ત્યારે ઇન્દ્રે,તેને ક્લેશને પામતો જોઈને પોતાના વજ્રને કહ્યું કે-'જા આ બ્રાહ્મણને મદદ કર'
વજ્ર લાકડીમાં પ્રવેશ થવાથી,તે દર ફાટી ગયું,ને ઉત્તંકે તે દરમાં (નાગલોકમાં) પ્રવેશ કર્યો,ત્યાં તેણે,
વિવિધ દેવમંદિરો,રાજમહેલો,ઘરોને વસ્ત્રશાળાઓ જોયાં,ને ત્યારે તેણે,નાગોની સ્તુતિ કરી,(127-133)
'જેમનો ઐરાવત રાજા છે,તે (આપ) નાગો દેવલોકમાં સૂર્યની જેમ શોભી રહ્યા છે,
પહેલાં,જે કુરુક્ષેત્રમાં ખાંડવ વનમાં વસતા હતા,તે નાગરાજ તક્ષકની,હું કુંડળો માટે પ્રાર્થના કરું છું,
જે તક્ષક અને અશ્વસેન,નિત્ય સાથીઓ છે,ને જે કુરુક્ષેત્રમાં ઇક્ષુમતી,નદીને કિનારે વસે છે,તેમને હું નમું છું,
વળી,તક્ષકનો,શ્રુતસેન નામનો,જે નાનો પુત્ર છે,કે જેણે મહદદ્યુમ્નમાં,નિવાસ કર્યો છે તેને હું નમું છું,
આ રીતે,સર્પશ્રેષ્ઠોની સ્તુતિ કરવા છતાં પણ,તે ઉત્તંકને બે કુંડળો મળ્યા નહિ,
એટલામાં તેણે જોયું કે-બે સ્ત્રીઓ સાળ પર,સુંદર કાંઠલા વડે વસ્ત્ર વણી રહી હતી,તે સાળમાં
ધોળા ને કાળા તાંતણાઓ હતા,વળી તેને,છ કુમારોથી,ફેરાવાતું,બાર આરાવાળું,એક ચક્ર જોયું
અને એક પુરુષ તથા સુંદર ઘોડો જોયો,ઉત્તંકે,ઉત્તમ સ્તોત્રથી,તે પુરુષની સ્તુતિ કરી.(134-149)
ઉત્તંકની સ્તુતિથી પ્રસન્ન થયેલા,તે પુરુષે કહ્યું-'હું તારી સ્તુતિથી પ્રસન્ન થયો છું,હું તારું શું પ્રિય કરું?'
ઉત્તંકે સર્વ સમસ્યા જણાવી એટલે પુરુષે કહ્યું કે-'આ અશ્વની ગુદામાં ફૂંક માર'
ઉત્તંકે તે પ્રમાણે કર્યું,એટલે તેના સર્વ છિદ્રોમાંથી ધુમાડા ને અગ્નિની જ્વાળાઓ બહાર નીકળી આવી,
ને આખો નાગલોક તે અગ્નિ ને ધુમાડાથી ભરાઈ ગયો,ત્યારે તક્ષક બેબાકળો બનીને,બે કુંડળો લઈને
બહાર આવ્યો અને તે કુંડળો ઉત્તંકને પાછાં આપ્યાં.કુંડળો મળ્યા પછી,ઉત્તંક વિચારવા લાગ્યો કે-
ગુરુ-પત્નીનો પુણ્ય દિવસ તો આજે છે,તો આટલે દૂરથી ત્યાં પહોંચવું કેવી રીતે?
ત્યારે તેને,પેલા પુરુષે કહ્યું કે-'હે ઉત્તંક,તું આ ઘોડા પર સવાર થઇ જા,તે તને જલ્દીથી લઇ જશે'
ઉત્તંક ઘોડા પર સવાર થઈને.ગુરુ[પત્ની પાસે પહોંચ્યો ને તેમને,પ્રણામ કરી,બે કુંડળો,આપ્યાં.
ગુરુપત્નીએ તેને આશીર્વાદ આપ્યા,કે -'તારું કલ્યાણ થાઓ ને તને સિદ્ધિ મળો'(150-159)
પછી,ઉત્તંકે ગુરુને વંદન કર્યું,ગુરુએ તેને,મોડું થવાનું કારણ પૂછ્યું,ત્યારે ઉત્તુંકે સર્વ હકીકત જણાવી,
અને પોતે જોયેલી,બે સ્ત્રીઓ,સાળ,પુરુષ અને ઘોડા વિશેના પ્રસંગના રહસ્ય વિષે પૂછ્યું.
ગુરુએ ઉત્તર આપ્યો-'બે સ્ત્રીઓ તે ધાતા-વિધાતા હતી,કાળા-ધોળા તાંતણા-તે રાત્રિ દિવસ,
છ કુમારો જે બાર આરાવાળું ચક્ર ફેરવી રહ્યા હતા-તે છ ઋતુઓ અને સંવત્સર (બાર માસ) હતા,
જે પુરુષ હતો તે ઇન્દ્ર હતો ને ઘોડો અગ્નિ હતો,તે ભગવાન ઇન્દ્ર મારા મિત્ર છે.તારા પર દયા કરીને
તેમણે તારા પે કૃપા કરી છે,ને તેથી જ તું આ કુંડળો લઈને સાજો સામો આવ્યો છે,
હે શિષ્ય,હવે તું અહીંથી જા,હું તને રજા આપું છું,તારું કલ્યાણ થાઓ.
તે પછી,તે ઉત્તંક,તક્ષક પર,વેર લેવાની ઈચ્છાથી,ક્રોધપૂર્વક હસ્તિનાપુર ગયો,જે જન્મેજય રાજાને મળ્યો.
તક્ષશિલાને જીતીને આવેલા,તે જન્મેજયને.ઉત્તંકે જય-આશિષ આપીને કહું.(160-173)
ઉત્તંક બોલ્યો-'હે રાજન,તમારે બીજું જ કાર્ય કરવાનું છે,પણ તમે બાળકની જેમ ભળતું જ કામ કરી રહ્યા છો'
જન્મેજય બોલ્યા-આ પ્રજાઓનું પરિપાલન કરીને હું ક્ષત્રિયનો સ્વધર્મ બજાવી રહ્યો છું,પણ તમે કહો કે,
મારે હજુ એવું કયું કામ કરવાનું છે? કે જે જણાવવા તમે અહીં આવ્યા છો?'
ઉત્તંક બોલ્યો-'તક્ષકે તમારા પિતાને મારી નાખ્યા હતા,તો તે દુષ્ટાત્મા નાગ પર તમે વેર લો,
મને લાગે છે કે-વેદ-કર્મ (સર્પ સત્ર) કરવાનો આ યોગ્ય અવસર છે.
બળ અને મદમાં છકેલા,તે નીચ અને પાપી,તક્ષક નાગે,વંશના રક્ષક અને દેવ જેવા તમારા પિતાને ડસીને,
મહાન અકાર્ય કર્યું છે,વળી,તેનું વિષ ઉતારવા આવતા,કશ્યપને,તે પાપીએ દ્રવ્ય આપીને પાછા વાળ્યા હતા,
હે મહારાજ,સર્પસત્રમાં તે પાપીને,ભડભડતા અગ્નિમાં હોમી દેવો જ યોગ્ય છે,તો આપ સર્પસત્ર કરો.
વળી,તે પાપીએ,હું ગુરુદક્ષિણા અંગે ગયો હતો ત્યારે તેણે મારા કાર્યમાં પણ વિઘ્ન નાખ્યું હતું'
સૂતજી બોલ્યા-'આ સાંભળીને રાજા જન્મેજય,તક્ષક પર ક્રોધે ભરાયો,અને અત્યંત દુઃખી થયેલા તે રાજાએ,
ઉત્તંકની હાજરીમાં,પોતાના મંત્રીઓને,પોતાના પિતાના સ્વર્ગગમન વિષે પૂછ્યું.આમ,ઉત્તંક પાસેથી,પોતાના
પિતા વિશેનો વૃત્તાન્ત સાંભળ્યાથી,જન્મેજય તરત દુઃખ ને શોકમાં ડૂબી ગયો (174-178)
અધ્યાય-3-પૌષ્ય પર્વ-સમાપ્ત