Oct 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1269

(૨૦૩) બ્રહ્મ જ સત્ય છે,જગત નહિ
વસિષ્ઠ : હે રામચંદ્રજી,તમને બોધની પુષ્ટિ થાય માટે તે સંબંધી આ મહાપ્રશ્ન વિષે કહું છું તે તમે સાંભળો.
તમે જે પ્રશ્ન પૂછ્યો છે તેવો જ પ્રશ્ન પૂર્વે મને કોઈએ પૂછ્યો હતો.તે વિષે હવે હું કહું છું.
ત્રણે લોકમાં વિખ્યાત એવો કુશદ્વીપ નામનો દ્વીપ  છે,તેમાં ઈલાવતી નામની સુવર્ણ નગરી છે,તેમાં પ્રજ્ઞપ્તિ
નામનો એક પ્રખ્યાત રાજા થયો હતો.કે જે સ્વર્ગમાં રહેનાર બીજો ઇન્દ્ર હોય તેવો દેખાતો હતો.
એક વખત હું તે રાજા પાસે ગયો ત્યારે તેણે મારી પુષ્પ-આદિ વડે પૂજા કરી બેસવા આસન આપ્યું.
પછી કોઈ કથાના પ્રસંગમાં તેણે મને પ્રેમથી પૂછ્યું કે-

હે મહારાજ,પ્રલયકાળમાં સર્વનો સંહાર થઇ જાય છે,અવર્ણનીય પરમાકાશ શૂન્ય-રૂપે ફેલાઈ જાય છે,
અને સર્વ 'કારણો'નો ક્ષય થઇ જાય છે ત્યારે ફરીવાર સૃષ્ટિનું મૂળ 'કારણ' શું છે? તે વિષે આપ કહો.
તેનાં સહકારી કારણો પણ શાં છે? અને કદાચિત તે કારણો હોય તો પણ તે ક્યાંથી,શી રીતે અને
કયા પ્રકારે ઉત્પન્ન થયાં છે? તે કારણોના સૃષ્ટિ-આદિ વિકારો પણ શું છે? અનેક પ્રકારની સૃષ્ટિઓની
વિચિત્રતા પેદા થવાનું શું કારણ છે? તેમાં કેટલાક આકાશના ઉદરમાં રહેલા છે તો કેટલાક શિલાના ઉદરમાં રહેલા છે,
તે સર્વ ક્યાંથી છે?અને તે શું છે? વળી પંચમહાભૂતો અને ચાર પ્રકારનાં પ્રાણીઓ-બુદ્ધિ-આદિ અધ્યાત્મિક પદાર્થો શું છે?

આ સર્વનું નિર્માણ કરનાર કોણ છે? તેના દૃષ્ટા કોણ છે?એના આધાર-આધેય ભાવ પણ કેમ અને કેવી રીતે છે?
જો કદાચિત વેદ-શાસ્ત્રના અર્થ સાથે વિરોધ ના આવે તે માટે 'જગતનો કોઈ દિવસ પ્રલય નથી' એવો દૃઢ નિશ્ચય
કરવામાં આવે-તો પણ સર્વ અનુભવ,તો સંકલ્પ-રૂપની સ્ફૂર્તિને અનુસરીને જ કરવામાં આવે છે
તો એ સંકલ્પની સ્ફૂર્તિને (પ્રવાહ-રૂપે) અવિનાશી ગણવી?કે મિથ્યા ગણવી? એ વિષે આપ કહો.

બીજું,હે મુનિશ્રેષ્ઠ,મરી ગયેલાં અને બળી ગયેલાં એવાં પ્રાણીઓને નરક-કે સ્વર્ગના ભોગ માટે દેહની ઉત્પત્તિ
થવાનાં(તે કારણોથી રહિત એવા પ્રદેશમાં (પરલોકમાં) કારણો કે સહકારી કારણો કયાં છે?
ધર્મ અને અધર્મ તો નિરાકાર છે,તેથી પરલોકમાં તે દેહ-આદિ સાકાર-રૂપે થાય એમ સંભવતું નથી,વળી,
તે બંને પાર્થિવ-આદિ દ્રવ્ય-ભાગથી રહિત છે,તેથી તે દેહની રચના કરે તે પણ સંભવિત નથી.

માત-પિતાના અભાવને લીધે,પરલોકમાં એવું કયું બીજ છે?કે તે કારણ-રૂપ કહેવાય? કે પછી બીજા કયા હેતુઓ છે?
ને દ્રવ્ય-આદિનો સંભવ શી રીતે છે? ધર્મ કે અધર્મ આચરનારા જીવને પરલોક મળતો નથી એ વાત પણ બંધબેસતી
થતી નથી કેમ કે આ જન્મ,પૂર્વ-જન્મની અપેક્ષાએ પરલોક જેવો જ છે અને પ્રત્યક્ષ અનુભવે અનુસરીને સ્થિર થઇ
રહેલો છે,તેથી જો પરલોક ન માનીએ તો સર્વ લોક તથા વેદ આદિમાં વિરોધ આવે છે,એટલે આ વાત અયુક્ત લાગે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE