(અધ્યાય-1-51-52-53 માં કહ્યા મુજબ) ઘણા,જુદાજુદા સ્થાન(પર્વ)થી આ સંહિતા (મહાભારત)નો આરંભ કરે છે.કોઈ પંડિતો,नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् એ મંત્રથી (અધ્યાય-1 થી)આરંભ કરે છે,કોઈ પંડિતો (આ આદિપર્વમાં આવતા) આસ્તીક-પર્વ (અધ્યાય-13)થી આરંભ કરે છે,તો કોઈ રાજા ઉપરિચરની કથાથી (અધ્યાય -63)પ્રારંભ કરે છે.
સંક્ષિપ્ત મહાભારત અધ્યાય-61 માં કહ્યું છે.
(નોંધ-વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકનું (કાવ્ય-રૂપે) આખ્યાન લખ્યું તે 'જય' નામે પ્રસિદ્ધ થયું હતું.પછી વૈશંપાયને તેને 'ભારત' નામે અને છેવટે સૂતજી(સૌતી)એ તેનું નામ 'મહાભારત' કર્યું હતું.હાલમાં જેની જુદીજુદી આવૃત્તિઓમાં ચોર્યાસી હજાર થી એક લાખ શ્લોકોનું મહાભારત જોવા મળે છે. પ્રથમ અધ્યાયમાં મહાભારતની અનુક્રમણિકાનું વર્ણન છે તો બીજા અધ્યાયમાં પર્વોની અનુક્રમણિકા છે.મહાભારતના મુખ્ય પાત્રો (કૌરવો અને પાંડવોના (ચંદ્ર) વંશની કથા અધ્યાય-96 થી શરુ થાય છે)
મહાભારતની કથા પહેલીવાર વાંચવાની ઈચ્છા ધરાવનાર,અધ્યાય-100 થી શરુ કરી શકે?!!-અનિલ)
૧-આદિ પર્વ
અનુક્રમણિકા-પર્વ
અધ્યાય-૧---કથા પ્રસ્તાવ
મંગલાચરણ
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ॐ नमो भगवते वासुदेवाय II ॐ नमः पितामहाय II ॐ नमः प्रजापतिभ्य II
ॐ नमः कृष्णद्वैपायनायः II ॐ नमः सर्व विघ्नविनायकेभ्यः II
ૐ નારાયણ,નરોત્તમ નર અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 'જય'નું કીર્તન શરુ કરીશું.
ભગવાન વાસુદેવ,પિતામહ,પ્રજાપતિ,કૃષ્ણ દ્વૈપાયન અને વિઘ્નનાશક ગણેશ-એ સર્વને નમસ્કાર
એક સમયે,નૈમિષારણ્યમાં,(કુલપતિ) શૌનકના,બાર વર્ષના સત્રમાં દીક્ષિત થયેલા ઋષિઓ બેઠા હતા,
ત્યારે,(લોમહર્ષણના પુત્ર) સૂતજી (સૌતી) ત્યાં પધાર્યા.સૂતજીએ સર્વને પ્રણામ કર્યા અને તેમના સમાચાર પૂછ્યા.
ઋષિઓએ પણ તેમનો સત્કાર કર્યો.અને તેમને આસન આપ્યું.(થોડાક વિશ્રામ બાદ)
એક ઋષિએ સૂતજીને પૂછ્યું-હે કમળનેત્ર સૂતજી,આપનું આ સમયે અહીં આવવું ક્યાંથી થયું?
અત્યાર સુધી આપ ક્યાં વિરાજતા હતા? તે વિષે કૃપા કરી અમને કહો.(2-8)
સૂતજી બોલ્યા-હે ઋષિઓ,(પરીક્ષિતના પુત્ર) રાજર્ષિ જનમેજયના સર્પયજ્ઞમાં,વૈશંપાયન મુનિએ,
તે જનમેજયને,વેદવ્યાસે કહેલી વિવિધ પ્રકારની મનોહર (મહાભારતની) પુણ્યકથાઓ સંભળાવી હતી.
તે વખતે હું પણ ત્યાં હાજર હતો.તે કથાઓ સાંભળી,તીર્થો અને દેશોમાં ફરી,હું સમંત પંચક નામના પવિત્ર સ્થાનમાં ગયો,કે જ્યાં આગળ કૌરવ-પાંડવો ને બીજા રાજાઓનું યુદ્ધ થયું હતું,અને ત્યાંથી હું અહીં આવ્યો છું.
આપ સર્વ,જો જપ-હવનથી પરવાર્યા હો,તો શું આ સમયે,હું આપને તે ધર્મ અને અર્થથી યુક્ત પવિત્ર કથાઓ
તેમજ રાજાઓ અને ઋષિ-મહાત્માઓનો ઇતિહાસ (મહાભારત) કહી સંભળાવું?
(નોંધ-રામાયણની જેમ મહાભારત પણ એક મહાકાવ્ય છે કે જેમાં સર્વ ઇતિહાસ છે,ને તેની ગણતરી પુરાણોમાં કરી નથી!!)
ઋષિઓ બોલ્યા-વ્યાસજીએ કહેલ,આ કથાની તો દેવો ને મહર્ષિઓએ ભારે પ્રશંશા કરી છે.
આખ્યાનોમાં શ્રેષ્ઠ,વિચિત્ર પદવાળા અને પર્વોથી યુક્ત,સૂક્ષ્મ અર્થનું પ્રતિપાદન કરનારા,ન્યાય-યુક્ત અને
વેદોના અર્થોથી ભરપૂર આ મહાભારતની કથા (સંહિતા) અર્થ સભર છે.શાસ્ત્રોના આશ્રયવાળી,પવિત્ર,અને
સંસ્કાર-શુદ્ધ છે.વ્યાસજીની આજ્ઞાથી વૈશંપાયને,કહેલી આ કથા ચારે વેદોના અર્થોને સિદ્ધ કરનારી છે,
પાપ અને ભય હરી લેનારી છે,તથા પુણ્યને દેનારી છે.તો,તે અમે જરૂર સાંભળવા ઇચ્છીએ છીએ (9-21)
સૂતજી બોલ્યા-પ્રથમ,બ્રહ્મ-રૂપ એવા જે વિશ્વના આદિ-પુરુષ છે,તેમને હું નમન કરું છું.અને હવે,સર્વ લોકના પૂજ્ય,મહાનુભાવ,મહર્ષિ વેદવ્યાસનો પવિત્ર મત (મહાભારત) કહેવાનો આરંભ કરું છું.(22-25)