નારદ,ભક્તિસૂત્રોના પ્રણેતા (આચાર્ય) છે.અને તેમણે ૮૪ સૂત્રોમાં ભક્તિ વિષે કહ્યું છે.
अथातो भक्तिं व्याख्यास्यामः (1)
હવે ભક્તિની વ્યાખ્યા કરીશું (1)
सा त्वस्मिन् परमप्रेमरूपा (2)
તે (ભક્તિ)કે જે તેના પ્રત્યે (પરમાત્મા પ્રત્યે) 'પરમ-પ્રેમ-રૂપ' છે(2)
અહીં 'તેના પ્રત્યે' અને 'પરમ-પ્રેમ' -એ બંને શબ્દો અત્યંત મહત્વના છે.
કશાક તરફ આંગળી ચીંધીને- નારદજીએ તેનું કશું નામ આપ્યું નથી,છતાં પણ 'તેના પ્રત્યે' કહીને,
કોઈ નિરાકાર-અનામ-નિષ્કામ એવા 'પરમાત્મા' (ઈશ્વર કે બ્રહ્મ) તરફ જ ઈશારો કર્યો છે.
આમ જુઓ તો,નારદ પોતે 'નારાયણ'ના ભક્ત છે,પણ તે 'નારાયણ' નામનો ઉલ્લેખ અહીં,કરતા નથી.
વળી,નારદજી માત્ર 'પ્રેમ' શબ્દ પણ કહી શકત,પણ તેમ નહિ કરતાં તેમને અહીં 'પરમ-પ્રેમ' શબ્દ કહ્યો છે.
ભક્તિને સમજવા,(ભક્તિની વ્યાખ્યામાં) આ બંને શબ્દોને બરોબર રીતે સમજવા જરૂરી લાગે છે.
પરમાત્મા -એ કોઈ એક વ્યક્તિ નથી,મૂર્તિ નથી કે આકાશમાં બેઠેલું કોઈ એક રૂપ (વિષ્ણુ-વગેરે) નથી.
(અદ્વૈત મત મુજબ) પરમાત્મા એ 'આકાશ' જેવા નિરાકાર છે,તેને નરી આંખથી દેખી શકાય નહિ,
વળી તે 'આકાશ'માં સમાયેલો 'વાયુ' કે જે પણ નિરાકાર અને નરી આંખથી દેખી ના શકાય તેવો છે,
તેને શક્તિ(ઉર્જા)રૂપ કહ્યો છે.આકાશનું હલન-ચલન થઇ શકે નહિ પણ તે વાયુનું હલન-ચલન થાય છે
ને તેની ચલન-'શક્તિ'ને અનુભવી શકાય છે.
તેના (પરમાત્માના) પ્રત્યે જે પરમ-પ્રેમ-રૂપ-છે તે,'ભક્તિ' છે (એ ભક્તિ- 'શક્તિ' (ઉર્જા) રૂપે છે)
'ભક્તિ'ની જો વ્યાખ્યા કરવી હોય તો 'પ્રેમ' શબ્દથી જ કરી શકાય,તેમ છતાં પણ,નારદજીએ,
અહીં ભક્તિની વ્યાખ્યા કરતાં એક શર્ત રાખી છે-કે માત્ર 'પ્રેમ-રૂપ' નહિ પણ 'પરમ-પ્રેમ-રૂપ'
અને આ પરમ-પ્રેમનો અર્થ છે કે-અત્યંત શુદ્ધ-સો ટચના સોના જેવો પ્રેમ.
જેમ,શુદ્ધ સોનું અત્યંત નાજુક હોવાને લીધે,
તે શુદ્ધ સોનાના જયારે ઘરેણાં બનાવવામાં આવે ત્યારે તેમાં બીજી ધાતુ મેળવવામાં આવે છે.
તેમ, (સાદા) પ્રેમમાં થોડીક (કામ કે કામનાની) અશુદ્ધિ છે તેથી તે ઘરેણાં જેવો છે.
જો ભક્તિને માત્ર 'પ્રેમ-રૂપ' કહી હોત,તો ભક્તિ અને (સાદા) પ્રેમમાં કોઈ ફરક રહે નહિ.
ને એટલે જ કહ્યું કે ભક્તિ (તેના પ્રત્યે) પરમ-પ્રેમ-સ્વરૂપે છે.શુદ્ધ સોના જેવી છે.
પ્રેમમાં એકાદ ટકો (%) કામ છે,પ્રેમી પ્રેમમાં ડૂબે,ત્યારે ડૂબવાને લીધે કામનો આવિર્ભાવ થાય છે,
કામમાં એકાદ ટકો (%) પ્રેમ છે,કામી કામમાં ડૂબે,ત્યારે ડૂબવાને લીધે પ્રેમનો આવિર્ભાવ થાય છે.
પ્રેમી પ્રેમને લીધે કામમાં ઉતરે છે ને કામી કામને લીધે પ્રેમ કરે છે.બંનેમાં પ્રેમ છે પણ ફર્ક ઘણો છે,
પ્રેમીનો પ્રેમ (કદાચ-થોડો) સુંદર દેખાય છે,પણ કામીનો પ્રેમ ગંદો જ દેખાય છે.
પરમ પ્રેમ-સ્વરૂપ-ભક્તિ કે જેમાં,જરા પણ કામ નથી-તે જ સાચી ભક્તિ છે,ને તે સો ટકા શુદ્ધ સોના જેવી છે.
આ 'ભક્તિ' કે જેને 'શક્તિ' (ઉર્જા) રૂપ કહી છે તે 'શક્તિ'ને જો ઉદાહરણથી સમજીએ તો-
આ એક જ શક્તિ (ઉર્જા) ને બીજ-રૂપે જોઈએ તો તે જુદાજુદા ત્રણ સ્વરૂપે પ્રગટ થાય છે.
પહેલું તો 'બીજ-રૂપ' છે--કે જ્યાં કશું (વૃક્ષ કે ફૂલ) પ્રગટ થયું નથી,
બીજું 'વૃક્ષ-રૂપ' છે --કે જ્યાં (ફૂલ સિવાય) સર્વ પ્રગટ થઇ ગયું છે.ત્રીજું 'ફૂલ-રૂપ' છે.
જેવું ફૂલ પ્રગટ થાય છે,ને તેની પાંખડીયો ખુલે છે કે તેની સુગંધ હવામાં ફેલાઈ જાય છે.
એટલે કે એમ પણ કહી શકાય કે-તે ફૂલ (સુગંધ)નું અનંત આકાશ સાથે મિલન થઇ ગયું.
જો,બીજી રીતે કહીએ તો-અહીં 'બીજ'નો અર્થ એ 'કામ' (કે કામના) છે કે જ્યાં પ્રેમ પ્રગટ થયો નથી,
'પ્રેમ'નો અર્થ 'વૃક્ષ' કે જ્યાં પ્રેમ પ્રગટ થયો છે-પણ પૂર્ણપણે નહિ,
અને ફૂલનો અર્થ 'ભક્તિ' (પૂર્ણ-પરમ-પ્રેમ) છે.
ભક્તિ એ પરમ-પ્રેમનું પરમ શિખર છે.
એટલે,આ ભક્તિ તે -તે (પરમાત્મા)ના પ્રત્યે (માત્ર પ્રેમ-રૂપ નહિ,પણ) પરમ-પ્રેમ-રૂપ છે.
'પરમ-પ્રેમ'ને સમજવા માટે ને ભક્તિ-સૂત્રોને સરળતાથી સમજવા માટે
અહીં ફરીથી (સાદો) 'પ્રેમ અને કામ (કામ વાસના)'ને સમજીએ.
કામ એ 'શરીર'ની શક્તિ (ઉર્જા) છે તો પ્રેમ એ 'મન'ની શક્તિ (ઉર્જા)
શરીર સ્થૂળ છે,વજનવાળું છે,એટલે તે સમજમાં (કે અનુભવમાં) આવી જાય છે,
અને મનની પણ ઝલક પણ મળી જાય (કે અનુભવમાં આવી જાય) છે
કેમ કે તે મન -એ સ્થૂળ અને સૂક્ષ્મની વચ્ચે છે.
મનનો એક સ્થૂળ ભાગ શરીર સાથે જોડાયેલો છે
તો એક સૂક્ષ્મ ભાગ એ આત્મા (પરમાત્મા-કે ઈશ્વર) સાથે જોડાયેલો છે.
પણ, ઉપર મુજબ,કામ (વાસના) કે જે માત્ર શરીર સાથે જોડાયેલ છે.તે માત્ર સ્થૂળ છે.
(પુરુષ) સ્થૂળ શરીર તેનાથી વિપરીત (સ્ત્રી) સ્થૂળ શરીરને ઈચ્છે છે.
ને જયારે,ક્ષણભર માટે તે બંને (સ્થૂળ) શરીર મળે છે ત્યારે તે એક બીજામાં ખોવાઈ જાય છે.
જો કે,આ ક્ષણભરના મિલનના આનંદ પછી,જુદાઈનો એક ઊંડો વિષાદ છવાઈ જાય છે.
તેમને,સદાયનો (શાશ્વત) આનંદ મળતો નથી પણ તેમને એવું લાગે છે કે-કૈંક મળ્યું ને ખોવાઈ ગયું !!
સ્થૂળ શરીરની આવી જ એક સીમા (હદ) છે,સ્થૂળ હોવાને લીધે તે એકબીજામાં મળી જઈ શકે નહિ.
જેવી રીતે,બરફના બે ટુકડાઓ એ સ્થૂળ હોવાને લીધે એકબીજામાં ભળી શકે નહિ,
પણ જો,તે જ બરફના ટુકડાઓનું પાણી બને (એટલે કે તરલતા આવે) તો બંને એકબીજામાં મળી જઈ શકે છે.
મનનો એક સૂક્ષ્મ ભાગ ઈશ્વર સાથે જોડાયેલ હોવાથી તે પાણી જેવું છે,
મનને જે પ્રતિ વાળવામાં આવે તે તરફ તે વળે છે.મન તરલ છે,તે મન પ્રત્યેક પળે બદલાય છે.
આમ,આ કામ (વાસના) એ શરીર જેવી છે અને શરીરની છે,તો પ્રેમ એ મન જેવો છે અને મનનો છે.
પ્રેમ શરીર માગતો નથી,પ્રેમ તો કહે છે કે-બીજાનું મન મળી જાય.
કોઈ એક પ્રેમીનું મન મળી જાય તો પછી એ બીજે ક્યાંય ફાંફાં નહિ મારે,
પણ કામવાસના-વાળા વ્યક્તિને તો માત્ર શરીરની માગ છે,એટલે તે શરીર માટે ફાંફાં માર્યા કરશે.
પ્રેમ ક્યારે ય ખરીદી શકાતો નથી પણ શરીર કદાચ ખરીદી શકાય પણ ખરું !!
મનની માગ પ્રેમની છે.તે સર્વસ્વ દઈ દેવા માટે તૈયાર છે,તે સર્વ લુટાવી દેવા તૈયાર છે.
આમ,જયારે બે મન મળી જાય છે,ત્યારે જે રસ પેદા થાય છે તે પ્રેમ છે અને,
જયારે બે શરીર મળે અને જે રસ પેદા થાય છે તે કામ (વાસના) છે.
હવે,ઉપર મુજબ પાણીના જેવું કલ્પેલું મન,કે જેનો સૂક્ષ્મ ભાગ જે આત્મા સાથે જોડાયેલ છે,
તે આત્માને,જો પાણીની વરાળ જેવો,કલ્પવામાં આવે તો-આ વરાળ થોડેક દુર સુધી કદાચ દેખાય,
પણ પછી,તો તે આકાશમાં ફેલાઈ જાય છે અને અદૃશ્ય થઇ જાય છે (આત્માનું પરમાત્મામાં મિલન કે ભક્તિ)
એટલે કે હવે મનના (પાણીના) જેવી કોઈ તરલ સીમા રહેતી નથી,
પણ હવે માત્ર,આત્મા (પરમાત્મા) જ છે જે અદૃશ્ય (નિરાકાર) છે.
આગળ કહ્યું તેમ,શરીરની માગ,એ શરીરની છે,શરીરના મિલનથી જે રસ પેદા થાય તે ક્ષણભંગુર છે,
મન(પ્રેમ) થી મન(પ્રેમ) મળે છે ને જે રસ પેદા થાય છે તે થોડોક સ્થાયી છે,કદાચ જીવનભર ચાલે.
પણ આત્માની માગ,શાશ્વતની (જેનો નાશ ના થઇ શકે તેની) છે,સનાતનની છે,ચિરંતનની છે.
આત્મા અને આત્માના મિલન થવાથી જે રસ પેદા થાય છે-તે છે 'ભક્તિ' કે જે શાશ્વત છે.
અને આ જ 'ભક્તિ' (પરમ-પ્રેમ-રૂપ-ભક્તિ) એ નિરાકાર ને નિરાકારમાં મેળવવાનું એક શાસ્ત્ર છે.
ભક્તિને 'પ્રેમ' ના ઉદાહરણથી જ સમજાવી શકાય છે.પણ અહીં માત્ર પ્રેમ નહિ પણ 'પરમ-પ્રેમ' કહ્યો છે.
તે પરમાત્મા (નિરાકાર ઈશ્વર) પ્રતિ પરમ-પ્રેમ એ જ 'ભક્તિ' છે.
આ પરમ-પ્રેમમાં (સ્થૂળ બરફના જેવી) કોઈ સીમા નથી,ક્ષણભંગુરતા નથી,કે સમય(કાળ)ની સીમા પણ નથી.
જાણે કે બંધ ઘરમાંથી બહાર નીકળીને,જો ખુલ્લા આકાશમાં ઉભા રહ્યા,તો ચારે બાજુ હવા (શક્તિ) સાથે
એકતા થઇ ગઈ.સૂરજના કિરણોનો (અજવાળાનો) વરસાદ થયો,પંખીઓના કલરવનો 'નાદ' થયો.
'તે'ના (નિરાકાર પરમાત્માના) પ્રતિ પરમ-પ્રેમનું આ શાસ્ત્ર છે,કે જે માત્ર તર્કથી સમજી શકાય તેવું નથી.
ફરી એક વાર,જો ટૂંકમાં કહેવામાં આવે તો-પરમ-પ્રેમ-રૂપા ભક્તિ (શુદ્ધ સોના)ના,
જયારે આભૂષણ બનાવવામાં આવે ત્યારે તે 'પ્રેમ' થઇ જાય છે.
અને આ (પ્રેમ-રૂપી) આભૂષણોને પિગાળી નાખવામાં આવે તો ભક્તિ થઇ જાય છે.
પણ જયારે પ્રેમના આભૂષણોને પિગાળવામાં આવે છે ત્યારે પ્રેમિકા અને પ્રેમી પણ પિગળી જાય છે.
પ્રેમિકા-અને પ્રેમીનું દ્વૈત (બે) જતું રહે છે અને માત્ર શુદ્ધ પરમ-પ્રેમ (ભક્તિ) જ બાકી રહે છે.
કહે છે ને કે-'લાલી દેખન મૈ ગઈ તો મૈ ભી હો ગઈ લાલ' કે ''પ્રેમ ગલી અતિ સાંકરી,તામે દો ના સમાય'
Click here to go to Index Page