Oct 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1283

(૨૧૩) સર્વ બ્રહ્મસ્વરૂપ છે
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,હમણાં તમે જે  જગતતત્વ ને આત્મતત્વ વિષે પૂછો છો,તે જ તમે મને પૂર્વજન્માંતરમાં
પૂછ્યું હતું.તે વખતે પણ આપણા બંનેનો ગુરૂ-શિષ્યભાવ હતો.કોઈ એક પૂર્વકલ્પમાં હું ગુરૂ-રૂપ અને તમે શિષ્ય-રૂપ
થયા હતા ત્યારે તમે મારી પાસે શિષ્ય-રૂપે બેઠા હતાં અને વિશાળ ધીર-બુદ્ધિવાળા હતા,
તે સમયે તમે મને નીચે મુજબ પૂછ્યું હતું.

શિષ્ય : હે મહારાજ,આ સર્વ જગતના સંબંધમાં મારો એક અતિશય સંશય છે,તે આપ નિવૃત્ત કરો.
મહાપ્રલયમાં શી વસ્તુ નાશ પામે છે? અને શી વસ્તુ નાશ પામતી નથી?

ગુરૂ : હે પુત્ર,જેમ સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયેલા પુરુષનું સ્વપ્નનગર,એક સાક્ષી ચૈતન્ય સિવાય,નિઃશેષ પણાને પ્રાપ્ત
થાય છે,તેમ,આ સર્વ દૃશ્ય પ્રલયકાળમાં તત્કાલ નાશને પ્રાપ્ત થાય છે,અને ક્રિયા,કાળ કે ક્રમ-એ કશું પણ અવશેષ રહેતું  
નથી.સર્વ પ્રાણીઓ નષ્ટ થઇ જાય છે અને સર્વ જગતના આભાસ સહિત એવું આકાશ,
(અવ્યાકૃતમાં લીન થઇ ગયેલું હોવાથી) ભોક્તાના અસંભવને લીધે નાશને પ્રાપ્ત થાય છે.

કારણોના પણ કારણ એવા બ્રહ્મા,વિષ્ણુ,મહેશ-આદિનું નામ પણ મહાપ્રલયમાં અવશિષ્ટ રહેતું નથી.
અવિનાશી ચિદવસ્તુનો (ચિદાકાશનો)સૃષ્ટિ-રૂપી વિવર્ત નષ્ટ પામે છે એટલે એકમાત્ર ચિદાકાશ જ રહે છે.
એમ અનુમાન કરી શકાય છે,કેમ કે પોતાની અંદર આરોપિત સૃષ્ટિના અનુભવના હેતુ-રૂપ-ચિદાત્મા વડે જ
સર્વ પ્રપંચ-શૂન્ય પ્રલયકાલની શેષ-પણું સિદ્ધ થાય છે.

શિષ્ય : જે વસ્તુ અસત છે તેની સત્તા સંભવતી નથી અને જે સત્ય છે તેનો નાશ સંભવતો નથી,
તો પછી વિસ્તારવાળું હોય એ પ્રકારે દેખાતું આ વિદ્યમાન જગત ક્યાં ચાલ્યું જાય છે?

ગુરૂ : હે પુત્ર,તારું આ જે કહેવું છે તે યોગ્ય નથી કેમ કે આ જગત તો નાશ પામે જ છે,
તેથી તે નથી જ-એમ જણાય છે,કેમ કે અસત પદાર્થની સત્તા અને સત્ય વસ્તુનો નાશ કોઈ કાળે થતો જ નથી.
જે કંઈ વસ્તુતઃ છે,તે કોઈ દેશ-કાળમાં અસત્ય થતું નથી તો પછી તેની સત્તા,અસત્યતાને કેમ ધારણ કરે?
ઝાંઝવાનું જળ ક્યાં રહ્યું છે? રજ્જુમાં સર્પની  ભ્રાંતિ વડે થતો અનુભવ ક્યાં વાસ્તવિક હોય છે?
જો આ સર્વ દૃશ્ય ભ્રાંતિમાત્ર છે,અસત્ય છે અને સ્વપ્નનગરની જમ ભાસ્યા કરે છે તો તે શા માટે બાધિત ના થાય?
જેમ સ્વપ્નનગર (જાગ્રત થતાં)બાધિત થઇ જતાં કોણ જાણે ક્યાં ચાલ્યું જાય છે-તે હું જાણી શકતો નથી,
તેમ,જગત-રૂપી-દૃશ્ય,એ જ્ઞાન વડે બાધિત થઇ જતાં, ક્યાં જતું રહે છે તે પણ હું જાણી શકતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE