Oct 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1284

શિષ્ય : હે મહારાજ,જો દૃશ્ય(જગત) નથી તો પછી દૃશ્યના આકારે શી વસ્તુ ભાસે છે?
અને પાછો બોધ થઇ ગયા પછી તે દૃશ્ય કેમ ભાસતું નથી?કઈ વસ્તુનું એ રૂપ છે? ચિદાકાશનું કે કોઈ બીજાનું?

ગુરૂ : જેમ,છીપ,પોતાના ચકચકિતપણાથી રૂપાના આકારે સ્ફુરે છે,તેમ પોતાની સત્તાના બળથી,
આ સ્વચ્છ ચિદાકાશ જ જે કંઈ વિવર્ત (આભાસ કે વિલાસ) ના આકારે સ્ફુરે છે-તે જ જગતના નામે ભાસે છે,
બાકી જગત એ કોઈ બીજી વસ્તુ નથી,પણ ચિદાકાશ-રૂપ-વસ્તુનું (આભાસથી ભાસતું) એક સ્વરૂપ જ છે.
જેમ એક જ અવયવીનું સ્વરૂપ,શ્વેત (સફેદ) અને કૃષ્ણ(કાળાશ) એ બંને વડે યુક્ત હોય છે,
તેમ,પરમાત્માનું પોતાનું ચિદાકાશ-રૂપી-શરીર જ સૃષ્ટિ અને પ્રલય-એ બંને-રૂપે રહેલું છે.
વસ્તુતઃ તો તેના વિવર્તનું પ્રસરવું (સૃષ્ટિ) અને તેનું સમેટાઈ જવું (પ્રલય) એવી જ 'કલ્પના' કરવામાં આવી છે.

જેમ,દર્પણમાં પ્રતિબિંબ-રૂપે દેખાતાં,બિંબ-પ્રતિબિંબ-રૂપે તમે જુદાજુદા (બે)જણાઓ છો,
પણ બિંબ-પ્રતિબિંબ-ભાવરૂપી ભેદનો ક્ષય થઇ જતાં,તમે એક જ છો.તમારા બિંબ-સ્વરૂપમાં કશો ક્ષય કે
ઉદય થતો નથી,તેમ,સ્વચ્છ બ્રહ્મ પણ સૃષ્ટિ અને પ્રલયમાં એક જ રૂપે હોવાથી તેનો ક્ષય કે ઉદય થતો નથી.
જેમ,સ્વપ્નમાં દૃષ્ટાને દેખાતું જગત,જાગ્રત અને સુષુપ્તિમાં બાધિત થઇ જતાં નિઃશેષ રીતે શાંત થઇ જાય છે,
તેમ આ આપણું જગત પણ જ્ઞાન વડે બાધિત થઇ જતાં નિઃશેષપણે શાંત થઇ જાય છે.

'એ બાધિત થઇ ગયેલી સ્વપ્ન-સૃષ્ટિ બીજા પ્રદેશાંતરમાં તે પ્રમાણે જ કાયમ છે કે બીજા પુરુષોના જીવાકાશમાં
આપણી એ સ્વપ્ન-દૃષ્ટિ રહેશે' એવી શંકા યોગ્ય નથી,કેમ કે બોધ-દૃષ્ટિ વડે તે વાસ્તવિક જણાતી નથી.
આપણી વાસનામય એવી એ સ્વપ્ન-સૃષ્ટિ આપણા જ ચિદાકાશમાં(જીવમાં) રહેવાનો સંભવ છે પણ
અબાધિત અવસ્થામાં પણ તે બીજાના જીવમાં હોતી નથી.જેમ અહીં આપણા ચિદાકાશનો (જીવનો)
વિવર્ત,તેની કલ્પેલી સૃષ્ટિનો ક્ષય થઇ જતાં ક્ષીણ થઇ જાય છે (ઘડાકાશ મહાકાશમાં મળી જાય છે!!)
તેવું જ બીજાના ઉદાહરણમાં પણ બને છે,તો તેમાં કયા પ્રમાણની આશા રાખવી?

શિષ્ય : જો એમ જ હોય તો પછી જે સ્વપ્ન-દૃષ્ટા પુરુષના કરતાં જુદો બીજો જાગતો પુરુષ પણ દૃશ્યનો અનુભવ
કરે છે,તેમ પ્રલયકાળમાં પણ બીજા કોઈ પુરુષને જગત આદિનો અનુભવ થાય ખરો-એમ હું માનુ છું.

ગુરૂ : તમે કહો છો તેમ જ છે,પ્રલયકાળમાં પણ (આગળ ઐન્દ્વાખ્યાનમાં જણાવ્યા મુજબ) જગતના સદભાવની
પ્રતીતિ થાય છે ખરી,પરંતુ જગત ચિદાકાશનું સ્વરૂપ નથી પણ ચિદાકાશમાં અધ્યાસને લીધે તે દેખાય છે,
તો  કોઈ બીજા (જ્ઞાનીઓને) અધ્યાસના અભાવે દેખાતું નથી.આમ વસ્તુતઃ જોતાં તો કશું પણ ભાસતું નથી
તેથી તે તુચ્છ (મિથ્યા) છે,ને તેમનું કશું સત્ય નથી.પણ તે ચિદાકાશનો વિવર્ત-માત્ર જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE