II सौतिरुवाच II जांवुनदमयो भूत्वा मरीचिनिकरोज्ज्वलः I प्रविवेश बलात् पक्षी वारिवेग इवार्णवम् II १ II
સૂતજી બોલ્યા-પછી,સુવર્ણમય રૂપ ધારણ કરીને,કિરણોના સમૂહ જેવો ઉજ્જવળ જણાતો,
તે ગરુડ,બળપૂર્વક અમૃતસ્થાનમાં પેઠો,જાણેકે પાણીનો વેગ સાગરમાં પ્રવેશ્યો !
ત્યારે ત્યાં,અમૃતની સમીપમાં,તેણે,એક લોખંડનું સતત ઘૂમતું ચક્ર જોયું,કે જેની ધાર તીણી હતી,તે ભયંકર હતું
અને અગ્નિ ને સૂર્યના જેવી તેની ઝલક હતી,અમૃતને હરી જનારા માટે તે ભેદી ન શકાય તેવું હતું.
ગરુડ તેની આસપાસ ભમવા લાગ્યો ને પોતાનું અંગ સંકોચીને તે ચક્રના મધ્યમાં થઇ નીચે ઉતરી ગયો.
ત્યાં ચક્રની નીચે,તેણે,બે નાગરાજોને અમૃતની રક્ષા કરતા જોયા,ત્યારે ગરુડે તેમની આંખો,એકદમ ધૂળથી ભરી દીધી અને તેઓ એને જુએ નહિ એ રીતે ચારે તરફથી તેમના શરીર પર ચોટ મારીને,તે અમૃતકુંભ તરફ દોડ્યો અને
તે અમૃતકુંભને ઊંચકીને વેગપૂર્વક આકાશમાં ઉડવા લાગ્યો,ત્યાં આકાશમાં તેને નારાયણ ભગવાન મળ્યા,
ગરુડના આ નિર્લોભ કાર્યથી તે પ્રસન્ન થયા અને તેમણે ગરુડને કહ્યું કે-'હું વર દેવા આવ્યો છું,'
ગરુડે માગ્યું કે -'અમૃતપાન વગર પણ હું અજરઅમર થાઉં,ને આપની ઉપર રહું' નારાયણે કહ્યું- 'તથાસ્તુઃ'
બે વરદાનો સ્વીકારીને ગરુડે નારાયણને કહ્યું કે-'તમે ભગવાન છો,છતાં હું તમને વરદાન આપવા ઈચ્છું છું'
ત્યારે નારાયણે ગરુડને પોતાના વાહ-રૂપે માગ્યો અને એક ધજા બનાવી કહ્યું-'આના પર તું રહેજે'
'ભલે' એમ કહીને ગરુડ વેગપૂર્વક આકાશમાં ઉડતો હતો,ત્યારે ઇન્દ્રે ,રોષપૂર્વક તેના પર વજ્રનો પ્રહાર કર્યો.
ત્યારે ગરુડે ઇન્દ્રને કહ્યું કે-'જેમના હાડકાનું આ વજ્ર બનેલું છે તે ઋષિનું અને તમારું,હું માન રાખીશ,
હું આ એક પીંછું ફેંકુ છું,તેનો તમે અંત નહિ પામી શકો,મને કોઈ પીડા તમે નહિ કરી શકો'
ગરુડે નાખેલું,તે અનુપમ સુરૂપ પર્ણ (પીંછા)ને જોઈને,સર્વ પ્રાણીઓ હર્ષ પામ્યા અને તેને 'સુપર્ણ' નામ મળ્યું.
આ આશ્ચર્ય જોઈને ઇન્દ્રે માન્યું કે આ કોઈ અદભુત મહાઅદભુત પક્ષી છે,એટલે તે બોલ્યો કે-
'હે,ખગોત્તમ,તારા અનુપમ બળને હું જાણવા ઈચ્છું છું ને તારી સાથે અનંત મૈત્રી ચાહું છું' (1-25)
અધ્યાય-33-સમાપ્ત
અધ્યાય-૩૪-વિનતાનો દાસીપણામાંથી છુટકારો
II गरुड उवाच II सख्यं मेSस्तु त्वया देव यथेच्छसि पुरंदर I बलं तु मम जानीहि महच्चासह्यमेव च II १ II
ગરુડ બોલ્યો-હે ઇન્દ્રદેવ,તમે ઈચ્છો છો તેમ,તમારી સાથે મારી મિત્રતા હો,મારુ બળ તો મહાન અને અસહ્ય છે,
હે ઇન્દ્ર (શતક્રતુ) જો કે પોતાના બળની સ્તુતિ કરવી અને જાતેજ પોતાનું ગુણકીર્તન કરવું,તેને સંતો વખાણતા નથી,એટલે વગર કારણે આત્મસ્તુતિ તો ન જ કરાય,છતાં પણ તમે પૂછ્યું છે તો હું કહું છું કે-
પર્વતો,વનો,સાગર સાથે આ પૃથ્વીને તેમજ તમને પણ,હું મારી પાંખ પર ઉપાડી વહી શકું છું,
સ્થાવર-જંગમ સાથેના સર્વ લોકોને હું વગર થાકયે ઉઠાવી શકું છું,એવું મારુ મહાન બળ છે એમ જાણો (1-5)
ઇન્દ્ર બોલ્યો-હે ગરુડ,તમે કહો છો તેમ,તમારામાં બધું સંભવી શકે છે,તમે મારી ઉત્તમ મૈત્રીનો સ્વીકાર કરો,
અને જો,તમારે અમૃતનું કોઈ કામ ન હોય,તો તે અમૃત મને પાછું આપો,કેમ કે તમે જેને અમૃત આપશો,
તેઓ અમને વિનાકારને પીડા પહોંચાડવા સમર્થ થશે (6-8)
ગરુડ બોલ્યો-આ અમૃત,હું કોઈ કારણસર જ લઇ જાઉં છું,પરંતુ હું તે અમૃતને કોઈનેયે પીવા માટે આપવાનો નથી,
એટલે,હે ઇન્દ્ર,જયારે હું અમૃતને,જેવું જ્યાં મુકું ત્યારે,ત્યાંથી તમે એને ત્યાંથી ઝટ ઉઠાવીને હરી જજો'(9-10)
ઇન્દ્ર બોલ્યો-હે ગરુડ,તમે કહેલા આ વચનથી હું સંતુષ્ટ થયો છું,તમે મારી પાસેથી,ઈચ્છા પડે તે વરદાન માગો.
ઇન્દ્રે આમ કહ્યું એટલે,ગરુડે,પોતાની માતાને દાસી બનાવવા કદ્રૂ-પુત્રોએ કરેલા છળને સંભારી કહ્યું કે-
'હે,ઇન્દ્ર,હું સર્વ વાતે સમર્થ છું છતાં,માંગુ છું કે મહાબળવાન સાપો મારા ભક્ષ્ય-રૂપ થાઓ' ઇન્દ્રે કહ્યું-'તથાસ્તુ'
ઇન્દ્ર ત્યાંથી વિષ્ણુ (નારાયણ) પાસે ગયા,ભગવાને ગરુડની વાતને અનુમોદન આપ્યું.
વળી,ઇન્દ્રે કહ્યું કે-'એ અમૃતને જેવું નીચે મુકવામાં આવશે,એટલે તરત જ હું તેને હરી જઈશ'
પછી તે સુપર્ણ (ગરુડ) પોતાની મા પાસે આવી પહોંચ્યો ને તેણે સર્વ સર્પોને કહ્યું કે-
આ તમારું અમૃત આવી ગયું છે,તેને હું દર્ભો પર મુકું છું,સ્નાન કરીને તમે આનું પાન કરજો,
મેં મારુ વચન પાળ્યું છે,એટલે હવે તમારા વચન મુજબ મારી માતાને દાસીપણામાંથી મુક્ત કરો.
ત્યારે સર્પોએ કહ્યું કે-ભલે તેમ થાઓ.આમ,ગરુડે માતા વિનતાનો દાસીપણામાંથી છુટકારો કરાવ્યો.
હવે,અમૃતની ઈચ્છાવાળા સર્પો સ્નાન કરવા ગયા,ને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે અમૃત ચોરાઈ ગયું છે.
'આ તો કપટ થયું છે' એમ સમજીને તે સર્પો 'આ અમૃતની જગા છે' એમ સમજીને દર્ભોને ચાટવા લાગ્યા,
કે જેથી તેમની જીભ,બે ભાગમાં ચિરાઈ ગઈ.જેથી તે સર્પો બે જીભવાળા થયા.
પછી,તે સર્પોને ભક્ષનારા,અવિનાશી કીર્તિવાળા એ સુપર્ણે (ગરુડે) વનમાં માતા વિનતાને આનંદ આપ્યો.
જે મનુષ્ય આ (સુપર્ણાખ્યાન) કથાનું શ્રવણ કરશે,કે પાથ કરશે તેનો સ્વર્ગલોકમાં વાસ થશે (12-26)
અધ્યાય-34-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE