सा न कामयमाना निरोधरूपत्वात्।७।।
તે ભક્તિ કામનાઓથી યુક્ત નથી કારણકે તે નિરોધ-સ્વરૂપા છે (૭)
આ સંસાર કામનાઓ (ઈચ્છાઓ)થી ભરેલો છે.જે મનુષ્ય જયારે,આ સંસારના મિથ્યા-તત્વને સમજી શકે છે,ત્યારે તેનો સંસાર છૂટી જાય છે (એટલે કે તે સંસારનો નિરોધ થઇ જાય છે-તેને સંસારનો નિરોધ કરવો પડતો નથી)
પણ,ભક્તિ એ પ્રેમ-રૂપ હોવાથી,જેમ,પ્રેમમાં કશું લેવાની નહિ પણ સમસ્ત આપવાની જ ઈચ્છા હોય છે,
તેમ,ભક્તિ કોઈ કામનાઓથી યુક્ત નથી.ભક્તિ (પ્રેમ) આવે ત્યારે કામનાઓ (ઈચ્છાઓ) આપોઆપ જ છૂટી જાય છે.એટલે અહીં એમ કહ્યું છે કે-ભક્તિનું આ (કામનાઓથી છૂટી જવું-કે) નિરોધ-સ્વરૂપ પણ છે.
બીજી રીતે કહીએ તો-કામનાઓથી મુક્તિ થાય (કામનાઓ છૂટી જાય) તો ભક્તિ આવે,અને,
જો,ભક્તિ આવે તો કામનાઓ છૂટી જાય છે (કામનાઓનો નિરોધ થઇ જાય છે)
આ સંસારમાં જે મનુષ્યનું હૃદય ધન-સંપત્તિ-આદિ કામનાઓ (ઈચ્છાઓ)નું કામના કરતુ હતું,
જેના લીધે તેના બે હાથ ભિક્ષા-પાત્ર જેવા બન્યા હતા,તે જ હાથ જયારે કામનાઓ છૂટી જાય છે ત્યારે
તે હાથ (કામનાઓ) પરમાત્માની દિશા તરફ પ્રાર્થના (ભક્તિ) બની જાય છે અને તે જ ભક્તિ છે.
ને તે જ ભક્તિનું નિરોધ (છૂટી જવું) સ્વરૂપ છે.
સંસારમાં જે હૃદય (જીવન શક્તિ કે ઉર્જા) ધન-સંપત્તિની કામનાઓ કરીને અધોગતિ કરતું હતું,
તે જ હૃદય હવે કામનાઓનો નિરોધ થવાથી ઉર્ધ્વ-ગતિ કરે છે.તે હવે પરમ પરમાત્માની પ્રાર્થનામાં જોડાઈ જાય છે ને હવે તે જીવન-શક્તિ(ઉર્જા) પરમાત્માના પરમ અહોભાવમાં ઝૂકી જાય છે.ને પરમાત્મા સાથે એક થઇ જાય છે.
પરમાત્માના અહોભાવથી તેની આંખો અશ્રુઓથી છલકાઈ જાય છે.મીરા,ચૈતન્ય કે નરસિંહ મહેતા રૂએ છે,
આ આંસુ દરિદ્રતાના કે ભિખારીના આંસુ નથી,કોઈ અભાવથી નહિ પણ અહોભાવથી પેદા થાય છે,
કોઈ એક ગહન ભાવ-દશાથી આ આંસુ જન્મ્યા છે.કદાચ ગંગાજળ પણ આટલું પવિત્ર નહિ હોય !!
निरोधस्तु लोकवेदव्यापारन्यासः ।। ८ ।।
લૌકિક કે વૈદિક (એ સમસ્ત વ્યાપારના) કર્મોના ન્યાસ (ત્યાગ) ને નિરોધ કહે છે (૮)
ધન-સંપત્તિ આદિ કામના માટે કરવામાં આવતો વ્યાપાર એ લૌકિક વ્યાપાર છે,
અને સ્વર્ગની કામના માટે કરવામાં આવતા યજ્ઞો-આદિ કર્મો એ વૈદિક કર્મોના વ્યાપાર છે.
ધન-સંપત્તિ-આદિ સંસાર સ્થાયી નથી ( ક્ષણિક છે) આવે છે ને જાય છે,ને તે જ મુજબ
સ્વર્ગનું સુખ પણ સ્થાયી નથી પુણ્યો પતી જાય એટલે ત્યાંથી પાછા ધકેલી દેવામાં આવે છે.
ભક્તિ એને જ ઉપલબ્ધ થાય છે જેને નથી આ સંસારની કામના કે નથી સ્વર્ગની કામના.
ભક્ત કહે છે કે-મારે કશું માંગવું નથી મારે નથી જોઈતો આ સંસાર કે આ સ્વર્ગ.
ને એટલે જ એ લૌકિક કે વૈદિક કર્મો કરતો નથી,કે પછી તે કર્મો છૂટી (કર્મોનો નિરોધ થઇ) જાય છે.
