शान्तिरूपात्परमानन्दरूपाच्घ ॥ ६० ॥
ભક્તિ એ શાંતિ-રૂપા અને પરમાનંદ-રૂપા છે. (૬૦)
જેમ,ભક્ત અને ભગવાન એક બને છે,તેમ ભક્તિ(પ્રેમ)નું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ એક જ છે,
જેમ,પરમાત્માને સચ્ચિદાનંદ (સત+ચિદ+આનંદ) પણ કહે છે,ને તે શાંત અને પરમાનંદ-રૂપ છે.
તેમ,ભક્તિનું સ્વરૂપ તે પરમાત્માનું જ છે.ભક્ત શાંત બને તો પરમાત્માનું રૂપ પ્રગટ થાય છે.
એટલે જ નારદ કહે છે કે-(આ ભક્તિ તે)શાંતિ-રૂપ અને પરમાનંદ-રૂપ છે.
लोकहानो चिन्ता न कार्या निवेदितात्मलोकवेदत्वात् ।। ६१ ।।
ભક્તે, સમાજના લોકોની ચિંતા (લોક-હાનિની ચિંતા) કરવી નહિ,કારણકે-ભક્ત તો પોતાની જાતને
અને લૌકિક,વૈદિક-વગેરે સર્વ પ્રકારના કર્મો -ભગવાનને અર્પણ કરી ચૂક્યો હોય છે (૬૧)
જયારે ભક્ત પોતાને,ભગવાનને સમર્પિત થઇ જાય છે,ત્યારે,તે નાચી ઉઠે છે,તે પ્રભુ-પ્રેમમાં બાવરો બને છે,
ને ત્યારે આપોઆપ જ તેને 'સંસારના લોકો તેને શું કહેશે?' એવી કોઈ ચિંતા રહેતી નથી.
અને તેમ કરવાનું કોઈ કારણ પણ નથી,કારણકે તેણે તો સર્વ પ્રકારના લૌકિક,વૈદિક વગેરે કર્મોનો ત્યાગ
કર્યો હોય છે,ને સર્વ કર્મો અને તે કર્મોના ફળો ભગવાનને જ સમર્પિત કરી ચુક્યો હોય છે.
'પગ ઘૂંઘરું બાંધી મીરા નાચી રે..લોગ કહે મીરા ભઈ બાવરી,નાત કહે કુલનાશી રે'
મીરા રાજરાણી હતી,પણ પ્રેમમાં પાગલ બની નાચે છે,ભલેને પછી દુનિયાને જે કહેવું હોય તે કહે !!
न तदसिद्धौ । लोकव्यवहारो हेयः किन्तु फलत्यागस्तत्साधनं च कार्यमेव। ६२ ।।
પરંતુ,જ્યાં સુધી ભક્તિમાં સિદ્ધી ના મળે,ત્યાં સુધી લોક-વ્યવહારનો ત્યાગ કરવો જોઈએ નહિ,
પણ,ફળો ને ત્યાગીને (ફળો પર અધિકાર નહિ રાખી-ભગવાનને અર્પણ કરીને)
નિષ્કામ-ભાવથી (અનાસક્ત થઈને) ભક્તિનું સાધન કરવું જોઈએ, (૬૨)
મીરાંને તો ભક્તિની સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી,પણ જેને હજુ પૂર્ણ રીતે પરમાત્મામાં તન્મયતા થઇ નથી,
તેઓ માટે નારદ કહે છે કે-તેમણે સંસાર કે લોકવ્યવહાર તરફ ઉપેક્ષા કરવી,(પણ તેમનો ત્યાગ કરવો નહિ)
ને તેમના પ્રત્યેથી કોઈ આકાંક્ષા રાખવી નહિ (અનાસક્તિ દાખવવી)
સાંસારિક કર્મોને લીધે તે તે કર્મોનું જે ફળ મળે,તેના પર 'પોતાનો અધિકાર નથી પણ તે ફળ પરમાત્માનું જ છે',
તેમ સમજી તે ફળ પરમાત્માને અર્પણ કરીને,અનાસક્ત થઇ તે કર્મને ભોગવવું.
(કોઈ જાતની અપેક્ષા વિનાનો અને અનાસક્ત એવો) નિષ્કામ ભાવ રાખી ભક્તિ કરવી.
स्त्रीधननास्तिकवैरिचरित्रं न श्रवणीयम्॥६३॥
(ભક્ત માટે) સ્ત્રી,ધન,નાસ્તિક અને વેરીનું ચરિત્ર સાંભળવા યોગ્ય નથી.(કે સાંભળવું નહિ)(૬૩)
મનુષ્યને જ્યાં સુધી ભક્તિમાં સિદ્ધિ મળી નથી,ત્યાં સુધી,તેણે,સ્ત્રી-ધન-નાસ્તિક કે વેરી (દુશ્મન) વગેરેનાં
ચરિત્રો સાંભળવા યોગ્ય નથી (એટલે કે તેમણે તે ચરિત્રો સાંભળવા જોઈએ નહિ)
કારણકે તે સર્વ,કાં તો તેમના(સ્ત્રી-ધન) પ્રતિ આસક્તિ પેદા કરે છે,કે પછી (વેરી કે નાસ્તિક પ્રતિ) ક્રોધ પેદા કરે છે.આ આસક્તિ,ક્રોધ,મોહ,લોભ વગેરે પરમાત્મા પ્રત્યેના પરમપ્રેમના માર્ગમાં બાધક બને છે.
જોકે,સંસાર સાથે કોઈ ઝગડો ઉપસ્થિત કરવાનો નથી,પણ,ડર રાખ્યા વિના તેમની ઉપેક્ષા જરૂર કરી શકાય છે.ને જયારે ભક્તિ સિદ્ધ થાય છે,પછી તો,આપોઆપ જ તેમનો કોઈ ડર રહેતો નથી,કે તેમની કોઈ અસર થતી નથી.કારણકે તે સર્વ (આસક્તિ-આદિ) પણ પરમાત્માને જ સમર્પિત થઇ જાય છે.
अभिमानदम्भादिकं त्याज्यम्।। ६४ ।।
અભિમાન,દંભ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. (૬૪)
મનુષ્યને જ્યાં સુધી (પરમાત્માથી અલગ એવો) 'હું' છું,એવો અહં હોય,કે પછી (ભક્તિ સિદ્ધ થઇ ન હોય છતાં)
'હું પરમાત્માનો પરમ ભક્ત છું' એવો દંભ હોય,તો તે પણ પરમપ્રેમના માર્ગમાં બાધક છે,
એટલે (ભક્તિની શરૂઆતમાં) તેનો પણ ત્યાગ કરવો જોઈએ.
જોકે,ભક્તિ સિદ્ધ થયા પછી તેનો (અહં-દંભ આદિનો) આપોઆપ ત્યાગ થઇ જાય છે.