Oct 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1278

વસિષ્ઠ : જપ,તપ,કર્મ,દાન-આદિ નિરવયવ (નિરાકાર) છે તો તેમનું પરલોકમાં મૂર્તિમાન ફળ શી રીતે મળે છે?
એ પ્રશ્નના અનુસંધાનમાં હું હવે કહું છું તે તમે સાંભળો.
ચિદાત્માએ જ આકારની કલ્પના કરી છે.તેથી દાન-આદિના સંસ્કાર વાળી 'બુદ્ધિ' વડે યુક્ત એવા નિરવયવ
જીવો,તેમના સંકલ્પ-બળથી,પરલોકમાં (સ્વપ્નની જેમ) મૂર્તિમાન જણાતા ફળને (કલ્પનાથી) પ્રાપ્ત થાય છે.
બાકી વસ્તુતઃ જોતાં જન્મ-આદિ વિકારથી રહિત ચિદાત્માનો એક વિવર્ત જ છે.
ભ્રાંતિ જ પદાર્થોનો અનુભવ અને અનુભવનો અભાવ-એ બંને રૂપ થઇ રહે છે.
અને એ ભ્રાંતિની શાંતિ થતાં ચિદાત્મા પોતાના નિર્મળ-નિરાકાર-શાંત સ્વરૂપમાં સ્થિર થઈને રહે છે.

આ કલ્પનામય સંસારની અંદર દાન કરવાથી અથવા નહિ કરવાથી સ્વાભાવિક એવો સંકલ્પ જ
ભોગ-ઐશ્વર્ય-આદિ (તે દાનના ) ફળરૂપ છે.તે પણ વાસ્તવિક રીતે તો ચિન્માત્ર જ છે.
હે રાજા,આ સર્વ જે પ્રમાણે તેં મને પૂછ્યું,તે પ્રમાણે મેં તને કહ્યું.
આ સર્વ જગત નિરવયવ જ છે અને તે ચિન્માત્ર-તત્વની એક કલ્પના જ છે.

રાજા કહે છે કે-હે મહારાજ,સૃષ્ટિના આદિ-કાળમાં દેહ-શૂન્ય ચૈતન્ય અને તેની કરેલી દેહ-કલ્પના,એ બંનેનું
ભાન શી રીતે થાય? કેમ કે આધાર (જેમ કે ભીંત) વિના આધેય (જેમ કે દીવો) નો પ્રકાશ સંભવતો નથી,

વસિષ્ઠ કહે છે કે-હે રાજા, જેમ આકાશમાં શિલાનું નૃત્ય ન હોય,તેમ,'દેહ' શબ્દના અર્થને તમે જે સમજો છો,
તે તત્વજ્ઞ પુરુષની દૃષ્ટિમાં સાવ છે જ નહિ.જે અર્થ 'બ્રહ્મ' શબ્દનો છે તે જ અર્થ 'દેહ' શબ્દનો છે.તેમાં કશો ભેદ નથી.
સ્વપ્નની જેમ પ્રતીતિમાં આવતો આ દેહ બ્રહ્મ-રૂપ જ છે.અહી હું જે સ્વપ્નનું દૃષ્ટાંત આપું છું તે તમને જ્ઞાન થવા માટે
એક પ્રકારની યુક્તિ છે,બાકી સ્વપ્નનું પણ સર્વ અંશે સાદૃશ્ય ન સમજવું.(આમ છતાં)સ્વપ્ન એ તમારો અનુભૂત વિષય છે,
એટલે તેના દૃષ્ટાંતથી તમને બરાબર જ્ઞાન થાય તે માટે તેમ કહેલું છે.
બાકી ચિદાત્મા વડે પ્રકાશતી એવી આ સૃષ્ટિ,સ્વપ્ન-રૂપી-બાધિત અર્થ સાથે,સાદૃશ્ય નથી.

વસ્તુતઃ તો આ દેહ પણ ક્યાં છે? ને સ્વપ્નની ભ્રાંતિ પણ ક્યાં છે? પરંતુ પ્રબુદ્ધ પુરુષનો (સ્વપ્નના જેવો જ)
અનુભવના આવતો એવો આ ભ્રમ,જો સ્વપ્નના દૃષ્ટાંતથી કહેવામાં આવે,તો અવિવેકીઓને બરાબર સમજવામાં આવે
તે માટે તેમ કહેવામાં આવે છે.તત્વદૃષ્ટિમાં તો જાગ્રત,સ્વપ્ન,સુષુપ્તિ કે એવું બીજું કશું પણ નથી,
પરંતુ આ જે કંઈ અનિર્વચનીય ભાન થાય છે તે નિર્વિકલ્પ ચિદાકાશ-રૂપ છે,તેને 'તુરીય-પદ' વડે ઓળખવામાં આવે છે,
તથા તેની પ્રાપ્તિમાં સર્વ પુરુષાર્થોની સીમા (અંત) આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE