અધ્યાય-૮-રુરુનું ચરિત્ર-પ્રમદવરાને સર્પદંશ
II सौतिरुवाच II स चापि च्यवनो ब्रह्मन् भार्गवोऽजनयत्सुतम् I सुकन्यायां महात्मानं प्रमतिं दीप्ततेजसम् II १ II
સૂતજી બોલ્યા-હે બ્રહ્મન,તે ચ્યવને (ભાર્ગવે) સુકન્યામાં,મહાત્મા ને કાંતિવાળો પ્રમતિ-નામે પુત્ર ઉત્પન્ન કર્યો,
પ્રમતિએ,ધૃતાચીમાં રુરુ નામે પુત્ર પેદા કર્યો,રુરુએ પ્રમદવરામાં શુનકને જન્મ આપ્યો.
અત્યંત તેજસ્વી,રુરુનું ચરિત્ર,હવે હું વિસ્તારથી કહીશ તે તમે સાંભળો.
પૂર્વે,તપવિદ્યાથી સંપન્ન ને પ્રાણીમાત્રના હિતમાં પારાયણ એવા 'સ્થૂલકેશ'નામે પ્રસિદ્ધ મહર્ષિ હતા,
તે સમયમાં,વિશ્વાવસુ નામે એક ગંધર્વરાજે,મેનકા (અપ્સરા),માં ગર્ભાધાન કર્યું,મેનકાએ યથાસમયે,
સ્થૂલકેશના આશ્રમ આગળ પ્રસવ આપ્યો ને તે નિર્લજ્જ અપ્સરા,તે ગર્ભને ત્યાં જ છોડીને ચાલી ગઈ.
અત્યંત કાંતિવાળી,તે કન્યાને ત્યજાયેલી જોઈને,દયાવાન મહર્ષિ સ્થૂલકેશ,તેને આશ્રમમાં લઇ આવ્યા.
તેજસ્વી અને ગુણથી સંપન્ન એવી,તે કન્યા,પ્રમદાઓમાં વરા (શ્રેષ્ઠ) હતી,એટલે તેનું નામ પ્રમદવારા રાખ્યું.
એકવાર,રુરુએ,તે ઋષિના આશ્રમમાં,એ પ્રમદવરાને જોઈ,ત્યારે તે કામથી વિહવળ થયો,
પછી,પોતાના મિત્રો દ્વારા,તેણે,પિતા પ્રમતિને,તે કન્યાના માગા માટે વાત કહેવડાવી,એટલે પ્રમતિએ,
સ્થૂલકેશ પાસે તે કન્યાનું માગું કર્યું,ઋષિ સંમત થયા ને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં લગ્નનું નક્કી થયું.
કેટલાક સમય પછી,લગ્નનો સમય નજીક આવ્યો.
તેવામાં એક દિવસે,તે કન્યા,સખીઓ સાથે ક્રીડા કરતી હતી,ત્યારે તેણે,જમીન પર સુઈ રહેલો સર્પ જોયો નહિ,
ને તેથી ભૂલથી તે સર્પના પર પગ મુક્યો,એટલે કાળથી પ્રેરાઈને તે સર્પે,તેને ડંશ દીધો.કે જેથી તે મૃત્યુ પામી,
ત્યારે સર્વ લોકો શોકથી પ્રેરાઈને રડવા લાગ્યા,દુઃખી થયેલ રુરુ ત્યાંથી બહાર ચાલ્યો ગયો (1-27)
અધ્યાય-8-સમાપ્ત
અધ્યાય-૯-પ્રમદવરા ફરીથી જીવતી થઇ
II सौतिरुवाच II तेषु तत्रोपविष्टेषु ब्राह्मणेषु महात्मसु I रुरुश्रुकोश गहनं वनं गत्वातिदुखितः II १ II
સૂતજી બોલ્યા-તે શબની જોડે બ્રાહ્મણ મહાત્માઓ બેઠા હતા,તે વખતે અત્યંત દુઃખી થયેલો રુરુ,
ઘન વનમાં જઈને,પોતાની પ્રિયાને સંભારીને શોક કરીને આક્રંદ કરતો બોલવા લાગ્યો કે-
મારો શોક વધારનારી તે સુંદર અંગી,જમીન પર,(મૃત્યુ પામીને) સૂતી છે,એનાથી વધુ દુઃખ કયું?
જો મેં દાન,તપ કર્યું હોય ને ગુરુઓને આરાધ્ય હોય,તો તે પુણ્યથી મારી પ્રિયા સજીવન થાઓ.
ત્યારે એક દેવદૂત તેની પાસે આવ્યો ને તેને કહ્યું કે-હે રુરુ,દુઃખને લીધે તું જે વાણી કહી રહ્યો છે,તે મિથ્યા છે,
ગંધર્વ અને અપ્સરાની આ પુત્રીનું આયુષ્ય પૂરું થઇ ગયું છે,તેને હવે ફરી જીવન સાંપડી શકે નહિ,
તેમ છતાં,પણ,પૂર્વે દેવોએ આ વિષે એક ઉપાય કર્યો છે,કે પોતાનું અડધું આયુષ્ય આપીને તેને જીવાડી શકાય,
એટલે જો તું તારું અડધું આયુષ્ય આપે તો તે પ્રમદવરા ફરીથી જીવતી થાય.
ત્યારે તે રુરુએ કહ્યું કે-હું આ કન્યાને મારો અડધું આયુષ્ય આપું છું,મારી એ પ્રિયા ફરી બેઠી થાઓ (1-12)
પછી,બંને ધર્મરાજ પાસે ગયા અને કહેવા લાગ્યા કે-હે ધર્મરાજ,રુરુની પ્રિયાને,રુરુએ અડધું આયુષ્ય આપ્યું છે,
તે જો આપને માન્ય હોય,તો તે કન્યા ફરી જીવિત થાઓ.ધર્મરાજાએ કહ્યું-'તથાસ્તુઃ'
ધર્મરાજાએ આમ કહ્યું એટલે,તે પ્રમદવરા,આળસ મરડીને,ઉભી થઇ,તે પછી યથા સમયે બંનેના લગ્ન થયાં.
અને પરસ્પર હિત ઇચ્છતા,તે બંને આનંદરમણ કરવા લાગ્યાં.પછી,રુરુએ સર્પોના વિનાશનો નિયમ કર્યો.
અને જયારે જયારે તે સર્પ જોતો,ત્યારે તે હથિયાર લઈને તેમને મારી નાખતો હતો.
એકવાર,તે રુરુ,વનમાં ગયો ત્યારે ત્યાં,ઉંમરે પહોંચેલા,એક ડુંડુંભ(સર્પની એક જાતિ)ને સૂતેલો જોયો,એટલે તેને મારી નાખવાની ઈચ્છાથી,રુરુએ પોતાનો કાલદંડના જેવો દંડ ઉગામ્યો.ત્યારે ડુંડુંભે તેને કહ્યું કે-હે તપોધન,અત્યારે મેં તમારો કશો અપરાધ કર્યો નથી,તો પછી ક્રોધાવેશમાં આવીને તમે મને શા માટે મારો છો? (13-23)
અધ્યાય-9-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE