યુધિષ્ટિર,એક 'ધર્મ-મય-મહાવૃક્ષ' છે,અર્જુન-ભીમ તેનો શાખા-વિસ્તાર છે,નકુલ-સહદેવ તેનાં ફળ-ફૂલ છે,
અને શ્રીકૃષ્ણદેવ તથા બ્રાહ્મણ,તેની જડ છે (110-111)
પોતાની બુદ્ધિ અને પરાક્રમથી ઘણા દેશો જીતીને,પાંડુ રાજા શિકારના શોખને લીધે વનમાં વસ્યો હતો,
સંભોગમાં આસક્ત એવા મૃગને મારીને તે (મૃગના શાપને લીધે) મહા-આપત્તિમાં આવ્યો.
વનમાં આપદ ધર્મ (આપત્તિ વખતે અનુસરવામાં આવતો ધર્મ) અનુસાર,
કુંતી અને માદ્રીના ગર્ભમાં,ધર્મ,વાયુ,ઇન્દ્ર અને બે અશ્વિનીકુમાર-એ પાંચ દેવતાઓથી પાંચ પાંડવો જન્મ્યા.
આ પાંડવો,વનમાં માતાઓ અને ઋષિઓથી રક્ષાઇને મોટા થયા.
એક વખત,તે ઋષિઓ,પોતે જ,તે પાંડવોને ધૃતરાષ્ટ્ર પાસે લઇ આવ્યા,અને
પાંડવોની,'તે રાજા પાંડુના પુત્રો છે' એમ ઓળખાણ આપીને ત્યાંથી અંતર્ધાન થયા.(112-117)
ઋષિઓએ ઓળખાવેલા,તે પાંડવોને જોઈને,કૌરવો અને નગરના લોકો,આશ્ચર્ય પામ્યા.
કોઈએ કહ્યું-કે પાંડુ રાજા તો ક્યારના મરી ગયા છે,તો તેમના આ પુત્રો ક્યાંથી?
તે વખતે દશે દિશાઓને ગજાવતી આકાશવાણી થઇ કે-'આ પાંડુપુત્રો જ છે'
એટલે,તે પછી,નગરજનો હર્ષ પામ્યા.ત્યારબાદ,પાંડવોએ ત્યાં રાજ્યમાં,વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો,
અને નિર્ભય થઈને માનપૂર્વક ત્યાં રહેવા લાગ્યા.(118-124)
યુધિષ્ઠિરના શૌચ-સદાચારથી,ભીમસેનના ધૈર્યથી,અર્જુનના પરાક્રમથી,નકુલ-સહદેવની નમ્રતાથી,
અને કુંતીની ગુરુસેવાથી,સમસ્ત પ્રજાજનો પ્રસન્નતા પામ્યા.
પછી,દ્રૌપદી-સ્વયંવરમાં,અર્જુને દુષ્કર કર્મ કરીને (મત્સ્યવેધ કરીને) દ્રૌપદીને મેળવી.
ત્યારથી અર્જુન આ પૃથ્વી પર સર્વ ધનુર્ધારીઓમાં પૂજ્ય અને યુદ્ધોમાં અજેય સાબિત થયો.
પછી,તે અર્જુને સર્વ રાજાઓને જીતીને,યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞની તૈયારી કરી આપી,
વાસુદેવ-કૃષ્ણની સુંદર નીતિથી,ભીમ અને અર્જુનના બળથી,જરાસંઘ અને અહંકારી શિશુપાલને મરાવીને,
રાજા યુધિષ્ઠિરે અન્ન અને દક્ષિણાવાળો તથા સર્વ ગુણોથી યુક્ત,એ રાજસૂય નામનો યજ્ઞ કર્યો (125-131}
તે યજ્ઞમાં,વિવિધ સ્થાનેથી,ભેટ-રૂપે આવેલ,મણિ,સુવર્ણ,હાથી,ઘોડા-વગેરે કોશાધ્યક્ષ દુર્યોધન પાસે આવ્યું
પાંડવોનું આવું ઐશ્વર્ય જોઈને,દુર્યોધનના હૃદયમાં ઈર્ષાજન્ય-ક્રોધ થયો.
વળી,એ યજ્ઞમાં મયદાનવે,પાંડવો માટે,વિમાનના જેવી એક અપૂર્વ સભા બનાવી હતી,તે જોઈને પણ દુર્યોધન દુઃખથી ને ઇર્ષાથી બળવા માંડ્યો.એ સભામાં ચાલતાં ચાલતાં,તે (જમીનની જગ્યાએ જળ ના)ભ્રમથી,
ગબડી જતો જોઈને,ભીમસેને,શ્રીકૃષ્ણ સમક્ષ તેની હાંસી (મજાક) કરી.
અનેક વિવિધ ભોગો ભોગવવા છતાં,તે ચિત્ત-પીડાથી,મલિન,અને દુબળો પડતો જતો હતો.
પુત્ર પર પ્રીતિવાળા ધૃતરાષ્ટ્રને,આડું-અવળું સમજાવીને,દુર્યોધને જુગટુ રમવાની સંમત્તિ મેળવી (132-138)
મામા શકુનિના કાવાદાવાથી યુધિષ્ઠિર જુગટુ હાર્યા,દ્રૌપદીને પણ દાવ પર લગાવી.દુઃશાસને
દ્રૌપદીનું ચીરહરણ કર્યું પણ શ્રીકૃષ્ણે,દ્રૌપદીની લાજ રાખી.
પાંડવોને બાર વર્ષનો વનવાસ થયો અને પાછા આવીને,તેમણે રાજ્યમાં ભાગ માગ્યો,
ત્યારે,દુર્યોધને તસુભાર પણ જમીન આપવાનો ઇન્કાર કર્યો,ને મહાભારતના યુદ્ધનું મંડાણ થયું.
શ્રીકૃષ્ણે,અસંતોષપૂર્વક આ સર્વને સંમતિ આપી,યુદ્ધથી અનેક ક્ષત્રિયોનો સંહાર થશે,
અનેક કુનીતિઓ થશે અને કૌરવોનો નાશ થશે,એ પોતે જાણતા હોવા છતાં તેની ઉપેક્ષા કરી.
યુદ્ધમાં પાંડવોનો જય થઇ રહ્યો છે,તે અપ્રિય વાત સાંભળીને,તેમજ દુર્યોધન,કારણ,અને શકુનિની
પૂર્વ-પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને,ઘણીવાર વિચાર કરીને,ધૃતરાષ્ટ્ર,સંજયને કહેવા લાગ્યા કે-
'હે સંજય,તું શાસ્ત્રને જાણનાર ને બુદ્ધિશાળી છે,તું મારા પર કોઈ વ્યર્થ દોષ ના લગાવ,
મને યુદ્ધ ગમતું નહોતું,કુળનો નાશ થાય તેમાં હું રાજી નહોતો.મારા પુત્રો ને પાંડુના પુત્રો મારે મન સરખા હતા,
પરંતુ મારા ક્રોધને ઈર્ષાવાળા પુત્રો,મને વૃદ્ધને અવગણે છે,હું તો અંધ અને હીન છું,એટલે પુત્ર-સ્નેહને લીધે,
આ બધું સાંખી રહ્યો છું,જયારે,દુર્યોધન,મોહમાં મૂઢ બને છે,ત્યારે હું પણ મૂઢ થઇ જાઉં છું.
રાજસૂય યજ્ઞમાં,મહાપ્રભાવશાળી પાંડવોનું ઐશ્વર્ય જોઈને,અને સભામાં ગબડી જતી વખતે,તેની થયેલી હાંસી,
ક્ષત્રિય-વંશી દુર્યોધનથી સાંખી શકાઈ નહિ.અને તે પોતે રણમાં તેમને જીતવા અસમર્થ હોઈ,
આ રાજ્યલક્ષ્મી ભોગવવાનો તેને ઉત્સાહ રહ્યો નહિ,એટલે ગાંધારરાજ (શકુનિ) સાથે,
તેણે કપટી જુગારની યોજના કરી હતી,તે સમયે હું જે કંઈક જાણી શક્યો હતો,
તે તું સાંભળ,મારાં વચનો સાંભળીને તું મને સાચે જ પ્રજ્ઞાચક્ષુ જાણશે.(139-149)
(ધૃતરાષ્ટ્ર કહે છે) હે સંજય,મેં જયારે સાંભળ્યું કે,અર્જુને વિચિત્ર ધનુષ્ય ચડાવી,લક્ષ્યને ભેદીને,
તેણે કૃષ્ણા (દ્રૌપદી)ને પ્રાપ્ત કરી છે,ત્યારે જ મને (પાંડવો સામે યુદ્ધમાં) 'જય'ની આશા નહોતી કરી.
જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને,(કૃષ્ણની બહેન) સુભદ્રાનું હરણ કરી,તેની સાથે લગ્ન કર્યું ને પછી,
કૃષ્ણ ને બળરામ,ઇન્દ્રપ્રસ્થ આવ્યા ત્યારે,(અર્જુનની મર્દાનગી જોઈને) મેં 'જય' ની આશા કરી નહોતી.
જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને વૃષ્ટિ વરસાવતા ઇન્દ્રને દિવ્ય બાણોથી વાર્યો છે અને અગ્નિને ખાંડવવનથી
તૃપ્ત કર્યો છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે મેં સાંભળ્યું કે,પાંચે પાંડવો,કુંતી સાથે લાક્ષાગૃહમાંથી
બચી ગયા છે ને વિદુર તેમને સહાય કરી રહ્યો છે,ત્યારે,મેં 'જય'ની આશા કરી નહોતી.(150-153)
જયારે,દ્રૌપદીને મેળવીને પાંચાલો અને પાંડવો,સંબંધથી એક થયા,ત્યારે મેં 'જય'ની આશા ના કરી,
જયારે,મેં સાંભળ્યું કે,ક્ષત્રિયોમાં તેજવી જરાસંઘને,ભીમે માર્યો ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,
જયારે,મેં સાંભળ્યું કે,પાંડુ-પુત્રોએ,સર્વ રાજાઓને તાબેદાર બનાવી,દિગ્વિજય કરી રાજસૂય યજ્ઞ કર્યો,
ત્યારે,મેં વિજયની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,દ્રૌપદી,રજસ્વલા હોવાથી એક-વસ્ત્રા હતી,
અને સનાથ હોવા છતાં,તેને તે અનાથ હોય તેમ સભામાં ખેંચી લાવવામાં આવી હતી,
ત્યારે મને 'જય'ની આશા નહોતી,(154-157)
જયારે,મેં સાંભળ્યું કે,કુબુદ્ધિ અને કપટી દુઃશાસને,દ્રૌપદીના વસ્ત્રો ખેંચીને તેનો ઢગલો કર્યો,
તોય વસ્ત્રોનો પાર આવ્યો નહિ,ત્યારે જ મેં 'વિજય'ની આશા કરી નહોતી,
જયારે,મેં સાંભળ્યું કે,જુગટામાં,શકુનિથી હાર પામેલા અને રાજ્ય ખોઈ બેઠેલા,યુધિષ્ઠિરને,
તેના સર્વ નાના ભાઈઓ,તેની આજ્ઞાધીન રહી અનુસરે છે,ને વનના અનેક ક્લેશો સહન કરીને ય,
મોટાભાઈને પ્રસન્ન રાખવા વિવિધ ચેષ્ટાઓ કરે છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,
જયારે,મેં સાંભળ્યું કે,વનમાં રહેલા એ ધર્મરાજ (યુધિષ્ઠિર)પાસે,હજારો સ્નાતકો અને ભિક્ષા લેનારા હજારો બ્રાહ્મણો
આવે છે,અને તે સર્વની અભિલાષા,તે ધર્મરાજ પૂર્ણ કરે છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,(158-161)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE