Sep 20, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-08

 

ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद दैन्यप्रियत्वाच्च ।। २७ ।।

ઈશ્વરને પણ અભિમાન (વાળાઓ) પ્રત્યે દ્વેષભાવ છે અને દીનતા પ્રત્યે પ્રેમભાવ છે (૨૭)


વાસ્તવમાં તો ઈશ્વર પ્રેમથી પૂર્ણ છે,તે ઈશ્વરને દ્વેષભાવ  કે પ્રેમભાવ હોઈ શકે જ નહિ.

પણ જેમ,વરસાદનું પાણી પર્વત પરથી ઉતરીને ખાડામાં આવી સમાઈ જાય છે,ત્યારે એમ કહી શકાય નહિ કે 

પાણીને ખાડા પ્રત્યે પ્રેમભાવ છે ને પર્વત તરફ દ્વેષભાવ.તેમ,મનુષ્યમાં જો પોતાનો અહંભાવ ન હોય એટલે કે જો 'પોતે જ છે' એવો અહં ન હોય  કે પછી પોતે જો ખાલી છે એવો દીનતા ભાવ હોય તો ઈશ્વર આવી તેનામાં સમાઈ જાય છે,મનુષ્ય જો પોતે જ સિંહાસન પર બેઠો હોય તો ઈશ્વર આવી ક્યાં બેસી શકે?

પોતાના માટે જયારે કોઈ મનુષ્ય,દીનતાથી ઉભો થઇ સન્માન આપી પોતાને સિંહાસન પાર બેસાડે,તો તેના તરફ પરમાત્માનો પ્રેમભાવ છે અને જો મનુષ્ય,ઈશ્વરને સ્થાન આપતો ન હોય તો ઈશ્વર ત્યાં પધારતો નથી.

હકીકતમાં તો,ઈશ્વરને દૈન્ય-ભાવ પ્રત્યે પ્રેમભાવ છે એમ પણ નથી,પણ તે ઈશ્વર આવી દૈન્ય-ભાવમાં ઉતરે છે.

એટલે કે જો મનુષ્ય દૈન્ય-ભાવથી ખાલી થઇ જાય તો તે દૈન્યભાવના ખાલી-પણામાં ઈશ્વર સમાઈ જાય છે.

ઈશ્વર અને ભક્ત જુદા નથી (અદ્વૈત) એ જ્ઞાન,તે ભક્ત ત્યારે સમજી જાય છે,કે તે જ્ઞાનનો તેને અનુભવ થઇ જાય છે, 


तस्या ज्ञानमेव साधनमित्येके ।। २८ ।।

તે ભક્તિનું સાધન જ્ઞાન જ છે,એવો ઘણા આચાર્યો નો મત છે (૨૮)

अन्योन्याश्रयत्वमित्यन्ये ।। २९ ।।

કેટલાક આચાર્યો નો એવો મત છે કે-ભક્તિ અને જ્ઞાન -એ એકબીજાના આશ્રિત છે (૨૯)


ભક્તિ તો એક અનુભવ છે.એમાં જ્ઞાનની શી જરૂર? જ્ઞાની તો બુદ્ધિનું મંથન કરી વિચારે છે,અને અદ્વૈત 

સિદ્ધ કરે છે,તેથી જ્ઞાનીનો અહં વિકસિત થાય છે,ઘણીવાર તો તે ઈશ્વરને માનવાનો પણ ઇન્કાર કરે છે,

'ભક્તિનું સાધન જ્ઞાન છે' એવો ઘણા આચાર્યોનો મત છે (કે જે ખોટો છે) અને 

અમુક આચાર્યોનો 'ભક્તિ અને જ્ઞાન એ એકબીજાના આશ્રિત છે' એ મત પણ ખોટો છે,

એમ વિવાદ કર્યા  વિના,નારદ પોતાનો જે (નીચેનો) મત  છે તે કહેવા માટે જ આચાર્યોના મત કહે છે.


स्वयं फलरूपतेति ब्रह्मकुमाराः ।। ३० ।।

બ્રહ્મ-કુમારો (સનત્કુમારો અને નારદ)ના મતથી,ભક્તિ સ્વયં ફળ-રૂપા છે (૩૦)

નારદનો પોતાનો મત છે કે-જ્ઞાનના કોઈ સાધનની જરૂર નથી,કેમ કે ભક્તિ તો સ્વયં ફળ-રૂપ છે.

ભક્તની ઈશ્વર સાથે ઐક્યતાનો અનુભવ  થવાથી ઈશ્વર-રૂપી-ફળ તો તેને મળી જ જાય છે.


राजगृहभोजनादिषु तथैव दृष्टत्वात्।। ३१ ।।

રાજગૃહ (મહેલો) અને ભોજનાદિ માં (પણ) આમ જ જોવા મળે છે (૩૧)

न तेन राजपरितोषः क्षुधाशान्तिर्वा ।। ३२ ।।

કારણકે તે (ભોજનાદિ) જાણવા-માત્રથી રાજા સુખી થઇ જતો નથી,કે શરીરની તરસ મટી જતી નથી (૩૨)


જ્ઞાનથી પરમાત્માની જાણકારી મળે છે,પરમાત્મા નહિ,જયારે ભક્તિથી તો પરમાત્મા સાક્ષાત થાય છે.

એટલેકે ભક્તને પરમાત્માનો અનુભવ થાય છે.આ બાબતે અહીં ઉદાહરણ આપતાં કહે છે.

જેમ,જો કોઈ ભોજન માટેની બહુ ચર્ચા કરે કે ભોજનનું જ્ઞાન પ્રદર્શિત કરે તો તેનાથી ભૂખ મટતી નથી,

ભૂખને મિટાવવા તો ભોજન કરવું જ પડે છે.તેમ,ભક્તિ એ ઈશ્વર-રૂપી ભોજન છે (કે ભક્તિ એ ઈશ્વરનું ભોજન છે)

ભક્તિથી ઈશ્વરને પામવાની ભૂખ મટે  છે,માત્ર તે ભોજનના જ્ઞાનથી ઈશ્વરનો અનુભવ થઇ શકે નહિ.

ભક્તિથી ઈશ્વર સાક્ષાત થાય છે (લાલી દેખન મૈં ગઈ તો મૈં ભી હો ગઈ લાલ)


तस्मात्सैव ग्राह्या मुमुक्षुभिः ।। ३३ ।। 

એટલે જ મુમુક્ષુએ (મુક્ત થવાની ઈચ્છા રાખવાવાળાએ) ભક્તિને ગ્રહણ કરવી જોઈએ (૩૩)


મુમુક્ષુનો અર્થ સમજવા જેવો છે,

સંસારમાં સામાન્ય રીતે,બે જાતના મનુષ્યો જોવા મળે છે,

એક તો જેમને ઈશ્વર વિશેની માત્ર કુતુહલતા છે,અને બીજો જિજ્ઞાસુ છે,

આ બંને ઈશ્વર વિશેનું થોડું ઘણું જ્ઞાન મેળવે છે,જિજ્ઞાસુ વધુ પ્રયત્ન કરે છે,

પણ મુમુક્ષુ,પોતાની જાત ઈશ્વર આગળ ધરી દેવા તૈયાર થાય છે,તે પોતાને બદલવા પોતાના જીવનમાં ક્રાંતિ લાવવા તૈયાર થાય છે,ઈશ્વરનો અનુભવ પામવા પોતાના જીવનને દાવ પર લગાવવા તૈયાર થાય છે.

તેને ઈશ્વરને પામવાની ભૂખ લાગી છે,ને એટલે જ નારદ કહે છે કે,'ભક્તિ-રૂપી ભોજન તૈયાર છે

ભક્તિ-રૂપી ભોજન ગ્રહણ કરીને (ભૂખ મિટાવી) ઈશ્વરનો અનુભવ કરીને મુક્ત બનો'


तस्याः साधनानि गायन्त्याचार्याः ।। ३४ ।। 

આચાર્યો  તે ભક્તિના સાધન ગાય છે (સાધન બતાવતાં કહે છે) કે- (૩૪)


અહીં 'ગાયન્તવા' શબ્દનો ઉપયોગ કરેલો છે.આચાર્યો તે ભક્તિના સાધનોનું ગાન કરે છે ને બતાવે છે.

ભક્તિ,એ વેદાંતની જેમ શુષ્ક નથી.વેદાંત ગદ્યમાં વર્ણન કરે છે,તો ભક્તિનું પદ્યમાં વર્ણન છે,

આચાર્યો ગાઈને સાધન બતાવે છે.એક ગીતનું સર્જન કરે છે,કે જેના રસને પકડવામાં આસાની છે.

આચાર્યો જે સાધન બતાવે છે તે પણ ભજન,કીર્તન,શ્રવણ,કથા આદિ જ છે ને?

ભક્તિનો સંબંધ તર્ક (કે જ્ઞાન) સાથે નથી,ભક્તિનો સંબંધ છે પ્રેમ ને હૃદય સાથે.

ને એટલે જ ભક્ત ગાન કરે છે,નાચી ઉઠે છે.


तत्तु विषयत्यागात् सङ्गत्यागाच्च॥ ३५ ॥ 

તે ભક્તિનું સાધન-વિષય-ત્યાગ અને સંગ-ત્યાગથી સંપન્ન થાય છે (૩૫)


વાસનાઓ-કામનાઓને લીધે ઇન્દ્રિયો બહારના વિષયો તરફ  ભાગે છે.સાધારણ ત્યાગી વિષયોનો ત્યાગ કરવા સંસારથી ભાગે છે.ભલે તે બીજે જાય,પણ ત્યાં પણ તેની ઇન્દ્રિયો વિષયો તરફ ભાગવાનું છોડતી નથી,

ભક્ત તો પરમાત્માના સંસારના વિષયો ત્યાગે છે ને તે વિષયોનું એક જ પરમાત્માના વિષય તરફ રૂપાંતરિત કરે છે.સંસારના વિષયો ત્યાગ્યા પછી પણ જો તેને સંસારના માનવીઓનો સંગ (કુસંગ) કે સાધુઓનો પણ સંગ રહે તો,તે સંગ તેને સંસાર તરફ ખેંચે છે.સાધુઓનો સંગ પણ તેને તેમના તરફ ખેંચે છે,કે જે,

પરમાત્મા તરફના રસ્તા પર બાધા-રૂપ બની શકે છે.ભક્તિમાં તો ભક્ત ધીરે ધીરે ભગવાન બની જાય છે ને ભગવાન ભક્ત બની જાય છે.બંનેનું ઐક્ય થઇ જાય છે.મીરાંને સંસારના વિષયો ગમતા નહોતા,તેને ત્યાગ્યા હતા ને છેવટે તો સર્વ સંગ છોડી (સંગ-ત્યાગી) એકલી જ દ્વારકા ચાલી નીકળી.