Nov 23, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-024

 

અધ્યાય-૨૨-બંને બહેનોએ ઓળંગેલો મહાસાગર 


II सौतिरुवाच II नागाश्च संविदं कृत्वा कर्तव्यमिति तद्वचः I निःस्नेहा वै दहेन्माता असंग्राप्तमनोरथ II १ II

સૂતજી બોલ્યા-હવે નાગોએ મંત્રણા કરીને ઠરાવ્યું કે-'આપણે માતાના વચન પ્રમાણે જ કરવું,કેમ કે 

તેનો મનોરથ જો પૂર્ણ નહિ થાય તો તે નિર્દય માતા આપણને બાળી મુકશે,અને જો તે પ્રસન્ન થશે તો,

આપણને  શાપમાંથી છોડાવશે,આથી આપણે નિઃસંશય તે ઘોડાનું પૂંછડું કાળું કરવું જ' 

આમ નિશ્ચય કરી તે ઘોડાના પૂંછડે વાળરૂપ થઇ ગયા.

હવે શરત કરી ચૂકેલી તે બે બહેનોએ (દક્ષપુત્રીઓ-કદ્રૂ અને વિનતાએ) મહાસાગરને જોઈને,

આકાશમાર્ગે,તે મહાસાગરને પેલે પાર જવા નીકળી.તે વખતે,તે સાગર,પવનથી એકદમ ઉછળી રહ્યો હતો,

ને મહા ગર્જનાઓ કરતો હતો,તેવા તે મહાસાગરને તે બંને બહેનો ઓળંગી ગઈ (1-12)

(નોંધ-આ બાર શ્લોકના અધ્યાયનું,કેટલાક આગલા અધ્યાયમાં જ પઠન કરે છે.કેટલાક તેને પાંચ શ્લોકનો ગણે છે)

અધ્યાય-22-સમાપ્ત 


અધ્યાય-૨૩-ગરુડ(સુપર્ણ)ની ઉત્પત્તિ અને દેવોએ કરેલ સ્તુતિ 


II सौतिरुवाच II तं समुद्रमतिक्रम्य कद्रुर्विनतया सह I न्यपतत्तुरगा भ्याशे नचिरादिव शीघ्रगा II १ II

સૂતજી બોલ્યા-શીઘ્ર વેગવાળી,તે કદ્રૂ અને વિનતા,સમુદ્રને ઓળંગી અને તત્કાલ તે ઘોડાની નજીક આવી પહોંચી.

ત્યાં,તે બંનેએ,ચંદ્ર જેવી કાંતિવાળો અને કાળા વાળવાળો,અશ્વોમાં શ્રેષ્ઠ ઉચ્ચૈશ્રવા અશ્વને જોયો.

તેના પૂંછડાએ અસંખ્ય કાળા વાળ જોઈને ખેદ પામેલી વિનતાને,કદ્રૂએ પોતાનું દાસીપણું કરવા કહ્યું.

અને શરતમાં હારેલી તે વિનતાએ,જયારે દાસીપણું સ્વીકાર્યું,તે જ વખતે,પોતાના જન્મનો સમય થતાં,

મહાતેજસ્વી ગરુડ,પણ માતા વિના જ ઈંડુ ફોડીને બહાર નીકળ્યો.


મહાવીર્યવાન અને મહાબળવાન એવો આ ગરુડ,સર્વ દિશાઓને અજવાળી મુકતો હતો,

ઇચ્છારૂપ ધરનારો,ઈચ્છીત પરાક્રમ કરનારો,સ્વેચ્છાએ વિહાર કરનારો,અગ્નિ સમાન જણાતો હતો.

એ ગરુડ મહાકાય બની,એકદમ વૃદ્ધિ પામતો હતો તેથી આકાશમાં,અગ્નિ વધી ગયો હોય,તેમ જણાતાં,

સર્વ દેવો અગ્નિને શરણે જઈને કહેવા લાગ્યા કે-હે અગ્નિ,હવે તમે વધશો નહિ,તમારા આ તેજનો સમૂહ 

અતિ પ્રદિપ્ત થઈને અમને બાળી રહ્યો છે,તમે શું અમને બાળવા ઈચ્છો છો?(1-10)


અગ્નિ બોલ્યો-હે દેવો,તમે માનો છો,તેમ નથી,આ તો વિનતાનો પુત્ર,ગરુડ કે જે તેજમાં મારા સરખો બળવાન છે,

તેના તેજ-પુંજને જોઈને તમે ભ્રમમાં પડ્યા છો,એ મહાબળવાન,કશ્યપ-પુત્ર,નાગોનો ક્ષય કરનારો,

દેવોના હિતમાં પરાયણ,અને દૈત્યો તથા રાક્ષસોનો શત્રુરૂપ છે.માટે તમે ભય રાખશો નહિ.

અગ્નિના આમ કહેવાથી,દેવો અને ઋષિઓ ત્યાં ગરુડ તરફ ગયા અને તેની સ્તુતિ કરવા લાગ્યા,


દેવો બોલ્યા-'તમે પ્રણવ-રૂપ છે,અમે મહાભાગ (યજ્ઞભોક્તા) છો,તમે પ્રકાશવંત દેવ છો,તમે પક્ષીઓના 

રાજ (તીવ્ર વેગવાળા) છો,તમે પ્રભુ છો અને તમે તપનદેવ સૂર્ય છો.

(નોંધ-ગરુડ વિષ્ણુનું વાહન છે,એટલે અહીં કહેલ સર્વ વિશેષણો તેનામાં ઘટી શકે નહિ,એટલે આ બ્રહ્મની સ્તુતિ જ સમજવી)

હે ગરુડજી,અમે આપના શરણે આવ્યા છીએ,તમારા આ તેજથી સર્વ જગત તપી રહ્યું છે,ભય પામેલા,

આકાશમાં વિચરનારા,તમારાથી પરાભવ પામીને બીજે રસ્તે વળીને જાય છે,તમે,ભય પામેલ,સર્વ દેવો અને મહાત્માઓનું રક્ષણ કરો,હે પક્ષી-શ્રેષ્ઠ,તમે દયાળુ કશ્યપ ઋષિના પુત્ર છો,તમે ક્રોધ કરો નહિ,શાંત થાઓ ને અમારું રક્ષણ કરો.આપ જગત પર કૃપા કરીને,તમારું આ ગણી-સ્વરૂપ સમેટી લો,પ્રસન્ન થાઓ'

દેવો અને ઋષિઓએ જયારે આ પ્રમાણે સ્તુતિ કરી,એટલે ગરુડે પોતાનું તેજ પાછું અંદર સમાવી દીધું,

અધ્યાય-23-સમાપ્ત 


અધ્યાય-૨૪-અરુણ સૂર્યનો સારથી થયો 


II सौतिरुवाच II स श्रुत्वाथात्मनो देहं सुपर्णः प्रेक्ष्य च स्वयम् I शरीरप्रतिसंहारमात्मनः स चकार ह II १ II

સૂતજી બોલ્યા-એ પ્રમાણે,ગરુડે પોતાની સ્તુતિ સાંભળીને,પોતાના દેહ તરફ જોઈને તેજનો અંત આણ્યો.

ગરુડ બોલ્યા-મારા દેહને જોઈ,તમે કોઈ ગભરાઓ નહિ,હું મારુ ભયંકર તેજ,પાછું વાળી લઉં છું.


સૂતજી બોલ્યા-પછી,સ્વેચ્છાએ ગમન કરનારો,પરાક્રમી,ને આકાશમાં ઉડનાર તે પક્ષી (ગરુડ)પોતાના ભાઈ અરૂણની પીઠ પર બેસી પિતાના ઘેરથી નીકળ્યો,અને મહાસાગરને પેલે પાર માતાની પાસે આવ્યો,

તે વખતે સૂર્ય,પોતાના અતિ ઉગ્ર તેજથી લોકોને બાળવા ઈચ્છતો હતો,

એટલે ગરુડે,તે મહાતેજસ્વી અરુણને પૂર્વ દિશામાં સ્થપિત કર્યો.


રુરુએ પૂછ્યું-તે વખતે સૂર્યે લોકોને બાળવાની ઈચ્છા કેમ કરી હતી?દેવોનો શો અપરાધ હતો?


પ્રમતિ બોલ્યા-ચંદ્ર અને સૂર્યે,અમૃત પી જતા રાહુની ચાડી ખાધી,ત્યારેથી એ રાહુ,તેમની સાથે વેર રાખીને રહ્યો છે,

આ સૂર્ય,જયારે ગ્રહણમાં પકડાયો,ત્યારે તેને ક્રોધ આવ્યો,તેણે વિચાર્યું કે-રાહુનો મારા પરનો રોષ,દેવોના કારણે જ ઉભો થયો છે,મને એક ને જ આ અનર્થકારી પાપ વળગ્યું છે,મને દુઃખમાં કોઈ મને સહાય કરતુ નથી,ને દેવો,

હું  ગ્રહણમાં સપડાયો હતો,છતાં ચૂપ રહ્યા છે,આથી,હું સર્વ લોકોના વિનાશ માટે નિઃસંશય ઉભો થાઉં'

આમ નિશ્ચય કરીને,સૂર્ય અસ્તાચળ પર ગયો,ને લોકોનો વિનાશ લાવવા માટે મહા-સંતાપકારી રૂપ ધર્યું.


પછી,મહર્ષિઓ દેવો પાસે ગયા,ને બોલ્યા-'મધ્યરાત્રિએ,સર્વ લોકોને ભય આપનારો,ને ત્રણે લોકનો ઘાણ કાઢનારો મહાન દાહ ઉત્પન્ન થશે' દેવો પણ ગભરાયા અને ઋષિઓને લઈને પિતામહ બ્રહ્મા પાસે ગયા,ને બોલ્યા-

'આજે દાહનો આ મહાભય કેમ ઉભો થાય છે?સૂર્ય તો હજુ જણાતો નથી,સૂર્ય ઉગશે ત્યારે શું થશે?


પિતામહ બ્રહ્મા બોલ્યા-આ સૂર્ય આજે લોકોના વિનાશ માટે જ ઉગવાને સજ્જ થઈને બેઠો છે,ને 

તેને જોતા વેંત જ સર્વનો નાશ કરી રાખની ઢગલી કરી દેશે,પણ,મેં આનો વળતો ઉપાય પણ પહેલેથી જ કરી રાખ્યો છે.કશ્યપનો અરુણ નામે પ્રસિદ્ધ,મહાકાય ને મહાતેજસ્વી જે પુત્ર છે,તે સૂર્યની આગળ સ્થાપિત થશે,

એ તેનું સારથી પણું કરશે અને તેનું તેજ હરશે,કે જેથી સર્વનું મંગલ થશે.


પ્રમતિ બોલ્યા-પછી,અરુણે પિતામહની આજ્ઞા પ્રમાણે જ કર્યું ને સૂર્ય આવરણ પામીને જ ઉગ્યો.

આમ,સૂર્યને કેવી રીતે ક્રોધ ચડ્યો અને સમર્થ અરુણ,તેનો કેમ સારથી થયો? એ સર્વ તમને કહ્યું,

હવે તમારા બીજા પ્રશ્નનો ઉત્તર તમે સાંભળો.

અધ્યાય-24-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE