लोके वेदेषु तद्नुकूलाचरणं तद्विरोधिषूदासीनता ।। ११ ।।
લૌકિક અને વેદિક કર્મોમાં -તે (ઈશ્વર) ને અનુકૂળ કર્મો કરવાં એ (કર્મો) જ
તેના પ્રતિકૂળ કર્મો (એટલે કે વિષયો)પ્રત્યેની ઉદાસીનતા છે (૧૧)
પરમાત્મા સાથે આવી જ્યાં અનન્યતા થઇ,પરમાત્માના એક-તારા સાથે જેનો તાર મળી ગયો,
અને જેવી તે પરમાત્મા સાથે તન્મયતા થઇ,કે પછી તે ભક્ત,પરમાત્માને અનુકૂળ કર્મો કરે છે,
એટલે કે તે (પરમાત્મા) જે કરાવે તે જ કરે છે.તેનો પોતાનો કરતા-ભાવ જતો રહે છે ને
તે કહી ઉઠે છે કે-'હવે તો તે તેની મરજી મુજબ જે કરાવે,તે જ હું કરું છું,
અને તે જેવો નાચ નચાવે તેવો જ હું નાચ કરું છું ને હવે મારા જીવનમાં એ જ કર્મ બાકી રહ્યું છે !'
તે ભક્ત માટે હવે પોતાની તરફથી કોઈ નિર્ણય લેવાનો કે વિચાર કરવાની સંભાવના રહેતી નથી.
કે જેથી સંસારના (ને વિષયોના) કર્મો તરફ તે આપોઆપ ઉદાસીન (કે ત્યાગી) થઇ જાય છે
भवतु निश्चयदाढर्यादूध्र्व शास्त्ररक्षणम्॥ १२ ॥
(ભક્તિનો અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં) દ્રઢ નિશ્ચય થઇ જાય પછી પણ શાસ્ત્રની રક્ષા કરવી જોઈએ,(એટલે કે ઈશ્વર ને અનુકૂળ શાસ્ત્રોનાં (વૈદિક) કર્મ ચાલુ રાખવાં જોઈએ) (૧૨)
अन्यथा पातित्याशङ्कया ।। १३ ।। નહિતર પતન થવાની સંભાવના છે. (૧૩)
હકીકતમાં તો,ભક્ત જયારે પરમાત્માના અનુસાર ચાલે (કે કર્મ કરે) ત્યારે તે પરમાત્મા સાથે એક થયેલ હોવાથી,
સર્વ વિધિ-નિષેધ (કર્મો)થી તે પાર થઇ જાય છે,તેને સમાજનો કોઈ નિયમ લાગુ પડતો નથી,પણ,
હજુ જ્યાં સુધી તે પરમાત્માને પ્રાપ્ત થયેલ નથી,ને તેના મનમાં પરમાત્માનો અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો નિશ્ચય થાય છે,ત્યારે તેણે ઈશ્વરને અનુકૂળ શાસ્ત્રોના કર્મો ચાલુ રાખવાં જોઈએ.ઈશ્વરની પ્રાપ્તિ પછી પણ ભલે તેને
સમાજના નિયમ લાગુ ના પડે,પણ સમાજ તો નિયમમાં જ જીવે છે,એટલે તે સમાજના માટે તેણે અડચણ-રૂપ ન થવું જોઈએ.જયારે તે વિધિ-નિષેધથી પર થઇ જાય ત્યારે પણ,મનમાં અહંકાર લાવ્યા વિના શાસ્ત્રમાં કહેલ કર્મો કરવાનાં ચાલુ રાખી અને તેણે શાસ્ત્રની રક્ષા કરવી ચાલુ રાખવી જોઈએ કેમ કે શાસ્ત્રની રક્ષા તે તેની પોતાની પણ રક્ષા છે.અને તેમ કરવાથી,બીજો ફાયદો તે છે કે-તે તેના પોતાના અહંને હવે પોષણ આપી નહિ શકે,
અને જે અહંથી પતન થાય છે,તે પતન થવાથી સંભાવના રહેતી નથી.
लोकोऽपि तावदेव किन्तु भोजनादिव्यापारस्त्वागरीरधारणावधि ॥ १४ ॥
લૌકિક કર્મો ને પણ (જ્યાં સુધી શરીર નું ભાન રહે ત્યાં સુધી) વિધિ-પૂર્વક કરવા જોઈએ,અને
ભોજનાદિ કર્મો-તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ચાલતા જ રહેશે (૧૪)
ભક્તના માટે પણ એક સમય એવો આવે છે કે જયારે તે,જ્ઞાનમાર્ગની સમાધિ અવસ્થા જેવી જ એક અવસ્થાને પ્રાપ્ત થાય છે કે જ્યાં,તેને પોતાના શરીરનું ભાન રહેતું નથી.પણ,જ્યાં સુધી આવી અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી,ઉપર કહેલ વિધિ-નિષેધ કર્મોની જેમ જ લૌકિક કર્મો (પૂજન આદિ) પણ કરવાં ચાલુ રાખવાં જોઈએ.
વળી,ભોજન,વસ્ત્ર,ઘર આદિની જરૂર તો તેને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પડવાની જ છે.
એટલે તે કર્મો તો ચાલતા જ રહેવાના.
तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात्॥ १५ ॥
હવે જુદાજુદા મતો મુજબ - એ ભક્તિના લક્ષણો કહેવામાં આવશે (૧૫)
અનેક ભક્તોએ,પોતાના લક્ષણ મુજબ,જે રીતે ભક્તિ પ્રાપ્ત કરી,તેઓએ તે ભક્તિના જુદાજુદા લક્ષણો કહ્યા.
કે જુદીજુદી રીતે (પોતાનો મત પ્રગટ કરીને) પોતે, ભક્તિની વ્યાખ્યાઓ કરી,પણ ભક્તિ તો એક જ છે.
पूजादिष्वनुराग इति पाराशर्यः ।। १६ ।।
પરાશરના પુત્ર શ્રી વ્યાસજીના મત અનુસાર ભગવાનની પૂજા વગેરેમાં અનુરાગ હોવો તે ભક્તિ છે (૧૬)
ઈશ્વરની એક પથ્થરની મૂર્તિમાં,તે વિરાટ-નિરાકાર ઈશ્વરને આવાહન આપીને બોલાવવામાં આવે,
તે,પૂજાની શરૂઆત છે.પરમાત્મા તે મૂર્તિમાં આવી વિરાજે,પછી,તે મૂર્તિ ભગવાન જ છે,અને સજીવ જ છે,
એમ માનીને એટલે કે તેમાં અનુરાગ (પ્રેમ) રાખી,તેની સેવા-પૂજા કરવી તે ભક્તિ છે,એમ વ્યાસજી કહે છે.
ભક્ત,પરમાત્માને કહે છે કે-'હે પ્રભુ,આપ તો અનંત છો,નિરાકાર છો,વિરાટ છો,ને મારા હાથ તો નાના છે,
આપની સેવા પૂજા કે આરતી હું ઉતારી શકું,તે માટે તમે મારી સીમાની અંદર પધારો,ને આ મૂર્તિમાં વિરાજો'
ને પછી,તે ભક્ત,તે મૂર્તિમાં ભગવાન આવી વિરાજ્યા છે એમ જ સમજી,તે મૂર્તિમાં અનુરાગ (પ્રેમ) કરી,
તેમની સેવા-પૂજા-આરતી કરે છે.કે જેને વ્યાસજી ભક્તિનું લક્ષણ (કે વ્યાખ્યા) કહે છે.
અહીં 'અનુરાગ' (પ્રેમ) શબ્દનું મહત્વ છે.પરમાત્માની પૂજા તો ઘણા બધા (કે સર્વ) લોકો કરે છે,
કોઈક ઔપચારિક રીતે,કોઈક પરંપરાગત,કે કોઈક બીજાને જોઈને તેનું અનુકરણ કરીને પૂજા કરે છે.
પણ તેમાંના કોઈ પરમાત્માને પહોંચતા નથી,કેમ કે તેમને પૂજામાં અનુરાગ (પ્રેમ) નથી.
પરમાત્મા જો,મૂર્તિમાં પધાર્યા છે,તો તેમને તિલક કરતાં તેમના આંખમાં કંકુ ન જાય,કે પછી
તેમને શું ગમે છે?તે પૂછી,તે મુજબ તેમનો શણઘાર થાય-વગેરે પ્રેમ દર્શાવે છે.
જયારે પ્રેમ આવે છે ત્યારે ઔપચારિકતા રહેતી નથી,દિલની ગહેરાઈથી તે પરમાત્મા સાથે વાત કરે છે.
મૂર્તિ એ ભગવાન નથી પણ મૂર્તિમાં આવાહનથી આવી વિરાજેલા જે ભગવાન છે,તેની તે પૂજા કરે છે.