Nov 26, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-026

અધ્યાય-૨૯-મેરુ પર્વત પર ગરુડ 


II सौतिरुवाच II तस्य कण्ठमनुप्राप्तो ब्राह्मणः सह भार्यया I दहन दीप्त इवांगार स्तमुवाचान्तरिक्षगः II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,એક બ્રાહ્મણ (તેની નિષાદ પત્ની સાથે) ગરુડના ગળામાં જઈ પડ્યો.

ગરુડના ગળામાં,અંગારા જેવો દાહ થયો એટલે,ગરુડે તે બ્રાહ્મણને કહ્યું કે-તું મારા આ ઉઘાડેલા મોંમાંથી,

જલ્દી બહાર નીકળી જા,કેમ કે (મા એ કહ્યું છે) બ્રાહ્મણ પાપી હોય તો પણ તેને મરાય નહિ.

બ્રાહ્મણે કહ્યું કે-આ મારી નિષાદ જાતિની પત્ની પણ મારી સાથે બહાર નીકળો.

ગરુડે કહ્યું કે -ભલે,તેને પણ તું સાથે લઇ જા.અને વેળાસર,તું તારી જાતને અને તેને ઉગારી લે (1-4)

પછી,તે બ્રાહ્મણ,તેની પત્ની સાથે,ગરુડના મોંમાંથી બહાર નીકળી,ગરુડને આશીર્વાદ આપી પોતાના સ્થાને ગયો.

ત્યાર બાદ,ગરુડ,પોતાની પાંખો પ્રસારીને આકાશમાં ઉડ્યો ત્યારે,તેને પોતાના પિતા કશ્યપને જોયા.

કશ્યપે પૂછ્યું કે-તમે બધા કુશળ છો? તને જોઈએ એટલું ભોજન મળે છે?

ગરુડ બોલ્યો-મારી મા કુશળ છે,તેનું દાસીપણું છોડાવવા,હું અમૃત લેવા જાઉં છું,તે અવશ્ય લઇ આવીશ.

માતાએ  મને કહ્યું હતું કે-માર્ગમાં ભૂખ લાગે ત્યારે  નિષાદોને ખાજે,પણ હજારો નિષાદોને ખાધા છતાં મને તૃપ્તિ થઇ નથી,તો તમે મને,ભૂખ મટાડવા માટે,બીજું એવું કોઈ ભક્ષ્ય બતાવો,(5-12)


કશ્યપ બોલ્યા-દેવલોકમાં પણ પ્રસિદ્ધ એવું એક મહાપુણ્યમય સરોવર છે,તેમાં કાચબા-રૂપ થયેલ મોટા ભાઈને,

હાથી-રૂપ થયેલ નાનોભાઈ,નીચું માથું રાખીને સદૈવ ખેંચ્યા કરે છે.પૂર્વ જન્મમાં,પણ તે બંનેને વેર હતું.

પૂર્વે,વિભાવસુ નામના એક અત્યંત મહાક્રોધી મહર્ષિ હતા,તેમને સુપ્રતીક નામે નાનોભાઈ હતો.

નાનોભાઈ,પોતાના મોટાભાઈ સાથે સહિયારું ધન રાખવા ઈચ્છતો નહોતો 

અને નિત્ય,ધનના ભાગની વહેંચણી કરવા માટે કહ્યા કરતો હતો.


એક વખત,મોટાભાઈ વિભાવસુએ કહ્યું કે-સંપત્તિના મોહવશ થઇ,જો તને ભાગ આપી દઉં,તો 

સંપત્તિમાં તું મૂર્છિત થઈશ અને મારા પર દ્વેષ રાખીશ,વળી સ્વાર્થી મનુષ્યો,મિત્રનું રૂપ ધારણ કરીને,

ભાઈઓમાં ભેદ પડાવીને પોતાનો સ્વાર્થ વિચારશે.આમ અલગ થયેલાઓનો સત્વરે નાશ જ થાય છે,

હે ભાઈ તને રોકી શકાય તેમ નથી,તું ભેદ પાડીને ધનની ઈચ્છા કરે છે,તેથી તું હાથીની યોનિને પ્રાપ્ત થઈશ.

શાપ પામેલા નાનાભાઈ સુપ્રતીકે પણ સામો શાપ આપ્યો કે-તું કાચબો થઇ અવતરજે.


આમ,આ બંને ભાઈઓ,હાથી અને કાચબો થયા છે.ને હજુ પણ,એકબીજા પ્રત્યે દ્વેષ રાખ્યા કરે છે.

અને એકબીજા સાથે ઝગડ્યા કરે છે.તે હાથી,છ યોજન ઊંચો અને તેથી બમણો પહોળો છે,

તો તે કાચબાઓ,ત્રણ યોજન ઊંચો અને દશ યોજનના ઘેરાવાવાળો છે.એકબીજાને મારવા ઇચ્છતા તે બંને,

યુદ્ધમાં ચકચૂર છે,તું તેમનું ભોજન કરીને,તારું ઈચ્છીત કાર્ય સિદ્ધ કર,(13-32)


કશ્યપે,(પોતાના પુત્ર) ગરુડને,આમ કહી આશિષ આપી,એટલે ગરુડ તે સરોવર પાસે ગયો,અને 

ત્યાં,એક નખથી હાથીને અને એક નખથી કાચબાને ઊંચકી લીધા,ને તે આકાશમાં ઉડ્યો.

ત્યાંથી તે અલંબતીર્થમાં આવી,દેવવૃક્ષો તરફ ગયો,ત્યારે ગરુડની પાંખોના પવનથી તે વૃક્ષો થરથરવા લાગ્યા,

ઇચ્છાફળ આપનારાં,તે વૃક્ષોને થથરતાં જોઈ,ગરુડ ત્યાંથી આગળ બીજાં દૃઢ અંગવાળા વૃક્ષો તરફ ગયો,

ત્યારે,રૌહિણ નામના વટવૃક્ષે તેને આમંત્રણ આપ્યું કે-'મારી મજબૂત અને લાંબી શાખાઓ  પર બેસીને તું તારા શિકારનું ભક્ષણ કર' ત્યારે,ગરુડે,ડાળને પગ અડાડયો કે તરત તે ડાળીઓ ભાગી ગઈ (33-44)

અધ્યાય-29-સમાપ્ત 


અધ્યાય-૩૦-ગરુડની તૃપ્તિ અને અમૃતનું રક્ષણ 


II सौतिरुवाच II स्पष्टमात्रा तु पद्म्यां सा गरुडेन बलीयसा I अभज्यत तरोः शाखा भग्नां चैकामधारयत् II १ II

સૂતજી કહે છે કે-બળવાન ગરુડના પગ અડકતાં જ તૂટેલી ડાળીને તે ડાળીને તરત જ પકડી લીધી,

અને ગરુડ તે ડાળીને વિસ્મયપૂર્વક જોવા લાગ્યો.તો તે જ ડાળીએ તેણે,વાલખિલ્ય ઋષિઓને નીચે માથે 

લટકી રહેલા જોયા,તેમને જોઈ,ગરુડે વિચાર્યું કે-'જો ડાળી નીચે પડશે તો,ઋષિઓ મરી જશે,પણ,

આ તપપારાયણ ઋષિઓને હું મરવા દઈશ નહિ' એમ વિચારી તેણે,હાથી અને કાચબાને તો પોતાના 

દ્રઢ નખોથી પકડ્યા હતા,એટલે પોતાના મુખ વડે તે ડાળીને પકડી લીધું,દેવોને એ પાછળ મૂકી દે,

તેવું તેનું આ કર્મ જોઈને મહર્ષિઓનાં હૃદય વિસ્મય પામ્યાં,.અને તેમણે આ મહાખેચરનું નામ પાડી કહ્યું કે-

ગુરૂભાર લઈને આ ખેચર,આકાશમાં ઉડ્ડયન કરે છે,તેથી આ સર્પભક્ષી ખગરાજ 'ગરુડ' નામે કહેવાશે.


આમ,વાલખિલ્ય ઋષિઓ પરની દયાના કારણે,તે ગરુડ,હાથી,કાચબા અને ડાળ  સાથે આકાશમાં,

અનેક જગ્યાએ ઉદયો,પણ તેને બેસવાનું સ્થાન મળ્યું નહિ,એટલે તે અત્યંત વેગથી,પર્વતોમાં ઉત્તમ એવા ગંધમાદન પર્વત પર ગયો,ત્યાં તેણે,તપમાં બેઠેલા પોતાના પિતા કશ્યપને જોયા (1-9)


કશ્યપે મહાબળવાન પોતાના પુત્રને જોઈને,તેને કહ્યું કે-'બેટા,સાહસ કરીશ નહિ,વ્યથા વહોરી લઈશ નહિ,

કેમ કે,આ કિરણપાન કરનારા (મધુવિદ્યા જાણનારા) આ વાલખિલ્ય ઋષિઓને કંઇક પણ ઇજા થશે તો,

તે ઋષિઓ ક્રોધે ભરાઈને તને બાળી નાખશે.' આમ કહી,કશ્યપે તે વાલખિલ્ય ઋષિઓને પ્રસન્ન કરવા 

તેમને કહ્યું કે-'ગરુડનો આ ઉદ્યોગ,પ્રજાના હિતાર્થે છે,એ મોટું કામ કરવા ઈચ્છે છે,તો તેના પર,

પ્રસન્ન થાઓ અને તેને મદદ કરો' કશ્યપે આમ કહ્યું એટલે તે વાલખિલ્ય ઋષિઓએ,

તે ડાળ,છોડી દીધી અને હિમાલયના પવિત્ર પર્વત પર,તપ કરવા ચાલ્યા ગયા.


પછી,'આ ડાળીને હું ક્યાં મુકું?' એવો ગરુડે,કશ્યપને,જયારે પ્રશ્ન કર્યો,ત્યારે કશ્યપે તેને,બરફથી ઢંકાયેલ ગુફાવાળો અને બીજાઓને મનથી એ અગમ્ય એવો પ્રદેશ વિષે કહ્યું.એટલે ગરુડ તે પર્વત પર પહોંચ્યો ને ગર્જના કરી,

તે ડાળને ત્યાં નાખી દીધી,એટલે,તે પર્વત આઘાતથી કંપીને ડોલવા લાગ્યો. (10-29)


પછી,તે પક્ષીશ્રેષ્ઠ ગરુડે,તે પર્વતના શિખર પર બેસીને,હાથી અને કાચબાનું ભક્ષણ કર્યું,ને ત્યાર બાદ,

ત્યાંથી,તેણે,અમૃત લેવા માટે,ઇન્દ્ર પાસે જવાનું પ્રયાણ કર્યું,ત્યારે દેવોને ભય સુચવનારા ઉત્પાતો થવા લાગ્યા,

ઉત્પાતો જોઈને દેવો અને ઇન્દ્ર,અત્યંત ઉદ્વેગ પામ્યા ત્યારે ઇન્દ્રે બૃહસ્પતિને પૂછ્યું કે-આ ભયંકર ઉત્પાતો 

શાથી થયા છે? યુદ્ધમાં અમારો પરાભવ કરે એવો કોઈ શત્રુ તો હું જોતો નથી (30-39)


બૃહસ્પતિ બોલ્યા-હે ઇન્દ્ર,તમારા અપરાધ તથા પ્રમાદથી,તેમ જ વાલખિલ્ય મહર્ષિઓના તપોબળથી 

આશિષ પામેલ,મુનિ કશ્યપ અને વિનતાનો,પુત્ર કે જે આકાશચારી છે,મહાબળવાન છે ને ઇચ્છારૂપ ધરનાર છે,

તે અમૃત હરી જવાને સમર્થ છે,તે અમૃત લેવા આવી રહ્યો છે,તે અસશય કાર્યને પણ સાધે એવો છે (40-42)


સૂતજી બોલ્યા-આ વચન સાંભળી,ઇન્દ્રે દેવોને કહ્યું-'મહાબળવાન એક પક્ષી અહીં અમૃત હરવા આવી રહ્યો છે,

બૃહસ્પતિએ કહ્યું છે કે તેનું બળ અતુલ છે,તેથી તમને ચેતવુ છું કે-તે બળપૂર્વક અમૃત હરી જાય નહિ'

ઇન્દ્રના આ વાક્યથી દેવો વિસ્મય પામ્યા અને યત્નપૂર્વક અમૃતને ઘેરીને ઉભા રહ્યા.

બાલ અને પરાક્રમમાં શ્રેષ્ઠ અને તેજમાં અનુપમ એવા દેવો,અનુપમ શસ્ત્રો અને બખ્તરોમાં સજ્જ 

થયા હતા,તેમના,અગ્નિના જેવા પ્રકાશ-રૂપને લીધે બીજું આકાશ નીચે આવ્યું હોય તેમ શોભતું હતું  

અધ્યાય-30-સમાપ્ત 



INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE