના બાળકને ઉત્પન્ન કરશે.
સર્પરાજ વાસુકિને જે જરત્કારુ નામની બહેન છે,તેમાં આ પુત્ર જન્મશે ને નાગોને છોડાવશે (14-17)
એલાપત્ર બોલ્યો-હે વાસુકિ,મને એ જ ઉપાય લાગે છે કે-મહર્ષિ વિવાહ નિમિત્તે કન્યા માગે ત્યારે તારી બહેન
જરાત્કારુને તું,તેમને આપજે.ને મારા સાંભળ્યા મુજબ આપણા ઉગારવાનો આ એકમાત્ર ઉપાય છે (17-19)
અધ્યાય-38-સમાપ્ત
અધ્યાય-૩૯-જરાત્કારુની શોધ
II सौतिरुवाच II एलापत्रवचः श्रुत्वा नागा द्विजसत्तम I सर्वे प्रहृष्टमनसः साधु सध्वित्वधाSन्नुवन II १ II
સૂતજી બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,એલાપત્રનું વચન સાંભળીને સર્વ સર્પો આનંદિત થયા ને 'બહુ સારું-બહુ સારું'
એમ બોલવા લાગ્યા.તે પછી,વાસુકિ,પોતાની કુંવારી બહેન જરત્કારુનું રક્ષણ કરવા લાગ્યો.
પછી,થોડાક સમયે,જયારે દેવો અને અસુરોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે વાસુકિ તેમાં નેતરું થયો.
તે કાર્ય પૂરું કરીને,દેવો,વાસુકિને લઇ બ્રહ્માજી પાસે ગયા અને બોલ્યા કે-'હે પ્રભુ,આ વાસુકિ,માતાના શાપથી ભયભીત થયો છે,તે સદા અમારો હિતકારી છે,તો આપ પ્રસન્ન થઈને,તેનો ભય દૂર કરો (1-7)
બ્રહ્મા બોલ્યા-પૂર્વે,મારી માનસિક પ્રેરણાથી જ એલાપત્રે,એની આગળ જે વચન કહ્યું હતું,તે પ્રમાણે જ આ નાગરાજે વર્તવું,દ્વિજરાજ જરાત્કારુએ જન્મ લીધો છે,અને તે ઉગ્ર તપસ્યામાં મગ્ન છે,યોગ્ય સમયે,વાસુકિએ પોતાની બહેન જરાત્કારુને,તે દ્વિજરાજ જરાત્કારુને આપવી.તે દ્વિજરાજનો આસ્તીક નામનો પુત્ર,
સર્પયજ્ઞને બંધ પડશે,ત્યારે,માત્ર પાપી નાગો નાશ પામશે,પણ,ધાર્મિક નાગોનો નાશ નહિ થાય (8-11)
સૂતજી બોલ્યા-બ્રહ્માજીનું વચન સાંભળી,વાસુકિએ,જરાત્કારુને પોતાની બહેન આપવાનો નિશ્ચય કર્યો,
તેણે સર્વ સર્પોને આજ્ઞા આપી,દ્વિજરાજ જરત્કારુ પાસે રાખ્યા અને તેમને કહ્યું કે-જયારે પણ તે,
વિવાહનિમિત્તે કન્યા માગે ત્યારે તરત જ મને સમાચાર આપવા,તેમાં જ આપણું કલ્યાણ છે (12-14)
અધ્યાય-39-સમાપ્ત
અધ્યાય-૪૦-જરત્કારુ ચરિત્ર તથા પરીક્ષિત આખ્યાન
II शौनक उवाच II जरत्कारुरितिख्यातो यस्त्वया सूतनन्दन I इच्छामि श्रोतुमृपेस्तस्य महात्मनः II १ II
શૌનક બોલ્યા-હે સૂતનંદન,જરાત્કારુનું વૃતાંત હું સાંભળવા ઈચ્છું છું,તેમનું નામ આ પૃથ્વીમાં,
શા માટે પ્રસિદ્ધ થયું? જરત્કારુ શબ્દની વ્યુત્પત્તિ શી છે? તે કહેવા આપ યોગ્ય છો.
સૂતજી બોલ્યા-જરત એટલે સંખ્યા અને કારુ એટલે દારુણ -એમ આ જરત્કારુ શબ્દની વ્યુત્પત્તિ છે.
તેનું શરીર કે જે દારુણ હતું,તેને તે બુધ્ધિમાને તપ કરીને ગાળી નાખ્યું (ક્ષય કર્યું) હતું.
વાસુકિની બહેન જરત્કારુના નામની પણ વ્યુત્પત્તિ તેવી જ છે.
આ સાંભળી,શૌનકે મંદહાસ્ય કર્યું ને કહ્યું-તમે જે કહ્યું તે ઠીક જ છે,
પહેલાં તમે આ વિષે જે કહ્યું હતું.તે મેં સાંભળ્યું છે,હવે,આસ્તીક કેવી રીતે જન્મ્યો ? તે વિષે કહો.(1-7)
સુતજી કહે છે-આગળ કહ્યું તેમ,સર્પોને જરત્કારુ પાસે રાખીને,સાવધાન થઇ રહેવા લાગ્યો,
પછી,ઘણો વખત થયો,પણ તે વ્રતપરાયણ મુનિ તપમાં જ મગ્ન રહેતા હતા,ને પત્નીની ઈચ્છા તેમણે કરી જ નહિ,
ત્યાર બાદ તે ઉર્ધ્વરેત મહાત્મા,પૃથ્વીમાં ઘુમવા લાગ્યા,અને મનથી પણ,પત્નીની ઈચ્છા તે રાખતા નહોતા.
(બીજી બાજુ) કૌરવ વંશમાં પરીક્ષિત નામે એક રાજા થયો,કે જે પોતાના દાદા પાંડુની જેમ મૃગયાનો રસિયો હતો,
એકવાર,ઘડીમાં અલોપ થઇ જતા,મૃગની પાછળ દોડતાં દોડતાં,મધ્યાહ્ન સમય થયો હતો,ત્યારે તે ભૂખ-તરસથી વ્યાકુળ થયો,ત્યારે,તેણે,મૌનવ્રતમાં થાંભલાની જેમ અચળ રહેલા શમીક ઋષિનો આશ્રમ જોયો,ત્યાં પહોંચી,
તેણે,શમીક ઋષિને,મૃગની વિષે પૂછ્યું.ઋષિ,મૌનવ્રતમાં હોવાથી તેમણે,કોઈ જવાબ આપ્યો નહિ,
ત્યારે,વ્યાકુળ પરીક્ષિતે ધનુષ્યની અણીથી,પાસે પડેલ એક મરેલો સાપ તેના ખભા પર નાખ્યો,પણ,ઋષિ હજુ મૌન જ રહ્યા,પરીક્ષિતને પોતાના આ અપકૃત્યનો પસ્તાવો થયો,પછી તે પોતાના રાજ્યમાં પાછો ગયો.તે શમીક ઋષિનો,શૃંગી નામે,તપસ્વી યુવાન પુત્ર હતો,તેને,પોતાના મિત્ર કૃશ,દ્વારા આ પ્રસંગની માહિતી મળી,(8-40)
અધ્યાય-40-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE