Nov 1, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-002

 પૃથ્વી પર,કોઈ કોઈ કવિઓએ પહેલાં આ ઇતિહાસ કહ્યો છે,આજે પણ કહે છે અને ભવિષ્યમાં પણ કહેશે.

અનંત જ્ઞાન આપવાવાળો આ ઇતિહાસ,ત્રણે લોકમાં પ્રશંસા પામ્યો છે.

આ (ઇતિહાસ-રૂપ) મહાભારત ગ્રંથ,અનેક પ્રકારના છંદો,સુંદર શબ્દો 

અને શ્રેષ્ઠ મનુષ્યોના સદાચારોથી સુશોભિત છે,તેથી વિદ્વાનો તેનો ઘણો આદર કરે છે.(26-28)


(નોંધ-હવે જગતની ઉત્પત્તિ કેવી રીતે થઇ? ત્યારથી શરુ કરીને ઇતિહાસ કહેવાની શરૂઆત કરે છે)

પહેલાં (ભૂતકાળમાં) આ જગત ચારે બાજુ અંધકારથી ઘેરાયેલું હતું,એમાં અજવાળું (જ્યોતિ-કે પ્રકાશ) નહોતું.

સૃષ્ટિની શરૂઆતમાં,(જીવની ઉત્પત્તિના) 'અવિનાશી બીજ-રૂપે' એક મોટું અંડ (બ્રહ્માંડ) થયું.

(જેને પંડિતો 'મહાન' કે 'દિવ્ય' પણ કહે છે)

શ્રુતિ કહે છે કે-'પર-બ્રહ્મ' કે જે અદભુત,અવ્યક્ત,કારણરૂપ,અચિંત્ય,સૂક્ષ્મ,સનાતન અને તેજોમય છે,

તે પર-બ્રહ્મે આ અંડમાં (બ્રહ્માંડમાં) 'સૂક્ષ્મ-કારણ-રૂપે' પ્રવેશ કર્યો.


એમાંથી,પ્રથમ સર્વ લોકના પિતામહ 'પ્રભુ' (ઈશ્વર કે વિષ્ણુ) થયા,ત્યાર બાદ,

બ્રહ્મા,રુદ્ર,મનુ,બૃહસ્પતિ,પ્રજાપતિ અને પરમેષ્ટી થયા,પ્રચેતાનો પુત્ર દક્ષ અને તેના સાત પુત્રો થયા,

એકવીસ પ્રજાપતિઓ થયા,અને (જેને સર્વ ઋષિઓ જાણે છે તે) 'અપ્રમેય-પુરુષ' થયા,

વિશ્વદેવ,આદિત્ય,વસુ,બે અશ્વિનીકુમાર,યક્ષ,સાધ્ય,પિશાચ,ગુહ્યક અને પિતરો  થયા,

બ્રહ્મર્ષિઓ,રાજર્ષિઓ,થયા,ને જળ,પૃથ્વી,વાયુ,આકાશ,દિશા,વર્ષ,ઋતુ,માસ,પક્ષ,દિવસ,રાત્રિ 

અને બીજા બધા લૌકિક પદાર્થો થયા.


જેમ,વસંત-ઋતુમાં ફૂલ-આદિ ખીલે છે અને ઋતુ પતી ગયા પછી તે ફૂલો નાશ પામે છે,

તેમ,યુગના આરંભમાં જે સર્વ પદાર્થો (જગત)ઉત્પન્ન થશે તે,પ્રલયકાળે નાશ પામશે,

અને આમ,ઉત્પત્તિ અને નાશનું,આ અનાદિ ને અનંત સંસાર-ચક્ર,સદા,વારાફરતી ફર્યા જ કરશે (29-40)

આમ,તેત્રીસ હજાર,તેત્રીસો અને તેત્રીસ-દેવોની સંક્ષેપમાં સૃષ્ટિ થઇ.

(નોંધ-તેત્રીસ દેવો મુખ્ય છે (આઠ વસુ-અગિયાર રુદ્રો-બાર આદિત્યો-ઇન્દ્ર અને પ્રજાપતિ) બાકીના તેમની વિભૂતિરૂપ દેવો છે)


અદિતિના બાર પુત્રોમાં 'મહ્ય' સહુથી નાનો પુત્ર હતો,'મહ્ય'નો પુત્ર દેવભ્રાટ,ને દેવભ્રાટને શુભ્રાટ પુત્ર થયો.

શુભ્રાટને દશજયોતિ,શતજ્યોતિ અને સહસ્ત્રજ્યોતિ નામના પુત્રો થયા.(કે જેમના નામ મુજબ જ)

દશજ્યોતિને દશ હજાર,શતજ્યોતિને એકલાખ અને સહસ્ત્રજ્યોતિને દસલાખ પુત્રો થયા.

આ લોકોમાંથી જ કુરુવંશ,યદુવંશ,યયાતિવંશ,ઇક્ષ્વાકુવંશ અને બીજા અનેક રાજવંશો થયા,


ચારે વેદો,યોગશાસ્ત્ર,વિજ્ઞાનશાસ્ત્ર,વિવિધ શાસ્ત્રો-જેવાકે-ધર્મ-અર્થ-કામ-મોક્ષ સંબંધી વિવિધ શાસ્ત્રો વિષે,ને 

લોકવ્યવહાર ચલાવવાના માટેના સર્વે ઉપયોગી શાસ્ત્રો વિષે,તથા પ્રાણીમાત્રનાં રહેવાનાં સર્વ સ્થાનો વિષે,

વેદવ્યાસજી સંપૂર્ણપણે જાણતા હતા.એટલે તેમને આ સંપૂર્ણ વિષય,વ્યાખ્યા સાથે,અને 

પ્રાણીમાત્રનો ઇતિહાસ,વિવિધ પ્રકારની કથાઓ સાથે,તેમને આ મહાભારત (સંહિતા) ગ્રંથમાં વર્ણવ્યો છે.

અને આ બધા વિષયો (ઇતિહાસ-શાસ્ત્રો-આદિ)નું વિસ્તારથી સંપૂર્ણ વર્ણન એ જ આ ગ્રંથનું લક્ષણ છે.(48-50)


કોઈકોઈ વિદ્વાન આ જ્ઞાનને સંક્ષેપમાં જાણવા ઈચ્છે છે,તેથી વ્યાસજીએ તેને સંક્ષેપમાં પણ કહ્યું છે.

જુદાજુદા પંડિતો,જુદાજુદા સ્થાન (પર્વ)થી આ સંહિતા (મહાભારત)નો આરંભ સમજે છે.

કોઈ પંડિતો,नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् (અધ્યાય-1 થી)એ મંત્રથી આરંભ કરે છે,

કોઈ પંડિતો,(આ પહેલા આદિ-પર્વમાં આવતા અધ્યાય-13)આસ્તિક-પર્વથી આરંભ કરે છે,

(નોંધ-કૌરવો-પાંડવોની -ચંદ્રવંશની -મહાભારત કથા અધ્યાય-59-અંશાવતરણ પર્વથી ચાલુ થાય છે-અનિલ)

તો કોઈ રાજા ઉપરિચરની કથાથી પ્રારંભ કરે છે.જ્ઞાનીઓ અનેક ઉપાયોથી આ સંહિતાના જ્ઞાનનો 

પ્રકાશ કરે છે,કોઈ પંડિતો આની સુંદર ટીકાઓ કરે છે તો કોઈ આ સંહિતાને કંઠસ્થ કરે છે (51-53)