અધ્યાય-૨-સમંતપંચકનું વર્ણન,અક્ષૌહિણીની ગણના,પર્વસૂચિ ને મહાભારતની પ્રશંસા
II ऋषयः उचुः II
समन्तपन्चकमिति यदुक्तं सूतनन्दन II एतत्सर्व यथातत्वं श्रोतुमिच्छामये वयम् II १ II
ઋષિઓ બોલ્યા-હે સૂતનંદન (સૂતજી) તમે જે સમંતપંચક દેશનું નામ કહ્યું,તે વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ.
સૂતજી બોલ્યા-ત્રેતા અને દ્વાપર યુગના સંધિકાળમાં,પરશુરામે ક્રોધથી પ્રેરાઈને,વારંવાર ક્ષત્રિયકુળોનો નાશ કર્યો હતો,અને તે ક્ષત્રિયોનો સંહાર કરીને,તેમનાં લોહીનાં પાંચ સરોવરો,સમંતપંચકમાં કર્યાં હતાં.અને તે લોહીથી તેમણે પિતૃઓનું તર્પણ કર્યું હતું,ત્યારે ઋચિક-આદિ નામના પિતૃઓએ ત્યાં આવી પરશુરામને કહ્યું કે-હે રામ,અમે તારી આ પિતૃભક્તિથી અને તારા પરાક્રમથી અતિ પ્રસન્ન થયા છીએ,તું વરદાન માગી લે.(1-7)
શ્રીરામ બોલ્યા-'ક્રોધના આવેશમાં મેં ક્ષત્રિયકુળોનો નાશ કર્યો છે,તે પાપમાંથી હું મુક્ત થાઉં
અને મારાં આ (લોહીનાં) સરોવરો તીર્થરૂપ બનીને પ્રખ્યાત થાય'
પિતૃઓએ વરદાન આપ્યું ને કહ્યું કે-એ એમ જ થશે અને તું પણ તેમને (ક્ષત્રિય કુળને) ક્ષમા આપ.
આમ કહીને પિતૃઓએ,તેમને ક્ષત્રિયકુળના નાશના કાર્યથી નિવૃત્ત કર્યા.
લોહીનાં જળનાં આ સરોવરની પાસેનો દેશ તે 'સમંતપંચક' એવા પવિત્ર નામે પ્રસિદ્ધ થયો છે.
પછી દ્વાપર અને કળિયુગના સંધિકાળે,આ સમંત પંચકમાં ,કૌરવો અને પાંડવોની સેનાનું યુદ્ધ થયું હતું.
તે ભૂમિદોષ વિનાના દેશમાં,ત્યારે અઢાર અક્ષૌહિણી સેના,યુદ્ધ કરવા માટે એકઠી થઇ હતી.
અને તે સર્વ સેનાનો ત્યાં જ વિનાશ થયો હતો.
ઋષિ બોલ્યા-હે સૂતનંદન,તમે જે અક્ષૌહિણી સેનાનો શબ્દ કહ્યો,તેનો અમે સાચો અર્થ સાંભળવા ઇચ્છીએ છીએ.એક અક્ષૌહિણી સેનામાં કેટલા હાથી,ઘોડા,રથ અને પાળા હોય? (8-18)
સૂતજી બોલ્યા-એક રથ,એક હાથી,પાંચ પાળા,અને ત્રણ ઘોડા-એટલા મળીને એક 'પત્તિ' થાય છે,
ત્રણ 'પત્તિ'ઓને એક 'સેનામુખ',ત્રણ સેનામુખથી એક 'ગુલ્મ',ત્રણ ગુલ્મથી એક 'ગણ',
ત્રણ ગણથી એક 'વાહિની',ત્રણ વાહિનીઓથી એક 'પૃતના',ત્રણ પૃતનાઓથી એક 'ચમૂ',
ત્રણ ચમૂઓથી એક 'અનિકીની' અને આવી દશ અનિકીનીઓથી એક 'અક્ષૌહિણી' થાય છે.
આમ,એક અક્ષૌહિણી સેનામાં,21870 રથો,અને તેટલા જ હાથીઓ હોય,
65610 ઘોડા હોય,અને 1,09,350 પાળા (પગે ચાલતા સૈનિકો) હોય છે.
કૌરવો અને પાંડવો વચ્ચે ચાલેલા,અઢાર દિવસના યુદ્ધમાં,ભીષ્મે દશ દિવસ,દ્રોણાચાર્યે પાંચ દિવસ,
કર્ણે બે દિવસ,શલ્યે અડધો દિવસ અને પછીના અડધો દિવસમાં ભીમ-દુર્યોધન વચ્ચે યુદ્ધ થયેલું.
છેલ્લા દિવસે,અશ્વસ્થામા,કૃતવર્મા અને કૃપાચાર્ય-એ ત્રણ જણે,સુતેલા સૈન્યને મારીનાખ્યું હતું.(19-32)
હે શૌનકજી,આપના આ સત્રમાં જે ઉત્તમ 'ભારત'નું આખ્યાન કરીશ,તે વ્યાસજીના ઉત્તમ શિષ્ય,
વૈશંપાયને,જન્મેજયના સર્પસત્રમાં વિસ્તારથી કહ્યું હતું.એમાં રાહોનાં યશ અને પરાક્રમની કથાઓ કહી છે.
વિચિત્ર પદ,આખ્યાન અને વિવિધ પ્રકારના આચાર-આદિથી તે ભરપૂર છે.
જેમ,મોક્ષાર્થીઓ,વૈરાગ્યનો આશ્રય લે છે,તેમ,પંડિત લોકો આ ભારતનું શરણું લે છે.
જેમ,જાણવા યોગ્ય વસ્તુઓમાં 'આત્મા' શ્રેષ્ઠ છે,તેમ,સર્વ વિષયોથી સંપૂર્ણ આ ઇતિહાસ શ્રેષ્ઠ છે.
જેમ,સર્વ લૌકિક અને વૈદિક વાણી,સ્વર અને વ્યંજન વર્ણોથી પરિપૂર્ણ રહે છે,તેમ,આ ઉત્તમ ઇતિહાસમાં
ઉત્તમ બુદ્ધિ સમાયેલી છે.એવા આ 'ભારત' ઇતિહાસનો 'પર્વ-સંગ્રહ; હવે આપ સાંભળો (33-40)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE