Oct 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1289-END

અગસ્તિ (સુતીક્ષ્ણને) કહે છે કે-કારુણ્યે તે પછી વિવાહ કર્યો અને કર્માંધિકારને પ્રાપ્ત થઇ,યથોચિત કાળમાં
ન્યાયને અનુસરીને વ્યવહારનાં કર્મો કરવા લાગ્યો.હે સુતીક્ષ્ણ,જ્ઞાન થયા પછી થતા એવા કર્મના સંબંધમાં,
એ કર્મ બંધન-કારક થશે એવો સંશય રાખવો નહિ,કેમ કે સંશયને લીધે સ્વાર્થથી ભ્રષ્ટ થવાય છે.
જેના આત્મામાં સંશય હોય તે પુરુષ છેવટે વિનાશને (અનિષ્ટ પરિણામને) પ્રાપ્ત થાય છે.

સુતીક્ષ્ણ: હે ગુરૂ મહારાજ,મારું અજ્ઞાન અને તેનું કાર્ય-એ બંને નાશ પામ્યા છે.મને ઉત્તમોત્તમ જ્ઞાન લાધ્યું છે.
સર્વના સાક્ષી-રૂપ અવિનાશી એવા સ્વયંપ્રકાશ પરમાત્મા પોતે ધ્રુવ તથા નિષ્ક્રિય છે,છતાં આભાસ-રૂપે સ્ફુરિત
થાય છે અને તેમના પ્રકાશથી ચેષ્ટા-રૂપે પ્રતીતિમાં આવતી એવી સર્વ ચિત્તથી થનારી ક્રિયાઓ થાય છે.
જળની અંદર જેમ તરંગોના સમૂહો અભિન્ન સત્તાથી ઉત્પન્ન થાય છે,તેમ એ પરમતત્વમાંથી જ આ સર્વ દૃશ્ય
સ્ફુરે છે.કે જે દૃશ્ય (જગત) પરમતત્વ રૂપ જ છે કે જે તત્વ વસ્તુતઃ પૂર્ણસ્વરૂપમાં પૂર્ણરૂપે રહેલ છે.

હું યથાપ્રાપ્ત વ્યવહારને અનુસરીશ,કેમ કે સત્પુરુષના વચનનું કોણ ઉલ્લંઘન કરે? હે મહારાજ,આપની કૃપાથી
હું જ્ઞાતજ્ઞેય (જાણવાનું જેણે જાણી લીધું છે તેવો) થઇ રહ્યો છું.હું કૃતાર્થ થયો છું.
હું આપને દંડવત પ્રણામ કરી નમન કરું છું.શિષ્યના કયા કર્મ વડે ગુરુના કરેલા ઉપકારનો બદલો વાળી શકે
તેમ છે? માટે શિષ્યે મન,વચન,કર્મથી ગુરુને આત્મનિવેદન કરવું,તે જ તેના ઉપકારનો બદલો છે.
બાકી કોઈ બીજા કર્મથી ગુરુના ઉપકારનું ઋણ વળતું નથી.

હે ભગવન,આપની કૃપાથી આ સંસારસાગરને હું તરી ગયો છું અને પૂર્ણ આનંદભાવથી આ જગતના સમૂહને
પરિપૂર્ણ દેખતાં નિઃસંશય થઇ રહ્યો છું.જે 'બ્રહ્મ' સામવેદમાં 'સર્વ ખલ્વિદં બ્રહ્મ તજ્જલાન'
(એટલે કે આ સર્વ બ્રહ્મમાંથી ઉત્પન્ન  થાય છે અને પાછો તે બ્રહ્મમાં જ તેનો લય થાય છે ને બ્રહ્મથી જ તેનું
પાલન થાય છે તેથી આ સર્વ બ્રહ્મ-રૂપ જ છે)
એવી શ્રુતિ વડે અપરોક્ષ અનુભવમાં આવે છે,એમ વર્ણવાય છે,તે બ્રહ્મ-રૂપ-પ્રત્યક-ચૈતન્યને પ્રણામ હો.

બ્રહ્માનંદ-રૂપ,પરમ સુખ આપનાર,જ્ઞાનમૂર્તિ,દ્વંદ્વને ઉલ્લંઘી રહેલ,નિર્વિકાર,'તત્વમસિ' આદિ વાક્યોના
લક્ષ્યાર્થ-રૂપ,એક,નિત્ય,નિર્મળ,સર્વની બુદ્ધિના સાક્ષી-રૂપ,ભાવોનું ઉલ્લંઘન કરી રહેલા
ને ત્રિગુણથી રહિત એવા વસિષ્ઠજીને અમે પ્રણામ કરીએ છીએ.

નિર્વાણ-પ્રકરણ-ઉત્તરાર્ધ સમાપ્ત
યોગ વાસિષ્ઠ સમાપ્ત

પરમાત્માની અસીમ કૃપાથી જ લગભગ ચાર વર્ષે,અહીં યોગવાસિષ્ઠ લખાયું છે.
પરદેશમાં સતત યોગવાસિષ્ઠના સત્સંગનો જે આનંદ મળ્યો છે તે અવર્ણનીય છે.
અહીં લખવામાં જો કોઈ ક્ષતિ દેખાય તો તે મારી છે,(યોગ-વાસિષ્ઠ ગ્રંથની નહિ !!) ને તે માટે ક્ષમા-પ્રાર્થના.

વંદન.
અનિલ પ્રવીણભાઈ શુક્લ,
ઓક્ટોબર-૨૦૧૮
(www.sivohm.com) (anilshukla1@gmail.com)

   PREVIOUS PAGE          
        END       
      INDEX PAGE