Nov 25, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-025

 

અધ્યાય-૨૫-કદ્રૂએ કરેલી ઇન્દ્રની સ્તુતિ 


II सौतिरुवाच II ततः कामगमः पक्षी महावीर्यौ महाबलः I मातुरंतिकभागच्छत् परं पारं महोदधेः II १ II

સૂતજી બોલ્યા-પછી,ઈચ્છા પ્રમાણે ગતિ કરવાવાળો,તે મહાવીર્યવાન અને મહાબળવાન,ગરુડ,

મહાસાગરને પેલે પાર માતા પાસે જઈ પહોંચ્યો.કે જ્યાં,શરતમાં પરાજય પામેલી અને દાસીપણું કરી રહેલી,

તેની માતા વિનતા,અત્યંત દુઃખ અને સંતાપ પામી રહી હતી.

એક વાર,પુત્રની પાસે બેઠેલી,તે વિનતાને,કદ્રૂએ બોલાવી કહ્યું કે-'સમુદ્રની કૂખમાં,એકાંતમાં,નાગોનું એક સ્થાન છે,

હે વિનતા,મને તું ત્યાં લઇ જા' ત્યારે (ગરુડની માતા) વિનતાએ,(સર્પોની માતા) કદ્રૂને ઉપાડી,અને માતાના કહેવાથી,ગરુડે સર્પોને પણ ઉપાડ્યા.આક્શામાં વિચરનારો,તે ગરુડ સૂર્યની સમીપ થઈને ચાલવા લાગ્યો,

ત્યારે.સૂર્યની ગરમીથી તે સર્વ નાગો,તપીને મૂર્છિત થયા.પોતાના પુત્રોની દશા જોઈને,કદ્રૂએ ઇન્દ્રની સ્તુતિ કરી-


'હે સર્વ દેવોના સ્વામી,હે સહસ્ત્ર નયનવાળા,હે,શચીના પતિ,તમને નમસ્કાર હો,સૂર્યથી દાઝેલા સર્પોનું તમે મેઘજળથી રક્ષણ કરો.હે પુરંદર,તમે અત્યંત જળવૃષ્ટિ કરવાને સમર્થ છો,તમે જ મહામેઘ છો,

તમે જ લોકોને સર્જનાર અને તમે જ સંહારક છો.તમે જ મહાયશસ્વી છો,ને પંડિતો તમને પૂજે છે,

સ્તુતિ પામેલા તમે યજ્ઞમાં સોમપાન કરો છો,ને લોક કલ્યાણ અર્થે,હવિ ને સ્વીકારો છો.(1-17)

અધ્યાય-25-સમાપ્ત 


અધ્યાય-૨૬-ઇન્દ્રે કરેલી વૃષ્ટિ 


II सौतिरुवाच II एवं स्तुतस्तदा काद्रूवा भगवान हरिवाहनः I नीलजिमूत संगातै सर्वमंवरमावृणोत II १ II

સૂતજી બોલ્યા-કદ્રૂએ,ઇન્દ્રની સ્તુતિ કરી,એટલે 'હરિ-અશ્વ'નું વાહન કરનારા ઇન્દ્રે,સમસ્ત આકાશને,

મેઘોથી છૈ દીધું,ને તેમણે મેઘોને આજ્ઞા આપી કે-'તમે શુભ વૃષ્ટિ વરસાવો'


પછી,તે મેઘો પારસપર અથડાઈને,વીજળી તથા ગર્જના કરવા લાગ્યા,અને અત્યંત જળવૃષ્ટિ કરવા લાગ્યા.

લાગલગાટ અતુલ જલધારાઓ પાડતા અને અનેક તરંગોવાળા તે મેઘોને લીધે,આકાશ જાણે નૃત્ય કરતું હોય,

તેમ જણાતું હતું,તે મેઘોને લીધે આકાશ ચંદ્ર અને સૂર્યના કિરણોથી વિહીન થયું.

ઇન્દ્રે આમ વરસાદ વરસાવ્યો,એટલે નાગોને અત્યંત હર્ષ થયો.ચારે તરફ પૃથ્વી પાણીથી છવાઈ ગઈ,

અને ત્યારે,સર્પો,માતા કદ્રૂની સાથે રામણીયક નામના દ્વીપમાં આવી પહોંચ્યા (1-8)

અધ્યાય-26-સમાપ્ત 


અધ્યાય-૨૭-ગરુડે,દાસીપણામાંથી છૂટવાનો ઉપાય પૂછ્યો 


II सौतिरुवाच II संग्ररहृष्टास्ततो नागा जलधाराप्लुतास्तदा I सुपर्णेनोह्यमानास्ते जग्मुस्तं द्विपमाशु वै II १ II

સૂતજી બોલ્યા-પછી,જલધારાથી ભીંજાયેલા તે સર્પો અતિ હર્ષ પામ્યા,ગરુડે ઊંચકેલા તે સર્પો,તે દ્વીપમાં પહોંચ્યા કે જે દ્વીપને વિશ્વકર્માએ,મગરના આવાસ માટે બનાવ્યો હતો.સર્પોએ ત્યાં એક મનોરમ વન જોયું.

સરોવરો,વૃક્ષો,પુષ્પો,ને પક્ષીઓથી ભરપૂર તે વન મનને હર્ષ પમાડનાર હતું.દેવો,ગંધર્વો અને અપ્સરાઓને 

પણ તે પ્રિય હતું.આ વનમાં કદ્રૂના પુત્રો (સર્પો) આવીને વિહાર કરવા લાગ્યા.


એક વખત તે નાગોએ ગરુડને કહ્યું કે-'હે ખેચર,આકાશમાં ઉડતાં,

તેં  જે રમણીય,નિર્મલ જળવાળો દ્વીપ જોયો હોય ત્યાં તું અમને લઇ જા'  

ત્યારે વિચાર કરીને ગરુડે માતાને પૂછ્યું કે-'હે મા,મારે શા માટે સર્પોનું કહેવું કરવું જોઈએ?'

ત્યારે વિનતાએ પોતાના દાસીપણાનું કારણ,ગરુડને કહ્યું.

તે સાંભળી,ગરુડ દુઃખી થયો,ને સર્પોને કહેવા લાગ્યો-

'હે સર્પો,તમને શું લાવી આપીને,કે કયો પુરુષાર્થ કરીને હું દાસપણામાંથી મુક્ત થઇ શકું તે કહો'

આ સાંભળી,સર્પોએ કહ્યું કે-હે આકાશચારી,તું પરાક્રમ કરીને અમારે માટે અમૃત લાવી આપે,

તો તારા દાસપણામાંથી,તારો છુટકારો થશે. (1-16)

અધ્યાય-27-સમાપ્ત 


અધ્યાય-૨૮-ગરુડ નિષાદોના પ્રદેશમાં 


II सौतिरुवाच II इत्युत्त्को गरुडः सर्पैस्ततो मातरमब्रवीत् I गच्छाम्यमृतमादर्तु भक्ष्यमिच्छाभि वेदितुम् II १ II

સૂતજી બોલ્યા-સર્પોએ આ પ્રમાણે કહ્યું,એટલે ગરુડ,પોતાની માતાને પૂછવા લાગ્યો-

'હું અમૃત લાવવા જાઉં છું,પણ,રાતમાં મને,ખાવાનું ક્યાં મળશે તે જાણવા ઈચ્છું છું' 

વિનતા બોલી-સમુદ્રની એકાંત કૂખમાં,નિષાદોનું ઉત્તમ નિવાસસ્થાન છે,ત્યાં હજારો નિષાદો છે તેમનું તું ભક્ષણ કરજે અને અમૃત લઇ આવજે,પણ,ક્યારેય તું,બ્રાહ્મણને હણવાનો વિચાર કરીશ નહિ કેમ કે,અગ્નિની ઉપમાવાળો બ્રાહ્મણ સર્વ માટે અવધ્ય છે,તે જો કોપે તો તે અગ્નિ,સૂર્ય,વિષ અને શસ્ત્રરૂપ થાય છે.તે બ્રાહ્મણ વર્ણોમાં શ્રેષ્ઠ છે ને સર્વનો ગુરુ છે.માટે બેટા,તને ક્રોધ આવે તો પણ તું બ્રાહ્મણને ક્યારેય મારીશ નહિ,તેમનો દ્રોહ કરીશ નહિ.

ગરુડે પૂછ્યું-મા,બ્રાહ્મણનું રૂપ -શીલ કેવું હોય? તેનાં શા પરાક્રમ હોય?તે શું અગ્નિ જેવો પ્રકાશે છે?

કે પછી,તે દેખાવે સૌમ્ય છે? કયા લક્ષણો વડે હું બ્રાહ્મણને ઓળખી શકું? તે તમે મને કહો.(1-7)


વિનતા બોલી-ભૂલથી પણ જો તે તારા ગળામાં આવે તો,અંગારા જેવી બળતરા કરે તો,તેને બ્રાહ્મણ જાણવો,

ક્રોધ થયો હોય તો પણ તારે તે બ્રાહ્મણને હણવો નહિ.

વિનતા,પોતાના પુત્ર (ગરુડ)ના બળવીર્યને જાણતી હતી,છતાં પુત્રસ્નેહે તેને આશીર્વાદ આપતાં બોલી-

તારી પાંખોને મરુતદેવ રક્ષો,તારી પીઠને ચંદ્ર-સૂર્ય રક્ષો,અગ્નિ તારું શિર રક્ષો,વસુઓ તારા શરીરનું રક્ષણ કરે,

હું તારી શાંતિ અને તારા મંગલ માટે તત્પર રહીશ,ઈચ્છીત કાર્ય-સિદ્ધિ માટે તું પ્રયાણ કર (8-16)


પછી,માટેના વચન સાંભળીને તે ગરુડ,આકાશમાં ઉડ્યો,અને માર્ગમાં તે ભૂખ્યો થયો,ત્યારે તેણે,

મત્સ્ય પર આજીવિકા ચલાવતા નિષાદોનો પ્રદેશ જોયો.ગરુડે પોતાની પાંખોથી,આકાશમાં પહોંચે એટલી ધૂળ ઉડાડીને,નિષાદોનો માર્ગ રોકીને પોતાનું  મોં પહોળું કર્યું,તો તેમાં અનેક નિષાદો વેગપૂર્વક ઘૂસી ગયા.

ગરુડે અનેક નિષાદો મારીને ભોજન કર્યા બાદ પોતાનું મોં બંધ કર્યું (17-21)

અધ્યાય-28-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE