Sep 27, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-13

 

गौणी त्रिधा गुणभेदादार्तादिभेदाद्वा ॥ ५६ ॥ 

ગૌણી ભક્તિ -એ ગુણ-ભેદથી કે આર્તાદિ-ભેદથી ત્રણ પ્રકારની હોય છે. (૫૬)


મૂળ રૂપે (હકીકતમાં) તો ઉપર કહ્યા મુજબ ભક્તિ,ગુણાતીત અને એક જ છે.

છતાં,સહેલી રીતે સમજવા માટે સહુ  પ્રથમ તો બે વિભાજન કરેલ છે-પરા ભક્તિ અને ગૌણી ભક્તિ.

પરા ભક્તિ (જેને મુખ્યા ભક્તિ પણ કહે છે) સ્વરૂપે (એટલે કે એક જ) છે.


જો કે,ભક્તિ (પરમ પ્રેમ) એ બે વ્યક્તિઓ વચ્ચે નહિ  પણ વ્યક્તિ અને સમષ્ટિ(પરમાત્મા) વચ્ચે છે,

પણ વ્યક્તિઓ (મનુષ્યો)ના ગુણ ભેદથી,(ગૌણી કે ગુણવાળી) ભક્તિને ત્રણ પ્રકારના ભેદમાં વિભાજન કરી છે.

 જુદાજુદા મનુષ્યો,જુદાજુદા (સત્વ-રજસ-તમસ) ત્રણ પ્રકારના ગુણવાળા છે.

એટલે (ગૌણી કે ગુણવાળી) ભક્તિને,નારદ,સાત્વિક-રાજસિક ને તામસિક-એમ ત્રણ પ્રકારમાં વિભાજીત કરે છે. 


પરાભક્તિમાં,પરમાત્માને પામવાની કે મોક્ષની કે એવી કોઈ પણ,આકાંક્ષા હોતી નથી,

પણ, સાત્વિક ભક્તિમાં મનુષ્ય ભક્તિ (પ્રાર્થના) કરે છે.તેને કોઈ આકાંક્ષા છે,તેને મોક્ષની કામના છે,

તેને પાપોમાંથી મુક્ત થવું છે,તેને અંધકારથી મુક્ત થવું છે કે તેને મૃત્યુથી પાર થવું છે.


રાજસિક ભક્તિમાં ભક્ત પ્રાર્થના કરે છે,પણ તેને યશ,કીર્તિ,ધન વગેરેની આકાંક્ષા (કામના) છે.

તામસિક ભક્તિમાં અહં,ક્રોધ,ઈર્ષાથી બીજા કોઈ મનુષ્યના વિનાશની આકાંક્ષા છે.

તામસી વ્યક્તિ,યશ-કીર્તિ આદિ માંગતો નથી પણ ક્રોધથી 'ફલાણા મનુષ્ય પાર દુઃખના પહાડ પડે કે તે મરી જાય'

એવી એવી આકાંક્ષાઓ (કામનાઓ) તે રાખે છે 


उत्तरस्मादुत्तरस्मात्पूर्वपूर्वा श्रेयाय भवति ।। ५७ ।। 

જેમાં ઉત્તર-ઉત્તર ક્રમથી પૂર્વ-પૂર્વ ક્રમની ભક્તિ કલ્યાણ-કારિણી છે. (૫૭)


તામસી ભક્તિ કરતાં,રાજસિક ભક્તિ વધુ કલ્યાણકારી છે,

રાજસિક ભક્તિ કરતાં સાત્વિક ભક્તિ વધુ કલ્યાણકારી છે,અને 

આ ત્રણે (ગૌણી કે ગુણવાળી) ભક્તિ કરતાં પરાભક્તિ તો સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી છે.


अन्यस्मात् सौलभ्यं भक्तौ। ५८ ।।

બીજા બધા (સાધનો) કરતાં ભક્તિ એ વધુ સુલભ છે, (૫૮)


સત્ય (ઈશ્વર)ને પામવાના સાધનોમાં,,તપ,ત્યાગ,જ્ઞાન,તંત્ર -વગેરે જેવાં અનેક સાધનો છે.

નારદ કહે છે કે-આ બધાં સાધનો કરતાં ભક્તિનું સાધન સહુથી સુલભ છે.

કેમ કે,બીજા સાધનો તો મનુષ્યે કરવા પડે છે,મનુષ્ય આ સાધનોનો બોજ માથે લઈને ફરે છે,

જયારે ભક્તિમાં તો સમર્પણ છે,તે કોઈ સાધન નથી,બોજ પરમાત્માના માથે નાખી દેવાનો છે.

પરમાત્મા પાર જ બધું છોડી દેવાનું છે એટલે તો ભક્તિ થઇ જાય છે,કરવી પડતી નથી.

માત્ર એક કદમ જ ઉઠાવવાનું છે ને પ્રભુને કહેવાનું છે કે-'પ્રભુ તમે જ બધું સંભાળો'


યોગી,નદીની ધારાથી વિરુદ્ધ તરે છે,પણ ભક્ત નદીની ધારા સાથે જ વહે છે.એટલે ભક્તિ સુગમ છે.

ભક્તિને ઉપાસના પણ કહે છે,ભક્તિમાં કોઈ સાધના નથી,ઉપ+આસન=તેની પાસે બેસવું.

તે ઈશ્વરની શરણાગતિ સ્વીકારીને તેની પાસે બેસી જવામાં કોઈ સાધના નથી.

શરણાગતિ સ્વીકારવાથી અહં છૂટે છે,ને જયારે 'હું' ના રહે,ત્યારે માત્ર 'તે' (ઈશ્વર) જ રહે છે.

ભક્તિ જ તે પરમાત્મા બની જાય છે 


प्रमाणान्तर स्यान पेक्षत्वात्  स्वयं प्रमाणत्वात्। ५९ ।।

કારણકે ભક્તિ એ સ્વયં પ્રમાણ-રૂપ છે,એના માટે બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી (૫૯)


જેમ,પરમાત્માને કોઈ તર્ક કે વિચારથી જાણી ન શકાય કે તેનું કોઈ પ્રમાણ (ઉદાહરણ) ન આપી શકાય,

તેમ ભક્તિ એ સ્વયં પરમાત્મ-સ્વરૂપ જ છે જેથી તેને (સ્વયંને) કોઈ પ્રમાણની જરૂર નથી મનુષ્ય જો શાંત થઇ પરમાત્મ-ભાવ ધારણ કરે તો પરમાત્મા ક્યાં નથી? અણુએ અણુમાં તે સમાયેલો છે.તેને પ્રમાણની શી જરૂર?

Click here to go to Index Page