Oct 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1276

પ્રયાગ આદિ (મનોરથ સાધી આપનાર)ક્ષેત્રમાં જો કોઈ એક જ પુરુષનું તેના કોઈ એક મિત્રે જીવિત ચિંતવ્યું હોય
કે તેના કોઈ એક શત્રુએ મરણ ચિંતવ્યું હોય,તો તે પુરુષ એ બંનેનાં કર્મ વડે ભોગપ્રાપ્તિનો અધિકારી બને છે.
એ પુરુષ પોતાના તરફ શુભ લાગણીવાળા મિત્રે જે પ્રમાણે તે ક્ષેત્રમાં પ્રાર્થના કરેલી હોય તે પ્રમાણે પોતાના
આત્માને એક શરીર વડે અજરામર અને દુઃખ-રહિત દેખે છે,અને પોતાના યથાસ્થિત શરીર વડે જીવિતની
સ્થિતિને અનુભવે છે.વળી તે ક્ષેત્ર-પુણ્યના માહાત્મ્ય જાણનારા શત્રુએ તેના મરણ માટે પ્રેરણા કરેલી છે,
એટલે તે પોતાના સ્નેહીઓને નહિ દેખાતા એવા અદૃશ્ય એવા મરણને પણ અનુભવે છે.

શત્રુએ જો મરણ ચિંતવ્યું હોય તો એવા પુરુષને તત્કાલ મરણનો અનુભવ કરવો પડે છે છતાં તેના મિત્રો
તેને અમર-રૂપે દેખે છે,એવી રીતે તે એક જ પુરુષ એક જ સમયે જીવિત અને મરણ એ બંનેને પ્રાપ્ત થાય છે.
આ ત્રણે લોક ભ્રાંતિમાત્ર છે અને નિરવયવ હોવા છતાં આરંભવાળા છે.હવે તે ભ્રાંતિની અંદર એક ભ્રમથી
વિરુદ્ધ એવો કયો બીજો ભ્રમ સંભવતો નથી? સ્વપ્નમાં અને સંકલ્પમાં જે ભ્રાંતિ અનુભવમાં આવે તેનાથી
આ જગતની ભ્રાંતિ અધિક છે,કંઈ ઓછી નથી.

રાજા કહે છે કે-હે મહારાજ,ધર્મ-અધર્મ જો નિરાકાર છે,તો તે દેહના અનુભવમાં કેમ કારણ-રૂપ થાય છે?
ને ધર્મ-અધર્મનું નિરાકારપણું હોવાથી એક જ વસ્તુ બે શરીરને કેમ ધારણ કરી શકે?

વશિષ્ઠ : જો આ જગત એ બ્રહ્માના સંકલ્પ-રૂપ જ છે તો તેમાં સત્ય હોય કે અસત્ય હોય-એવું સર્વ સંભવે છે.
જેમ,સ્વપ્ન અને સંકલ્પ-નગરમાં એક જ મનુષ્ય,લાખો મનુષ્ય-રૂપે થઇ જાય છે,સ્વપ્નમાં હજારો-રૂપે થઇ રહેલું
છતાં એક જ ચૈતન્ય એ સુષુપ્તિમાં એક-રસ થઇ જાય છે.ચિદાત્માનો જ આ સર્વ વિલાસ (વિવર્ત) છે,
એમ માન્યા વિના (આ વસ્તુ સમજવા માટે ) બીજો કોઈ રસ્તો નથી.

આ જગત અનુભવ-રૂપ છે,ચિદાકાશ-રૂપ છે અને તેથી ચિદાકાશના સંકલ્પ-રૂપ એવા આ જગતના
સ્વરૂપની અંદર શું સંભવતું નથી? અને વસ્તુતઃ જોવામાં આવતાં શું સંભવી પણ શકે? (સર્વ ભ્રાંતિ જ છે)
અહી કંઈ સત નથી,અસત નથી કે થોડી સત્યતાવાળું પણ નથી.પ્રબુદ્ધ એવા તત્વદર્શી પુરુષને જે વસ્તુ
જે પ્રમાણે અનુભવમાં આવે છે,તે પ્રમાણે ભલે સુખથી હો ! તત્વજ્ઞને તેથી શું લાભ-હાનિ છે?

'જો અહીં ધર્મ-આદિ પુણ્ય કર્યું હોય તો સ્વર્ગમાં દેવતાઓને ઉપભોગ કરવા યોગ્ય વસ્તુ મળે છે'
એવું શાસ્ત્ર દ્વારા જાણી,તેને અનુસરીને દૃઢ સંકલ્પ  કર્યો હોય,તો સ્વર્ગમાં તેને તેવા ભોગની પ્રાપ્તિ શા માટે ના થાય?
જો આ વાત મિથ્યા છે અને બંધબેસતી ના લાગતી હોય,તો અહીં જે કર્મ કરવામાં આવે છે તે પરલોકમાં
ભોગવાય છે-એ વાત માનવામાં પણ તેવો જ ગૂંચવાડો છે.કેમ કે સંકલ્પનગરમાં સર્વનું અવાસ્તવપણું અનુભવમાં
આવે છે.જો કદાચિત કોઈ વસ્તુ સત્ય હોય તો હજી તેમાં-તે  વાસ્તવિક છે કે વાસ્તવિક નથી-એવો વિચાર કરવો ઘટે,
પણ ચિદ-રૂપપણાથી પોતાનો આત્મા જ સર્વ દૃશ્યના આકારે થઇ રહ્યો હોય-ત્યાં બીજું શું વિચારવાનું?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE