अमृतस्वरूपा च (૩)
અને તે (ભક્તિ) અમૃત-સ્વ-રૂપ (પણ) છે.(3)
કહેવાય છે કે-અમૃતનું પાન કરવાથી અમર થવાય છે એટલે કે-ત્યાર પછી મરવાનું રહે નહિ.
ભક્તિ એ અમૃત-સ્વરૂપ પણ છે.જેણે પરમ-પ્રેમને જાણ્યો (કે પરમ-પ્રેમમાં સમાયો) પછી તેનું મૃત્યુ નથી.
પરમ-પ્રેમમાં (પરમાત્મામાં) સમાયો કે એક થયો એટલે તે પોતે (એટલે કે -સ્વ-અથવા 'હું') તો મરી જ ચુક્યો છે.
બુંદ સાગરમાં સમાઈ ગઈ કે તે પછી બીજી બુંદને શું કહે?
સોનાનું ઘરેણું,પીગળીને સોનું થઇ જાય પછી તે ઘરેણું ક્યાંથી બાકી રહે?
મૃત્યુ મનુષ્યને ત્યાં સુધી જ ડરાવી શકે કે જ્યાં સુધી 'હું' (અહં-એટલે કે હું શરીર છું) છે,
પણ જયારે 'હું' ખોવાઈ ગયું-તેનું મૃત્યુ શું? તેને તો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો.તે અમૃત-સ્વરૂપ થઇ ગયો.
કહે છે કે-મીરાં સદેહે દ્વારકાનાથમાં સમાઈ ગઈ.તેના દેહની કોઈ સ્મશાન-યાત્રા નીકળી નથી !!
મનુષ્ય જો પોતાને (પોતાના હુંને કે અહંને) ભૂલી જાય,તો પરમાત્મા દૂર નથી.
તેનો પરમાત્માની મધુશાળામાં પ્રવેશ થઇ જાય છે,
ને તે પરમાત્માનો નશો કરીને (તેનામાં મળી જઈને) એક અનેરી મસ્તીમાં આવી જાય છે,
ત્યાં નથી તે ખુદ રહેતો ને તેના કણકણમાં તે મધુશાળા વિખરાઈ જાય છે.
તેના કણકણમાં પરમાત્મા છવાઈ જાય છે.
તેનામાં કોઈ અનેરી પાગલતા,બેહોશી,કે ઉન્મતતા -જે પણ કહો તે છવાઈ જાય છે,ને તે નાચી ઉઠે છે.
'પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે' તેને પછી જગત (કે પોતાનું શરીર) પણ ક્યાંથી દેખાય?
ભક્તિનું આ અદ્વૈત (આત્મા-પરમાત્માની કે અંશ-અંશીની એકતા) છે.
ભક્તિમાં દ્વૈતની કલ્પના કરવામાં આવી છે.શિવ(પરમાત્મા) ને શક્તિને જુદાં કલ્પવામાં આવે છે,
તે શિવ-શક્તિને છેવટે અર્ધ-નારી-નટેશ્વર કહીને એક (અદ્વૈત) તરીકે પણ કલ્પવામાં આવ્યા છે !!
અદ્વૈત મતમાં શક્તિ (માયા)નો નિષેધ (તે છે જ નહિ એમ) કરીને તેને મિથ્યા ગણી છે.
અને તે માયાથી બનેલ આ જગત (પોતાનું શરીર પણ) દેખાતું હોવા છતાં તેને મિથ્યા ગણવામાં આવે છે,
ત્યારે ભક્તિ,દ્વૈત (હું કે જે શક્તિ-રૂપ છું તે ને મારો પરમાત્મા)નો સ્વીકાર કરીને,છેવટે તે શક્તિ (ભક્તિ)ની
મદદથી (કે જે પરમપ્રેમ કે અમૃત રૂપ છે તેનાથી) પરમાત્મા સાથે ઐક્ય થઇ જાય છે.
यल्लब्ध्वा पुमान् सिद्धो भवति, अमृतो भवति, तृप्तो भवति ।। ४ ।।
જે ભક્તિ ને પામીને મનુષ્ય સિદ્ધ થાય છે,અમર થાય છે,અને તૃપ્ત થાય છે (૪)
સિદ્ધનો અર્થ એવો છે કે-સાધ્ય (પરમાત્મા) મળી ગયા એટલે હવે કોઈ સાધના કરવાની બાકી રહી નહિ,
સર્વ સાધનો (ભક્તિ-કર્મ-જ્ઞાન વગેરે) થી પર થઇ ગયા.
બુંદ સાગરમાં સમાઈ ગઈ પછી બુંદને શું કરવાનું બાકી રહે? પોતાનું સ્વરૂપ (કે જે પરમાત્મા-રૂપ જ છે)
એ સમજાઈ જાય,અનુભવાઈ જાય પછી 'હું' ક્યાંથી રહે? જ્યાં 'હું' (અહં) ગયું કે મનુષ્ય સિદ્ધ થઇ ગયો.
જ્યાં સુધી અહંકાર (અહં કે હું) હોય છે ત્યાં સુધી મનુષ્ય ભટકતો રહે છે,તેને બીજો કોઈ ભટકાવી શકે નહિ,
અને જેવો તે અહંકાર (હું) મરી ગયો કે તરત જ તે મનુષ્ય પહોંચી જાય છે પરમાત્માના મંદિરમાં,
કે જેની તેને જન્મોજન્મથી ખોજ હતી.તે પરમાત્માને પામીને તે અમર થઇ જઈને તૃપ્ત થઇ જાય છે.
હવે તેને કોઈ મૃત્યુ નથી કે નથી કોઈ ખોજ -બસ તૃપ્તતા જ તૃપ્તતા છે.
यत्प्राप्य न किञ्चिद्वाञ्छति, न शोचति, न द्वेष्टि, न रमते, नोत्साही भवति। ५ ।।
તે ભક્તિ જયારે મનુષ્યને પ્રાપ્ત થાય છે,ત્યારે તે મનુષ્ય -નથી કોઈ વસ્તુની ઈચ્છા કરતો,નથી દ્વેષ રાખતો,
નથી કોઈ વસ્તુમાં આસક્ત થતો,કે,નથી તેને વિષય ભોગની પ્રાપ્તિમાં ઉત્સાહ ઉપજતો (૫)
જયારે પરમપ્રેમ-રૂપ ભક્તિ પ્રાપ્ત થઇ,ને પરમાત્મા જેવી એક અલભ્ય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે
તે ભક્તને બીજી કોઈ વસ્તુ પામવાની ક્યાંથી ઈચ્છા થાય? કોઈ પ્રત્યે દ્વેષ ક્યાંથી રહે?
જયારે કોઈ અત્યંત ભૂખ્યા મનુષ્યને મિષ્ટાન્ન મળે તો પછી તે વખતે તેને બાજરાના સૂકા રોટલાની
ક્યાંથી ઈચ્છા રહે? 'મારી પાસે નથી પણ તેની પાસે છે'-એવો દ્વેષ પણ હવે કેવો?
જે મૃત્યુ આવવાથી સર્વ વસ્તુઓ અહીં ને અહીં રહી જાય છે,તેવા મૃત્યુથી જે મનુષ્ય પર થઇ જઈ
અમરતા (શાશ્વતતા) મેળવે,તેને વળી ક્ષણભંગૂર વસ્તુઓમાં આસક્તિ પણ ક્યાંથી રહે?
કદી પણ ન તૂટે કે ન છૂટે એવો ભક્તિનો (પરમપ્રેમનો)શાશ્વત આનંદ (પરમાનંદ) જયારે મળે-
ત્યારે વિષય-ભોગથી ક્ષણિક મળતા એવા (ક્ષુદ્ર) 'સુખ' પ્રત્યે ઉત્સાહ પણ ક્યાંથી રહે?
જ્યાં સુધી હીરો મળ્યો નથી ત્યાં સુધી મનુષ્ય કાંકરા-પથ્થર વીણે (ને તેની ઈચ્છા રાખે) એકઠા કરે
(ને તેના પ્રત્યે આસક્ત રહે) પણ જેવો હીરો મળે કે પછી ઈચ્છા કે આસક્તિ ક્યાંથી રહે?
Click here to go to Index Page