यः कर्मफलं त्यजति, कर्माणि संन्यस्यति,ततो निर्द्वन्द्वो भवति।। ४८ ।।
જે કર્મ-ફળનો ત્યાગ કરે છે,કર્મોનો પણ ત્યાગ કરે છે-અને બધુંજ ત્યાગીને જે નિર્દ્વન્દ્વ થઇ જાય છે (૪૮)
જે ભક્ત જયારે અનુભવ કરે છે કે-ફળ તો ભવિષ્યમાં મળવાનું છે અને જો ભવિષ્ય વિષે વિચાર થાય તો મન હાજર થઇ જાય છે,પણ જો ભક્તે મનનો સાથ છોડી દીધેલ હોય તો તેને કર્મ-ફળની ચિંતા ક્યાંથી સતાવી શકે?
એટલે કર્મફળનો ત્યાગ તો આપોઆપ થઇ જાય એની જ્યારે કર્મફળનો ત્યાગ થાય તો સ્વાભાવિક જ કર્મનો પણ ત્યાગ થઇ જાય છે.જોકે એનો અર્થ એવો ન થઇ શકે કે તે કર્મ કરતો નથી.તે ભક્ત કર્મ તો કરે જ છે પણ તે હવે 'પોતે કર્મ કરવાવાળો છે' એવું વિચારતો નથી.હવે જે પણ કર્મ કરવામાં આવે તે પરમાત્મા જ કરે છે,એમ તે સમજે છે.તે ભક્ત પોતે એક વાંસળીના જેવો બની જાય છે કે જેમાં પરમાત્મા ફૂંક મારીને ગીત-સંગીત સર્જાવે છે.
પોલી વાંસળી પોતે ગીત-સંગીત સર્જી શકતી નથી તે તો માત્ર માધ્યમ છે,
એટલે ભક્ત હવે જાણે છે કે-પોતે તો એક માધ્યમ જ છે,એક સાધન માત્ર છે.
જયારે સર્વ ત્યાગીને,સર્વ પ્રભુને જ સમર્પણ કરવામાં આવે ત્યારે,નથી કશું પામવાનું કે નથી કશું ખોવાનું.
નથી ક્યાંય જવાનું કે નથી કશું કરવાનું રહેતું.ને ત્યારે ભક્ત એવી ઊંડી ગહનતાને (પરમાત્માને) પ્રાપ્ત કરે છે,
કે જ્યાં કોઈ દ્વંદ્વ રહેતો નથી.તેનું મન નાશ પામે છે,તેને ભૂત કે ભવિષ્યની ચિંતા બાકી રહેતી નથી.
તેને 'આ કરું કે તે કરું' એવો કોઈ દ્વંદ્વ રહેતો નથી.(તેની સામે બે રસ્તા (કે દ્વિધા) રહેતા નથી)
वेदानपि सन्यस्यति,केवल विच्छिन्नानुरागं लभते ।। ४९ ।।
જે વેદોનો પણ સારી-રીતે ત્યાગ કરી દે છે-ત્યારે તે અખંડ અને અસીમ એવો ભગવત"પ્રેમ" પ્રાપ્ત કરે છે(૪૯)
વેદોનો મોટો ભાગ કર્મકાંડનો છે,વેદોમાં જ્ઞાન છે,વેદોમાં કર્મ કરવાની સૂચનાઓ છે.
ભક્તને જ્ઞાનની તલાશ નથી પણ પ્રેમની તલાશ છે.(એટલે કે ભક્ત તો પ્રેમને શોધે છે જ્ઞાનને નહિ)
વેદો અને શાસ્ત્રો એ શબ્દ-જાળ છે,બુદ્ધિને રમવાનાં રમકડાં છે.માત્ર શબ્દોથી સરોવરને બતાવવામાં આવે તો,
તે શબ્દોના સરોવરથી તરસ મટી શકે નહિ.તરસને છીપાવવા તો સરોવરનું પાણી જ જરૂરી છે.
શાસ્ત્રો ભગવાનને સૂચવે છે,ભગવાન વિષે જણાવે છે,પણ ભગવાનને માત્ર જાણવાથી શું ?
તેમાં તો ભગવાનથી તો દૂર જ રહેવાનું બને (એટલે કે દ્વૈત તો બની જ રહે)
પણ ભક્તને તો ભગવાનને માત્ર જાણવા જ નથી,તેમને અંદર ઉતારવા છે,ને પોતાને તેમની અંદર ઉતરી જવું છે.
ભગવાનથી તેને દૂર રહેવું નથી,ખરે તો તેને પોતાની જાતને ભગવાનની અંદર સમાવી દેવી છે,
ને ત્યારે ભક્ત ભગવાન બને છે ને ભગવાન ભક્ત.
શાસ્ત્રો દિવાલ ઉભી કરે છે,જેટલું વધારે જ્ઞાન આવે તેટલો અહં વિકસે છે,
અને આ અહંકાર પ્રેમમાં અવરોધરૂપ બને છે.
स तरति स तरति स लोकांस्तारयति ॥ ५० ॥
તે જ (મનુષ્ય) તરે છે, તે જ તરે છે અને તે બીજાઓને પણ તારે છે (૫૦)
એવો ભક્ત કે જે અસીમ અને અખંડ ભગવદ્પ્રેમ પ્રાપ્ત કરે છે તે પોતે તો સંસાર તરી જાય છે પણ સાથે સાથે બીજાને પણ તારે છે.એટલે કે તે પોતે એક નાવ જેવો બને છે અને બીજાને પણ તારે છે.
જેના જીવનમાં પ્રેમ-રૂપી ફૂલ ખીલે ત્યારે જાણે-અજાણે,કેટલાય ભમરાઓ,તે ફૂલ પ્રત્યે આકર્ષિત થાય છે.
अनिर्वचनीयं प्रेमस्वरूपम्।। ५१ ।।
આ "પ્રેમ" નું સ્વરૂપ અનિર્વચનીય (કહી ના શકાય તેવું-કે વર્ણન ન થાય તેવું) છે (૫૦)
આ પરમ-પ્રેમનો અનુભવ જ થઇ શકે છે,પણ તે અનુભવ કહી શકાતો નથી એટલે કે વર્ણવી શકાતો નથી.
કે તે પ્રેમની અભિવ્યક્તિ થઇ શકતી નથી.
પરમ-પ્રેમનો અનુભવ એ સાગર જેવો વિશાળ છે ને તેની અભિવ્યક્તિ (વર્ણન)એક લહેર જેવી છે.
પાણીની લહેર સાગરમાં પુરેપુરી છે પણ પુરેપુરો સાગર,તે લહેરમાં નથી.
લહેર,સાગરની થોડીક જ ઝલક લાવે છે,પણ અનંત સાગર તો પાછળ જ રહી જાય છે.
જોકે એવું પણ નથી કે જેને પરમપ્રેમને જાણ્યો ને તેનો અનુભવ કર્યો,તેમણે કશું કહ્યું નથી કે તેનું વર્ણન કર્યું નથી,તેમણે વર્ણન તો કર્યું છે,પણ તેઓ જે કહેવા માગતા હતા તે કહી શક્યા નથી.જે કહ્યું છે તે તે ખુબ જ ઓછું છે કેમ કે તેમને જે કહેવાનું છે તે બહુ જ મોટું છે અનંત છે,વિશાળ છે,એટલે જ તે અનિર્વચનીય છે.