नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादिभेदः ।। ७२ ।।
તે ભક્તોમાં જાતિ,વિદ્યા,રૂપ,કુલ,ધન અને ક્રિયા-એ કશાનો ભેદ નથી (૭૨)
यतस्तदीयाः ।। ७३ ।। કારણકે બધા ભક્તો તેમના ભગવાનના જ હોય છે. (૭૩)
ઈશ્વર 'એક' છે,અને ભક્તો જયારે ભક્તિને (પરમપ્રેમને)લીધે ઈશ્વર જ બની જાય છે તો
સર્વ ભક્તો એક સમાન જ કે 'એક' જ છે.ઈશ્વરને પામવા તેમની પ્રત્યે પરમપ્રેમ જ જરૂરી છે,
એટલે તે ભક્તોમાં (બ્રાહ્મણ કે ક્ષુદ્ર વગેરે જેવો) જાતિભેદ હોઈ શકે જ નહિ.
એ જ રીતે જ્ઞાની-અજ્ઞાની,રૂપ-કુરૂપ,સારું કુળ-ખરાબ કુળ,ધની-ગરીબ,અને ક્રિયાશીલ-અક્રિય
એવો કોઈ ભેદ રહેતો નથી,કારણકે દરેકમાં પરમાત્મા નિવાસ કરે છે,અને દરેક મનુષ્ય ભગવાન છે,
માત્ર કર્મો ને વાસનાઓને લીધે,પ્રભુ અને મનુષ્ય વચ્ચે પડદો ઉભો થયેલ છે,
આ પડદાને ભક્ત પરમપ્રેમથી હટાવે છે ત્યારે ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ ભેદ રહેતો નથી.
ભક્ત,ભગવાન બને છે ને ભગવાન,ભક્ત બને છે,ને અભેદની સ્થાપના થાય છે.
(લાલી દેખન મૈં ગઈ તો મૈં ભી હો ગઈ લાલ)
वादो नावलम्ब्यः ।। ७४।। ભક્તને (ભક્ત માટે) કોઈ વાદવિવાદ નથી (૭૪)
તન્મય થયેલ ભક્ત,કે જેનામાં,પરમાત્માનું કિરણ ઉતર્યું છે,જેણે પ્રભુ સાથે રાસ ખેલ્યો છે,જે નાચી ઉઠ્યો છે,
જેને અનુભવ થયો છે,એને વાદ-વિવાદમાં કોઈ રસ હોતો નથી,કેમકે તેને માટે એવું કશું નથી કે જે તેને સિદ્ધ કરવાનું હોય કે કશાનેય અસિદ્ધ કરવાની તેને આકાંક્ષા પણ હોતી નથી.
ભક્ત તો પોતે જ પરમાત્માનું પ્રમાણ છે,તે પોતે તન્મય થઈને પરમાત્મા જ બનેલો છે.તો તેને સિદ્ધ કરવાનું શું બાકી રહ્યું? જે ભક્તને પરમાત્માનો સ્વાદ મલી ગયો,તે ભક્ત,વાદવિવાદ શું કામ કરે?
વાદ-વિવાદ તો એવા લોકો કરે છે કે જેને પરમાત્માનું પ્રમાણ જોઈએ છે કે જેમને પરમાત્માનો અનુભવ
હજુ થયો નથી.એટલે ભક્ત તેવા અભક્ત સાથે કે બીજા કોઈ સાથે,કોઈ વાદવિવાદ કરતો જ નથી.
बाहुल्यावकाशादनियतत्वाच्च॥ ७५ ॥
(કારણકે) તે (વાદવિવાદ) બાહુલ્ય (બળવાન) નું (વિસ્તરેલું) આકાશ છે અને
તેમાં (વાદવિવાદમાં) કોની (કે તેની) હાર? કે કોની(કે મારી) જીત? તેનું કશું નક્કી હોતું નથી (૭૫)
તર્કશીલ લોકો જ વાદવિવાદ કરે છે.પણ,તર્ક,કશું એ સિદ્ધ કરી શકતું નથી,જો કે,તર્ક કશું સિદ્ધ કરતું હોય તેવું લાગે છે,પણ તે જ તર્કની સિદ્ધિને,બીજા તર્કથી અસિદ્ધ પણ કરી શકાય છે.
તાર્કિક લોકો વર્ષોથી વાદવિવાદ કરે છે,ને તર્કની જાળને ફેલાવે છે,પણ તેમાંથી કોઈ નિષ્કર્ષ સિદ્ધ થતો નથી.
આ તર્ક (વાદવિવાદ) એક બળવાન (બાહુલ્ય) આકાશ જેવું છે.જેટલું ફેલાઓ તેટલું ફેલાતું જાય છે.
તે વાદવિવાદ (તર્ક)ની કોઈ સીમા નથી.કે તે પૂર્ણ થતો નથી.પ્રશ્નો નો કોઈ અંત થતો નથી,
અને કોઈ પૂર્ણ જવાબ હાથમાં આવતો નથી.ખાલી પ્રશ્નો પાછળ ને પાછળ ધકેલાતા જાય છે.
એટલે કે એક પ્રશ્ન,ને તેનો જવાબ,ને પાછો ફરીથી તેને જ લગતો બીજો પ્રશ્ન.
જેમકે-કોઈ પૂછે કે 'જગતને કોણે બનાવ્યું?' ને તેનો કોઈ તાર્કિક જવાબ આપે કે 'ઈશ્વરે'
તો તરત સામે બીજો પ્રશ્ન થાય કે -'ઈશ્વરને કોણે બનાવ્યા?' તો જવાબ આપે કે 'કોઈ મહા-ઈશ્વરે'
તો હવે પ્રશ્ન કરશે કે 'આ મહા-ઈશ્વરને કોને બનાવ્યા?'આમ આગળને આગળ પ્રશ્નો ચાલ્યે જાય છે.
આ વાદવિવાદના ઝગડામાં કોની જીત? અને કોની હાર ? તે નક્કી થતું નથી.