तस्मिन्ननन्यता तद्विरोधिषूदासीनता च।। ९ ।।
તે પ્રિયતમ (ઈશ્વર) માં અનન્યતા અને તેનાથી પ્રતિકૂળ (વિષયો) માં ઉદાસીનતા ને પણ નિરોધ કહે છે (૯)
અહીં બે શબ્દો -અનન્યતા ને ઉદાસીનતા-મહત્વના છે.
અનન્યતા એટલે કે ભક્ત(પ્રેમી) અને ઈશ્વર (પ્રિયતમ) એ બંનેમાં ભેદ (ફાસલો)ના રહેતાં એક થઇ ગયા.અને
(તેથી) ઉદાસીનતા એટલે કે ઈશ્વર (પ્રિયતમ)થી પ્રતિકૂળ વિષયોનું હવે કોઈ પ્રયોજન જ રહ્યું નહિ.(નિરોધ)
'પ્રેમગલી અતિ સાંકરી,તામે દો ના સમાય'
ભક્ત ધીરે ધીરે ભગવાન બની જાય છે તો ભગવાન ધીરે ધીરે ભક્ત બની જાય છે,એક જ બાકી રહી જાય છે
એક જ બચે છે.(જો તું છે તો હું નહિ અને જો હું છું તો તું નહિ !) ભક્તિ હવે અદ્વૈત (એક) બની જાય છે.
અને જે ભક્તે (પ્રેમીએ) ઈશ્વર (પ્રિયતમ) સાથે આવી એકતાનતા (અનન્યતા) સાધી લીધી,
તે સંસાર પ્રત્યે આપોઆપ જ ઉદાસીન થઇ જાય છે,તેને સંસાર છોડવો પડતો નથી,પણ સર્વ સંસાર જ
તેનાથી છૂટી જાય છે,વ્યર્થ થઇ જાય છે.સંસારની જો સાર્થકતા રહેતી જ નથી તો પછી છોડવાનું શું બાકી રહે?
अन्याश्रयाणां त्यागोऽनन्यता।। १० ।।
(પ્રિયતમ-ઈશ્વર) સિવાયના બીજા આશ્રયોના ત્યાગનું નામ અનન્યતા છે (૧૦)
પ્રેમી (ભક્ત) રૂપી ઘડાને,પ્રિયતમ(ઈશ્વર) પોતાનાથી એવો તો છલોછલ ભરી દે છે કે,તે ઉભરાય છે,
એટલે હવે બીજા કશાનો આશ્રય (કે લગાવ) ક્યાંથી બાકી રહે? સર્વ આશ્રય એક ઈશ્વર પ્રતિ સમર્પિત થઇ ગયા,
પ્રેમીની જે આંખો,પ્રિયતમને ખોળતી હતી તે તો તેની આંખોમાંજ આવીને બેઠો હતો !!
પરમાત્માને ખોળવા માટે મંદિરમાં જવાની (મંદિરનો આશ્રય લેવાની) જરૂર રહેતી નથી,
સંસાર,ધન-આદિ બીજા કોઈ આશ્રયની જરૂર રહેતી નથી,પણ
જેઓએ પોતાની અંદર ડૂબકી લગાવી (અનન્યતા થઇ) તેમને,તે ઈશ્વર ત્યાં જ મળી જાય છે.
કે જે શાશ્વત (સ્થાયી) છે,ને જેને આ (આશ્રયોનો) આશ્રય મળ્યો તેને અન્ય આશ્રયની જરૂર શી?
અન્ય આશ્રયોનો આપોઆપ ત્યાગ થઇ જાય છે (કે છૂટી જાય છે)
આ અનન્યતા શબ્દ પણ સમજવા જેવો છે.અન્ય (બીજો કે ઈશ્વર) એ જયારે અન્ય (જુદો) રહેતો નથી,
એટલે કે બંનેનું ઐક્ય (એકતા)થઇ જાય છે.જ્ઞાનમાર્ગની અદ્વૈત (એક)ની (અહં બ્રહ્માસ્મિ) અવસ્થા પણ આવી જ છે,પણ અદ્વૈત એ તર્ક (કે ગણિત) નો શબ્દ છે જયારે અનન્યતા એ પ્રેમનો શબ્દ છે.
અદ્વૈત (વેદાન્ત)ના શાસ્ત્રો લુખાં-સુખાં (રણ જેવાં) છે,પણ,જયારે અનન્યતા થઇ (ઈશ્વર સાથે પ્રેમ થયો)
ત્યારે કોઈ શુષ્ક્તા રહેતી નથી,ભક્ત નાચી ઉઠે છે.'પગ ઘુંઘરુ બાંધ મીરા નાચી રે'
તેના માટે કોઈ બંધન રહેતું નથી કે નથી તેને કોઈ શાસ્ત્રની ચર્ચા કરવાની.