Oct 4, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-17

 

भक्तिशास्त्राणि मननीयानि तदुदबोधककर्माण्यपि करणीयानि ॥ ७६ ॥

(પ્રેમ-ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તિ-શાસ્ત્ર નું મનન કરતા રહેવું જોઈએ,

અને એવા કર્મ પણ કરવા જોઈએ કે-જેનાથી ભક્તિમાં વૃદ્ધિ થતી રહે. (૭૬)


ભક્તિશાસ્ત્ર,એ પરમ-પ્રેમનું શાસ્ત્ર છે.કે જેમાં ભાવના મુખ્ય છે.

શાસ્ત્રના મનનમાં,કોઈ વિચાર (કે ચિંતન) નથી.મોટે ભાગે મન એ વિચારો (ચિંતન) કરે છે.

પણ એ જ મન,જયારે શાંત બનીને (એટલે કે વિચારો શાંત બને ત્યારે) 

 એક જ વિચાર (કે શાસ્ત્ર) પર ધ્યાન આપે ત્યારે તે મનન કહેવાય છે.

યોગની ભાષામાં જો કહેવામાં આવે તો મનન એ ધ્યાન છે.

ધ્યાનમાં મન અને તેની વૃત્તિઓ (વિચારો) પરનો નિરોધ થાય છે.

પરમાત્મા પ્રતિ,પરમપ્રેમની ભાવના (ભક્તિ) રાખી,ભક્તિશાસ્ત્રનું મનન કરવું જોઈએ.


ભક્તે,પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરમપ્રેમમાં રૂપાંતર થાય તેવા જ કર્મો (ભક્તિ-કર્મો) કરવા જોઈએ.

કે જેથી ભક્તિમાં વૃદ્ધિ થતી રહે.પરમાત્મા પ્રતિ,અત્યંત શ્રદ્ધાથી,ભક્તે કર્મો કરવાં જોઈએ.

પરમાત્મામાં શ્રદ્ધા રાખવાથી,ભક્તના અહંનો નાશ થાય છે,ભક્તનું પોતાનું આગવું વ્યક્તિત્વ ઓગળી 

જાય છે,અને તે પરમાત્મામાં સમાઈ જાય છે.(અનન્યતા) પછી તો તેને સર્વ જગ્યાએ ઈશ્વર-દર્શન થાય છે.


सुखदुःखेच्छालाभादित्यक्ते काले प्रतीक्ष्यमाणे क्षणार्द्धमपि व्यर्थं न नेयम्॥ ७७॥

સુખ,દુઃખ,ઈચ્છા,લાભ-વગેરેનો પૂર્ણ રીતે ત્યાગ થઇ જાય તેવા કાળ (સમય)ની રાહ ન જોતાં,

અડધી ક્ષણ પણ પ્રાર્થના (ભજન) વગર વ્યર્થ વિતાવવો જોઈએ નહિ. (૭૭)


જો,ત્યાગવાની (ક્રિયાની),ઈચ્છા કરવામાં આવે તો એક નવી ઇચ્છાનો જન્મ થાય છે.

એ જ રીતે સુખ-દુઃખ-લાભ વગેરેનું છે.ત્યાગવાની ક્રિયા કરવામાં આવે તો ક્રિયાઓનો અંત થતો નથી,

પણ એક નવી જ માયજાળ ઉભી થાય છે.જે ત્યાગી છે તેને છેવટની ઈચ્છા સ્વર્ગ-આદિ મેળવવાની છે.

જયારે ભક્ત તો માત્ર પ્રાર્થના કરે છે ને કહે છે કે-'હે પ્રભુ,તારું દર્શન થયું,તું મળી ગયો-એટલે સર્વ મળી ગયું'


માટે જ નારદ કહે છે કે-સુખ-દુઃખ-ઈચ્છા-લાભ-વગેરેના ત્યાગની ઝંઝટમાં પડ્યા વિના,

મનને એક જ જગ્યાએ (ઈશ્વર પ્રત્યે) ચોંટાડી એટલે કે તેમનું જ મનન કરી,એક ક્ષણ પણ,

બીજા કશામાં વિતાવ્યા વિના,પ્રભુનું સતત સ્મરણ-પ્રાર્થના કે ભજન કરવું જોઈએ.

'હું આ ત્યાગું કે હું આ ત્યાગીશ,પછી ભજન કરીશ' એવી ઈચ્છા રાખવી નહિ.

કારણકે -એમ કરવામાં,પછી એક નવી ઈચ્છા પેદા થઇ જાય છે,ને તેને ત્યાગવાની ઝંઝટ પેદા થાય છે.


अहिंसासत्यशौचदयास्तिक्यादिचारित्र्याणि परिपालनीयानि ॥ ७८ ॥

પ્રેમ-ભક્તિના સાધકે,અહિંસા,સત્ય,શૌચ,દયા,આસ્તિકતા-વગેરે 

આચરણીય સદાચારોનું સારી રીતે પાલન કરવું જોઈએ.(૭૮)


અહિંસા (બીજાને દુઃખ ન આપવું) સત્ય (જે હકીકત છે તેનાથી વિપરીત કશું કરવું નહિ)

શૌચ (બાહ્ય અને આંતરિક પવિત્રતા) દયા (બીજાને સુખ આપવું) 

આ સર્વ આચરવાના સદાચારો છે.જેનું સારી રીતે પાલન કરવાનું બુદ્ધ-મહાવીર જેવાઓએ 

પણ કહ્યું છે.પણ અહીં,નારદે,આસ્તિકતાનો પણ સદાચારમાં ઉમેરો કર્યો છે.


આસ્તિક-ભક્ત,તો સદાકાળે,ભગવાનને 'હા' જ કહે છે,પરમાત્મા જે કરે તે તેને મંજુર છે.

તેપોતે સર્વ (પોતાની જાતને પણ) પરમાત્માને સોંપી દે છે.પછી ભગવાન તેને સ્વર્ગમાં લઇ જાય કે નર્કમાં 

તેને તે સર્વ મંજુર છે.તેને પરમાત્મામાં સંપૂર્ણ પણે ભરોસો છે.પરમાત્મામાં અનન્ય શ્રદ્ધા છે.

ને આવી અનન્ય-શ્રદ્ધા તે ભક્તનો એક આચાર (સદાચાર) છે,કે જેનું તે પાલન કરે છે.


सर्वदा सर्वभावेन निश्चितितैर्भगवानेव भजनीयः ।। ७९ ।।

સર્વ-ભાવોથી નિશ્ચિંત થઈને,સર્વ કાળે (સમયે) કેવળ ભગવાનનું જ ભજન કરવું જોઈએ (૭૯)


આગળ કહ્યું તેમ,સુખ-દુઃખ-ઈચ્છા-વગેરે ભાવોથી મુક્ત થઈને સર્વ કાળે ભગવાનનું કીર્તન કરવું જોઈએ.

અહીં,એક વાત નોંધનીય છે કે-જયારે,કોઈ વસ્તુ કરવાની (જેમ કે રામનામ)-એમ જો કહેવામાં આવે તો,

જે કરવાનું છે (ક્રિયા કે કર્મ છે) તે સતત થઇ શકતું નથી,સતત કરવામાં આવે તો 

મનુષ્ય કોઈ સમયે તો થાકે જ છે,ને બીજું કશું કરવા પ્રેરાય છે.


એટલે જો અહીં,એમ અર્થ ઘટાવવામાં આવે કે -

સર્વ સમયે સર્વમાં પરમાત્માના દર્શન કરવામાં આવે તો પછી ઉઠતાં,બેસતાં,સૂતાં,

સતત પ્રભુનું સ્મરણ રહે અને તે સ્મરણ જ પ્રભુનું કીર્તન બની જાય છે.

અને આમ કરવામાં નામ-સંકીર્તન સહાયરૂપ બને છે.એટલે જ તેનો મહિમા ગાયો છે.

Click here to go to Index Page