May 7, 2022

દેવોના પૂજન (દેવાર્ચન)ની સાચી રીત

'યોગ વાસિષ્ઠ' પ્રકરણ-6 (નિર્વાણ પ્રકરણ-પૂર્વાર્ધ) ના સર્ગ-29 માં વસિષ્ઠ મુનિ શિવજીને પ્રશ્ન કરે છે-

કયા પ્રકારથી દેવ-પૂજન (દેવાર્ચન) કરવું જોઈએ?કે જેથી પાપોનો નાશ થાય ને કલ્યાણ થાય?

ત્યારે શિવજી (સદાશિવ) કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,ખરા (સાચા) દેવ કોણ છે? એ તમે જાણો છો?

હું (શિવજી),બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર,વાયુ,સૂર્ય,ચંદ્ર કે અગ્નિ -એ કોઈ પણ ખરા દેવ (ઈશ્વર) નથી.

તે જ રીતે,બ્રાહ્મણ,રાજા,રુદ્ર (શિવજીનો અવતાર) કે તમે પણ ખરા દેવ નથી.


જે કોઈ દેહ રૂપે (કે ચિત્ત-રૂપે) હોય તે દેવ (ઈશ્વર) હોવાનું સંભવી શકે જ નહિ.

જે શોભતું હોય (કે શોભારૂપ દેખાતું હોય) કે બુદ્ધિ-રૂપ હોય,તે સાચો દેવ (ઈશ્વર) હોઈ શકે નહિ.

દેશ-કાળ કે વસ્તુથી જે મર્યાદામાં આવતો હોય તે સાચો દેવ (ઈશ્વર)કેવી રીતે હોઈ શકે?


એટલે,જો,સત્યથી જોવામાં આવે તો,આદિ-અંત (મર્યાદા)થી રહિત,જે નિરાકાર ચૈતન્ય-પ્રકાશ છે-અને 

આ સઘળું જગત,જે પરમાત્માની સત્તાથી સત્તા પામ્યું છે,

તે જ સાચો દેવ (ભગવાન-ઈશ્વર-પરમાત્મા કે બ્રહ્મ) છે.માટે તેનું (સાચા દેવ કે ઈશ્વર) જ પૂજન કરવું જોઈએ.


(નોંધ-આમ,વાસ્તવમાં (સત્યમાં) જે દેહ (શરીર કે મૂર્તિ) કે ચિત્ત-રૂપ હોય,તે ભગવાન (ઈશ્વર) હોવો સંભવે જ નહિ.

હા,સર્વમાં ભગવાન રહેલા છે-એ રીતે જોઈએ તો તે ભગવાન છે,ને જગતની સર્વ વસ્તુઓમાં પણ ભગવાન છે.

દેવ-દેવી કે દેવ-દેવીની મૂર્તિ -એ-ભગવાન (ઈશ્વર કે પરમાત્મા) નથી પણ મૂર્તિમાં ભગવાન છે.

સત્યમાં,આ ભગવાન,'ખોળવા'થી મળતો નથી,પણ,તેને 'ઓળખવા'ની જરૂર છે?

ગીતામાં (અધ્યાય-7-24)માં શ્રીકૃષ્ણ કહે છે કે-મારા ઉત્કૃષ્ટ,અવિનાશી,નિરાકાર ભાવને ન જાણનાર અજ્ઞાની લોકો,

'હું (બ્રહ્મ તરીકે) અવ્યક્ત (કે નિરાકાર) હોવા છતાં મને સાકાર (દેવ) માને છે (ને મારી અવગણના કરે છે!!)


જેમ,ચાર માઈલ ચાલવા જેટલી જેની શક્તિ હોય નહિ-

તેને તેના ગજા પ્રમાણે એક ગાઉ (માઈલ) ચાલવાનું કહેવામાં આવે છે-

તેમ,જેઓને "ચૈતન્ય-પ્રકાશ-રૂપ-સાચા-પરમાત્મા" (સાચા દેવ) નું જ્ઞાન નથી-

તેઓને માટે શાસ્ત્ર-કારોએ તેમના જ્ઞાનની મર્યાદા પ્રમાણે,સાકાર (દેવો કે મૂર્તિ) વગેરેનું પૂજન કહેલું છે.


(રુદ્ર-આદિ) સાકારોનું પૂજન કરવાથી અમુક જ (કૃત્રિમ) ફળ મળે છે,પણ,

ચૈતન્ય-પ્રકાશ-રૂપ-આત્મા (પરમાત્મા) નું પૂજન કરવાથી તો-આદિ-અંતથી રહિત-સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે.

કે જે સ્વરૂપાનંદ અકૃત્રિમ છે, જે પુરુષ આવા અકૃત્રિમ ફળને ત્યજી દઈને કૃત્રિમ ફળ લેવા દોડે છે-

તે પુરુષ,કલ્પવૃક્ષના વનને ત્યજીને કાંટાવાળા વનમાં જાય છે તેમ જ સમજવું.


એટલે,નિર્મળ,નિરતિશય,આનંદ-રૂપ જે ચૈતન્ય માત્ર આત્મા છે,તે જ પૂજ્ય (પૂજવાલાયક) છે-

એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલો છે.


ઉપશમ,બોધ,સમતા-આદિ-પુષ્પો-રૂપીથી આત્મા-રૂપ દેવનું અર્ચન કરવું એ જ સાચું પરમાત્માનું પૂજન છે,

પણ આકારનું (મૂર્તિ-કે મનુષ્ય-વગેરે-રૂપી આકાર નું) પૂજન કરવું તે સાચું પરમાત્માનું પૂજન નથી.

એટલે,જે લોકો આત્મા-રૂપ-પરમાત્માનું પૂજન ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે,

તેઓ લાંબા કાળ સુધી કલેશને પ્રાપ્ત થયા કરે છે.


જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે-એવા મહાત્માઓ કદાચિત,આત્મ-ધ્યાન ત્યજી દઈને,

સાકાર દેવ (મૂર્તિ-વગેરે) નું પૂજન કરતા જોવામાં આવતા હોય-તો

તેઓ બાળકોની જેમ લીલા કરે છે-તેમ સમજવું.


જે સર્વના કારણભૂત અને પરમ શિવ-આત્મ-સ્વ-રૂપ-પરમાત્મ-દેવ છે-

તેનું જ સર્વદા અખંડિત રીતે,પૂજન કરવું જોઈએ.

આમ,આત્મા જ પૂજ્ય છે-અનાત્મા પૂજ્ય નથી-કેમ કે બોધ-રૂપ આત્મ-પૂજન-તે જ મુખ્ય પૂજન છે.