कथादिष्विति गर्गः ।। १७ ।।
શ્રી ગર્ગાચાર્યના મત પ્રમાણે-ભગવાનની કથા-વગેરેમાં અનુરાગ હોવો તે ભક્તિ છે (૧૭)
આગળ કહેલી,સેવા-પૂજામાં તો ક્રિયા છે,આરતી-આદિ ક્રિયાઓ કરવાની છે,પણ કથામાં તો કોઈ કહે ને આપણે તે સાંભળવાની છે.અહીં,પણ કથા માત્ર ઔપચારિકતાથી સાંભળવાની નથી,તેમાં રસ લેવાનો છે,તે કથામાં ડૂબવાનું છે-હૃદયથી તેને સમજવાનો ને અત્યંત પ્રેમથી તે કથાનો મર્મ સમજવાનો જરૂરી છે.
કથામાં જયારે કથા સાથે પ્રેમ થાય તો તે પણ એક ભક્તિ બને છે એમ ગર્ગાચાર્ય કહે છે.
જયારે ઈશ્વરની કથામાં અનુરાગ થાય ત્યારે સંસારની કથામાંથી અનુરાગ જતો રહે છે.
आत्मरत्यविरोधेनेति शाण्डिल्यः ॥ १८ ॥
શાંડિલ્યના મત પ્રમાણે-આત્મ-રતિના અવિરોધી વિષયમાં અનુરાગ હોવો તે ભક્તિ છે (૧૮)
આત્મરતિનો સીધો અર્થ છે આત્મ-સુખ.પોતાના આત્માનું સુખ.એટલે તેનો બીજો અર્થ એમ પણ કરી શકાય કે-
તે પરમ (સાચો) સ્વાર્થ.છે ને તેનો અવિરોધી વિષય એ ચૈતન્ય (ઈશ્વર) છે.
જોકે સાદા અર્થમાં કહેવાતા-સ્વાર્થ અને આત્મરતિ (પરમ-સ્વાર્થ) માં ફર્ક છે.
સાદા સ્વાર્થમાં કોઈ ખોટેખોટી રીતથી પણ માત્ર પોતાને જ સુખી કરવાની ઈચ્છા છે,
અહીં 'મારે સુખી થવું છે' એવા અહં સાથેનો સ્વાર્થ છે,તેમાં બીજાના સ્વાર્થ (પરાર્થ)ને જોવામાં
આવતો નથી,એટલે કે પોતાનો સ્વાર્થ સાધવામાં બીજો કોઈ દુઃખી થાય તેની તેને પડી હોતી નથી.
જો કે,આત્મરતિ(પરમ-સ્વાર્થ) માં પણ પોતાને સુખી કરવાની ઈચ્છા તો છે જ,પણ તેમ કરવામાં તે બીજો કોઈ દુઃખી ન થાય પણ તે પણ તે જુએ છે-એટલે કે આત્મરતિમાં પરાર્થ આવી જાય છે.
આ આત્મરતિનો વિરોધી વિષય છે ધન-પદની ઈચ્છા કે લાલસા.ને અવિરોધી વિષય છે પરમાત્મા.
જે જે લોકોએ પરમાત્માને પામવાની ઈચ્છા કરી,તેઓનો પણ સ્વાર્થ હતો,(કેમ કે પરમાત્મા કોને મળવાના?)
પણ તેમનો સ્વાર્થ તે પરમ સ્વાર્થ (આત્મરતિનો) હતો.અને આ આત્મરતિના અવિરોધી વિષય (ચૈતન્ય)માં
તેમને અનુરાગ (પ્રેમ) હતો,અને આ અનુરાગ એ જ ભક્તિ છે,એમ શાંડિલ્ય ઋષિ કહે છે.
नारदस्तु तदर्पिताखिलाचारता तद्विस्मरणे परमव्याकुलतेति ॥ १९ ॥
પરંતુ દેવર્ષિ નારદ (મારા) મત મુજબ-પોતાના બધા કર્મો,ભગવાન ને અર્પણ કરવા અને ભગવાનનું જો
થોડું પણ વિસ્મરણ થાય તો વ્યાકુળતા વધે-તેનું નામ ભક્તિ છે (૧૯)
જો,સાધારણ માનવીય પ્રેમમાં પણ પ્રેમીને,પ્રિયતમ પર સર્વ વસ્તુ ન્યોચ્છાવર કરવાની જ ઈચ્છા હોય છે,
તો અહીં તો પરમ પરમાત્મા તરફ પ્રેમની વાત છે.સતત ભગવાનને પોતાના સમક્ષ રાખી,કે તેમનું સતત સ્મરણ કરી, પોતાનું સર્વ અને પોતાના સર્વ કર્મો ભગવાનને જ અર્પણ કરવા જોઈએ.પોતાના માટે કશું રાખવું નહિ.અને જો ભગવાન પોતાની નજર સમક્ષથી હટે કે જો તેમનું વિસ્મરણ થાય તો વ્યાકુળતા વધે,તેનું નામ ભક્તિ છે.
જો કે,વ્યાકુળતા-એ અતિ તીવ્ર હોવી જોઈએ.જેમ જળ વિના માછલી તરફડે છે તેવી વ્યાકુળતા.
કે જેમ,મનુષ્ય જો પાણીમાં ડૂબે ત્યારે તેને,જેવી શ્વાસ લેવાની વ્યાકુળતા હોય છે તેવી વ્યાકુળતા.
अस्त्येवमेवम्।। २० ।। એટલે એ (વ્યાકુળતા) એના જેવી જ છે કે-
यथा व्रजगोपिकानाम्॥ २१ ॥ જેવી વ્રજ-ગોપીઓની હતી (૨૧)
કોના જેવી ભક્તિ? નારદજીએ અહીં ભક્તિ-સૂત્રોમાં બીજા કોઈનું એ ઉદાહરણ આપ્યું નથી,પણ,
અહીં,શરૂઆતમાં જ આડકતરી રીતે જ કહી નાખ્યું છે કે-ગોપીઓના જેવી ભક્તિ.
જો કે પોતે પણ ઈશ્વરના શ્રેષ્ઠ ભક્ત છે,પણ 'ગોપીઓની ભક્તિ,પોતાની ભક્તિથી પણ શ્રેષ્ઠ છે'એમ માને છે.
આ અસંખ્ય ગોપીઓ સાધારણ ગોવાળણો નહોતી,પોતે પરિણીત હતી,પણ હરેક ક્ષણે તે કૃષ્ણને સ્મરણમાં રાખતી હતી,હરેક ક્ષણે કૃષ્ણ પોતાની સમક્ષ જ રહે તેવું ઇચ્છતી હતી.એક ક્ષણ પણ કૃષ્ણ પોતાના નજર સમક્ષથી હટે કે પોતાના સ્મરણમાંથી હટે તો તે કૃષ્ણ માટે તરફડી ઉઠતી હતી.વ્યાકુળ થતી હતી.
સાધારણ પ્રેમીઓ પણ ઘણી વખત પ્રિયતમ માટે તરફડે છે,પણ ગોપીઓનો પ્રેમ એ દિવ્ય પ્રેમ છે.
તેમને સતત એ અનુસંધાન છે કે-શ્રીકૃષ્ણ એ ભગવાન છે,તેમને શ્રીકૃષ્ણના શરીર સાથે નહિ,પણ
શ્રીકૃષ્ણમાં રહેલા પરમાત્મા સાથેનો દિવ્ય પ્રેમ છે.કૃષ્ણની સતત હાજરી,તે પોતાના સમક્ષ અનુભવે છે.
કૃષ્ણ જયારે મથુરા હતા,ત્યારે પણ,કો ન હોય ત્યારે,પોતાના માથે બેડું ચડાવી આપે છે તેવું તે માને છે.
રાધા,એક ગોપી છે,પરિણીત છે,પણ તેનું નામ કૃષ્ણ જોડે લેવાય છે,રૂક્ષ્મિણી કે જે કૃષ્ણની પત્ની છે તેમનું નહિ.
રૂક્ષ્મિણી પત્ની હતી પણ તે કૃષ્ણમાં ભગવાનને જોઈ શકી નહિ,ને તે પોતાનું સ્થાન ચુકી ગઈ.
રાધા દૂર,છતાં પ્રભુના પ્રેમમાં વ્યાકુળ બની,પ્રભુને જોતી રહી,તો તેનો પ્રેમ ભક્તિ બની ગયો.
પ્રેમીને જયારે પ્રિયતમમાં ભગવાન દેખાય કે તે પ્રેમ એ (દિવ્ય પ્રેમ બની) ભક્તિ બની જાય છે.
Click here to go to Index Page