तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम्।। ६५ ।।
બધા આચાર (કર્મો-ક્રિયાઓ) ભગવાનને અર્પણ કર્યા પછી કોઈ કામ,ક્રોધ,અભિમાન-વગેરે રહી ગયા હોય,તો તેને પણ ભગવાનને અર્પણ કરી દેવા જોઈએ (૬૮)
આગળ કહયા મુજબ,જયારે મનુષ્યે,જો સર્વ કર્મો અને તે કર્મોના ફળો ભગવાનને અર્પણ કરી દીધા હોય,
ને પછી,કામ,ક્રોધ,અભિમાનનો પણ ત્યાગ કર્યો હોય,છતાં,જો તે કામ-ક્રોધ-અભિમાન આદિ,
સંપૂર્ણ રીતે દૂર ન થયા હોય તો તે બાકી રહેલા કામ-ક્રોધ-આદિને પણ ભગવાનને સમર્પણ કરવા જોઈએ.
પોતાની જાતને જો આમ,પરમાત્માને સમર્પિત કરી,ભક્ત જો પરમાત્માને કહે કે -
'હવે તારી મરજી,તારે જે કરવું હોય તે કર,હું તારી મરજી મુજબ જ જીવીશ'
તો પ્રભુ સર્વ સંસારનો ભાર તેના હાથ પર લઇ,ભક્તનું સર્વ રીતે રક્ષણ કરે છે.
ને તેના યોગક્ષેમનું (સંસારના જીવન નિર્વાહનું) વહન (ભરણપોષણ) કરે છે.
त्रिरूपभङ्गपूर्वकं नित्यदासनित्यकान्ताभजनात्मकं वा प्रेमैव कार्यम्, प्रेमैव कार्यम्।। ६६ ।।
ત્રણ રૂપો (સ્વામી-સેવક-સેવા)નો ભંગ કરીને -નિત્ય દાસભક્તિ કે કાંતાભક્તિથી
(આ બંને પ્રેમ-ભક્તિના પ્રકાર છે) ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ,(માત્ર) પ્રેમ જ કરવો જોઈએ (૬૬)
પરમાત્માનું સ્વરૂપ તો એક જ છે,પણ તેના અનુભવ માટે તેના ત્રણ રૂપો કલ્પવામાં આવ્યા છે.
પરમાત્મા સ્વામી છે,તેનો અનુભવ કરવા સેવક (ભક્ત) તેમની સેવા કરે છે.
પણ,અહીં નારદ કહે છે કે-આ કલ્પેલા ત્રણ રૂપોની ભક્તિમાં કોઈ જરૂર નથી,એટલે
તેને છોડીને (કે તેનો ભંગ કરીને) પરમાત્માને જરૂરી એવા પ્રેમની જ જરૂર છે,
એટલે કે પરમાત્મા તો માત્ર પ્રેમ જ માંગે છે.માટે તેમને (માત્ર) પ્રેમ જ કરવો જોઈએ.
આ પ્રેમ ભક્તિ માટે ભક્તિના બે પ્રકાર કહેતાં,નારદ કહે છે કે-
જેમ,દાસ (નોકર) કે પત્ની(કાંતા કે સ્ત્રી),સ્વામીને જ પ્રેમ કરે છે તેમ,નિત્ય પરમાત્માના દાસ કે પત્ની બનીને,
માત્ર પરમાત્માને જ પ્રેમ કરવો જોઈએ.પરમાત્માને પ્રેમ સિવાય કશું જોઈતું નથી.
भक्ता एकान्तिनो मुख्याः।। ६७ ।।
એકાંત (અનન્ય) ભક્ત જ શ્રેષ્ઠ છે. (૬૭)
ને જયારે,ભક્તનો પરમાત્મા પ્રત્યેનો પરમ-પ્રેમ ઉપસ્થિત થાય છે ત્યારે,ભગવાન ભક્ત બને છે
અને ભક્ત ભગવાન બને છે (અનન્યતા) આવો અનન્ય (તન્મયતા પામેલ) ભક્ત જ સહુથી શ્રેષ્ઠ છે.
कण्ठावरोध रोमाञ्चाश्रुभिः परस्परं लपमानाः पावयन्ति कुलानि पृथिवीं च।। ६८ ।।
આવો અનન્ય ભક્ત કંઠાવરોધ (કંઠ ભરાઈ આવવો) રોમાંચ,અને આંખમાં આંસુઓ વાળો થઈને પરસ્પર
સંભાષણ કરતો કરતો (ઈશ્વરની વાતો કરતો)પોતાના કુલને પૃથ્વીને પવિત્ર કરે છે. (૬૮)
પરમાત્માની યાદ,પરમાત્માની પ્યાસથી જે અનન્ય ભક્તનું હૃદય આંદોલિત થયું છે,તે હૃદયના ખૂણેખૂણેથી
ઈશ્વરને પોકારે છે,તેના રૂએરૂંવાં પરમાત્માને પોકારી ઉઠે છે,તેનો કંઠ ભરાઈ આવે છે (રૂંધાઇ જાય છે)
તેનો પોકાર જાણે,ત્યાં જ દબાઈ જાય છે,શરીરના રૂંવે રૂંવાં ઉભા થઈને તે રોમાંચિત થાય છે,
ને તે વખતે આંખમાંથી અશ્રુઓની ધાર થાય છે,ને તે પરમાત્માના પરમપ્રેમમાં દિવાનો થાય છે.
આવી અનન્ય ભક્તની ભાવ દશા છે,કે જેને ભાવ સમાધિ પણ કહે છે.
ને આવો ભક્ત પોતાના જેવા જ ભક્ત (સત્સંગી) સાથે જ વાતો કરે છે,તે બીજાને પોતાનો અનુભવ કહે છે ને બીજાને ધીરજ આપે છે.સર્વ જગ્યાએ ઈશ્વરને જોતો તે ભક્ત પોતાના કુળને અને સમાજને પવિત્ર કરે છે.
આવા અનન્ય ભક્તની હાજરીથી જ આસપાસના વાતાવરણમાં ભક્તિનું વાતાવરણ ફેલાઈ જાય છે.
तीर्थीकुर्वति तीर्थानि, सुकर्मीकुर्वति कर्माणि, सच्छास्त्रीकुर्वन्ति शास्त्राणि ।। ६९ ।।
આવો ભક્ત તીર્થો ને સુતીર્થ,કર્મો ને સુકર્મ અને શાસ્ત્રો ને સત્-શાસ્ત્ર કરી દે છે (૬૯)
तन्मया : II ७o II કારણકે તે ઈશ્વર સાથે તન્મય થયેલો હોય છે (૭૦)
એવો ઈશ્વર સાથે તન્મયતા પામેલ ભક્ત જ્યાં જાય ત્યાં જ તીર્થ થઇ જાય છે.
ને જો તે તીર્થમાં જાય તો તે તીર્થ ભક્તિમય બની જાય છે.તીર્થને ભક્તિનો રંગ લાગે છે.
પરમાત્મા,તે ભક્તના અંદર પ્રવેશી,પરમાત્મા પોતે જ,ભક્ત દ્વારા સુકર્મ કરે છે,
અને પોતે જ સત-શાસ્ત્ર બોલે છે,એટલે કર્મો,સુકર્મ અને શાસ્ત્રો સતશાસ્ત્ર બની જાય છે.
मोदन्ते पितरो नृत्यन्ति देवता: सनाथा चेयं भूर्भवति । ७१ ।।
(ભક્તનો આવો આવિર્ભાવ થયેલો જોઈને)
પિતૃગણ પ્રફુલ્લિત થાય છે,દેવો નાચવા લાગે છે ને પૃથ્વી સનાથ થાય છે (૭૧)
'કુળને પવિત્ર કરનાર,તન્મય ભક્ત,પોતાના કુળમાં પેદા થયો છે'
એવું,જયારે (સંસાર છોડીને ચાલ્યા ગયેલા) પિતૃઓ (પિતૃગણો) જાણે છે છે ત્યારે તેઓ
'આપણું કુળ ધન્ય થયું' એમ સમજીને પ્રફુલ્લિત થઇ આનંદમાં આવી જાય છે.અને
'કોઈ ભક્તને,પોતાનું સિંહાસન આપીને પ્રભુએ તેને ઈશ્વર બનાવ્યો એક અનન્ય ઘટના ઘટી'
એમ જયારે,દેવતાઓ જાણે છે ત્યારે,તેઓ પણ નાચી ઉઠે છે.
ભક્ત-રૂપે ભગવાન પૃથ્વી પર ઉતરી આવે છે ત્યારે અનાથ પૃથ્વી સનાથ બને છે.