Nov 5, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-006

સૂતજી કહે છે-આમ કહીને,અત્યંત દુઃખી થઈને,ધૃતરાષ્ટ્ર વિલાપ કરવા લાગ્યા,ને મૂર્ચ્છા પામ્યા,

ફરીથી તે જયારે ભાનમાં આવ્યા ત્યારે,તે સંજયને કહેવા લાગ્યા કે-આવી દશા થઇ છે,

એટલે હું,જલ્દી પ્રાણ કાઢી નાખવા ઈચ્છું છું,હવે મને જીવતા રહેવામાં કોઈ ફળ દેખાતું નથી (219-220)


સંજય બોલ્યા-હે મહારાજા,વેદવ્યાસજીના મુખેથી આપે સાંભળ્યું જ છે કે,મનુ,ઇક્ષ્વાકુ,ભરત,યયાતિ વગેરે 

જેવા,સર્વગુણ સંપન્ન,મોટા રાજવંશોમાં જન્મેલા,ઇન્દ્રના જેવા તેજસ્વી,સિવય અસ્ત્રોમાં નિપુણ,પૃથ્વીને જીતનારા,

મોટા મોટા યજ્ઞો કરનારા,અને આ લોકમાં યશ મેળવનારા,અનેક રાજાઓ પણ કાળને વશ થયા છે (221-229)


પૂર્વકાળમાં,પુત્રશોકથી દુઃખી થયેલ,'સ્વૈત્ય' રાજા આગળ આવીને નારદે,ચોવીસ રાજાઓનાં,ઉપાખ્યાનોનું કીર્તન કર્યું હતું,તે અને તેની પહેલાંયે અનેક મહાબળવાન,મહારથી,સર્વગુણ સંપન્ન ને મહાત્મા રાજાઓ પણ 

કાળને વશ થયા છે.સાંભળ્યું છે કે-પૂરું,કુરુ,યદુ,રઘુ,સગર-આદિ સેંકડો ને હજારો,આ અપૂર્વ ઐશ્વર્ય છોડીને.

તમારા પુત્રોની જેમ પરલોકમાં ગયા છે,જેમનાં દિવ્ય કર્મોનું,પરાક્રમોનું,ને દાન વગેરેનું,વિદ્વાન કવિઓ,

આ લોકમાં અને પુરાણમાં કીર્તન કરે છે.તે સર્વ ગુણથી સંપન્ન રાજાઓ પણ જો મરણ પામ્યા છે,

તો,તમારા પુત્રો તો દુરાત્મા હતા,ક્રોધથી સળગેલા હતા,લોભિયા ને દુરાચારી હતા,

તે સર્વે જયારે નાશ પામ્યા છે,તો તમારે તેમનો શોક કરવો ઘટતો નથી.(230-243)


હે રાજા ધૃતરાષ્ટ્ર,તમે શાસ્ત્રજ્ઞ છો,બુદ્ધિમાન છો વિદ્વાનોમાં સન્માનિત છો.જેમની બુદ્ધિ,શાસ્ત્રને અનુસારનારી છે,તેમને કદી મોહ થઇ શકે નહિ,છતાં,તમારો નિગ્રહ અને અનુગ્રહ તો સર્વ જાણે છે,તમારા પુત્રોના રક્ષણ માટે,

તમારે દયા કરવા જેવી નહોતી,પણ,હવે જે થવાનું છે તે થઇ ગયું છે,એટલે તેનો શોક કરવો સારો નથી.

કયો બુદ્ધિવાન મનુષ્ય દૈવને હટાવી શકે તેમ છે? વિધાતાએ નિર્મેલા માર્ગને કોઈ ઓળંગી શકે તેમ નથી.


જન્મ,મરણ,સુખ,દુઃખ-એ સર્વનું કારણ 'કાળ' જ છે,કાળ જ જીવોને સર્જે છે,ને કાળ જ જીવોનો સંહાર કરે છે,

ને જીવોને સંહારતા કાળને કાળ જ શાંત કરે છે,કાળ જ સર્વ લોકમાં શુભાશુભ ભાવો ઉત્પન્ન કરે છે,

સર્વ જીવો સૂઈ જાય છે ત્યારે પણ કાળ,જાગ્રત રહે છે,આ કાળને કોઈ ઉલ્લંઘી શકતું નથી,

ભૂત,ભવિષ્ય અને વર્તમાન એ સર્વ કાળથી જ ઉત્પન્ન થયું છે-આમ જાણીને,

તમારે મોહવશ થવું ઉચિત નથી,કેમ કે 'જ્ઞાન-નિષ્ઠા' વિના શોકને તરવાનો કોઈ ઉપાય નથી. 


સૂતજી કહે છે કે-આમ પુત્રશોકથી દુઃખી થયેલા રાજા ધૃતરાષ્ટ્રને,સંજયે આશ્વાસન આપી સ્વસ્થ કર્યા.

વ્યાસજીએ આ જે પરમ પવિત્ર ભારત (મહાભારત) કહ્યું,તેનું વિદ્વાનો અને કવિશ્રેષ્ઠો લોકમાં કીર્તન કરે છે.

આ ભારતના એક પવિત્ર ચરણ (કે ભાગ)ને જે શ્રદ્ધાપૂર્વક ભણે છે,તેનાં સર્વ પાપો બળે છે,ને તે પવિત્ર બને છે.

આ ભારતમાં,દેવો,દેવર્ષિઓ,બ્રહ્મર્ષિઓ,યક્ષો,સર્પો-એ બધાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.

વળી,આ ભારતમાં સનાતન-રૂપ એવા ભગવાન શ્રીકૃષ્ણનું કીર્તન કરવામાં આવ્યું છે.


આ વાસુદેવ (શ્રીકૃષ્ણ)સત્ય,પવિત્ર,પુણ્યકારી,નિત્ય,નિર્મળ,જ્યોતિરૂપ ને સનાતન-પરબ્રહ્મરૂપે છે.

જેમનાથી આ વિશ્વ પ્રવર્તે છે,વિશ્વનો વિસ્તાર થાય છે,પોષવામાં પ્રવૃત્તિ,જન્મ,મૃત્યુ અને પુનર્જન્મ થાય છે,

(અધ્યાત્મરૂપ) તેવા તે (શ્રીકૃષ્ણ) પંચમહાભૂતાત્મક દેવોના અધિષ્ઠાતા તરીકે છે.

તે અવ્યક્ત ને નિર્વિશેષ-રૂપે વેદમાં વર્ણવાયેલા છે,ને તેમને,જીવન્મુક્ત ઋષિઓ,

અરીસામાં પડેલા પ્રતિબિંબની જેમ,પોતાના હૃદયમાં તેમને (આત્મા-રૂપે) જુએ છે.


જે આસ્તિક પુરુષ,આ ભારતનો,આ અનુક્રમણિકા અધ્યાય પહેલેથી,છેલ્લે સુધી સાંભળશે,તેને કોઈ પણ 

ક્લેશની પીડા રહેશે નહિ.સવાર ને સાંજે,જે મનુષ્ય આ અનુક્રમણિકા અધ્યાયનો થોડોય પાઠ કરે છે,તેનાં,

દિવસે અને રાત્રે કરેલાં સઘળાં પાપો છૂટી જાય છે.આ અનુક્રમણિકા અધ્યાય એ આ મહાભારતના સત્ય અને 

અમૃતભર્યા દેહરૂપ છે.દહીંમાં જેમ માખણ શ્રેષ્ઠ છે,તેમ સર્વ ઇતિહાસોમાં આ મહાભારત શ્રેષ્ઠ કહેવાયું છે.


જે કોઈ પુરુષ શ્રાદ્ધ સમયે,આ અધ્યયનય એક ચારણ બ્રાહ્મણને કહી સંભળાવે છે,તેનાં અન્નપાન,

પિતૃલોકમાં પણ અક્ષય રહે છે.(આ) ઇતિહાસ અને પુરાણથી જ વેદના અર્થોનો પ્રકાશ કરવો,

કેમ કે અલ્પજ્ઞ (થોડા જ્ઞાની)થી વેદને ભય રહે છે કે 'એ મને બગાડશે' (કે ખોટો અર્થ કરશે)

વિદ્વાનો,વ્યાસજીએ કહેલા આ (પાંચમા?) વેદ (મહાભારત)ને સંભળાવીને,વેદના અર્થ મેળવે છે.


જે પવિત્ર મનુષ્ય,પર્વે-પર્વે આ અધ્યાયનો પાઠ કરે છે,તેને આખું ભારત ભણ્યાનું ફળ મળે છે.એમ મારું (સૂતજીનું)માનવું છે,ઋષિઓએ સેવેલા આ અધ્યાયને જે શ્રદ્ધાયુક્ત થઈને નિત્ય સાંભળશે,તે દીર્ઘાયુ થશે,

કીર્તિ પામશે,અને અંતમાં સ્વર્ગલોક મેળવશે.પુરાતન કાળમાં સર્વ દેવતાઓએ મળીને,

ત્રાજવાના એક પલ્લામાં ચાર વેદો અને એક પલ્લામાં આ ભારત-એમ તોલ કર્યો હતો,

ત્યારે રહસ્યભરી રીતે,આ ભારત ચારે વેદોથી ભારે થયું હતું,ત્યારથી તે આ લોકમાં મહાભારત કહેવાય છે,

કેમ કે મહત્વમાં અને ગુરુત્વમાં તે વેદોથી અધિક થયું હતું (તેને પાંચમો વેદ પણ કહ્યો છે)


આમ,મોટાઈ અને ગૌરવને કારણે,આ ભારતને મહાભારત કહેવામાં આવે છે.જેને આ (પાંચમા) વેદનો,

(મહાભારતનો) સત્યાર્થ સમજાય છે,તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.


અધ્યાય-1-અનુક્રમણિકા-પર્વ -સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE