Sep 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1261

વસિષ્ઠ : હે રામચંદ્રજી,તમે પરમાર્થને મેળવી લઇ,રાગ-દ્વેષ-આદિ દોષોને છોડી દઈ,ઉદય પામેલા આત્મજ્ઞાનથી
સુશોભિત બની અને અને બુદ્ધિને સમાન રાખી નિઃશંકપણાથી શોકરહિત થઈને રહો,કેમ કે જન્મ-મરણથી રહિત
એવા પરમ-પદ-રૂપ તમે પોતે જ છો.નિર્મળ બ્રહ્મ-રૂપ એવા જગતની અંદર પ્રકૃત્તિ-રૂપ,મળ-રૂપ,વિકાર-રૂપ,
ઉપાધિ-રૂપ,બોધ-રૂપ-આદિ કશું કોઈ જગ્યાએ છે જ નહિ,પણ અનાદિ-સિદ્ધ-સ્ફુટ-ચિદ-રૂપ બ્રહ્મ જ છે,
અને 'તે બ્રહ્મ હું પોતે જ છું' એમ માની તમે સુખેથી નિઃશંક થઈને રહો.
તમને જ્ઞાનનો બોધ કરવા માટે આથી વિશેષ બીજું કંઈ ઉપદેશ-રૂપ કહેવાનું (બાકી રહ્યું)નથી.
મેં તમને સમગ્રપણે જ્ઞાનો સાર કહી બતાવ્યો છે,અને હવે તમે જે જાણવાનું છે તે જાણી પણ લીધું છે.

(૨૦૦) સિદ્ધોનાં વખાણ

વાલ્મીકી કહે છે કે-આમ,નિર્વાણ-સંબંધી બોધની સમાપ્તિ થતાં,વસિષ્ઠ છેવટનાં વાક્યો બોલી વિરામ પામ્યા.
ત્યારે સભાની અંદરનાં સર્વ મનુષ્યો નિર્વિકલ્પ-સમાધિ જેવી સ્થિતિને પ્રાપ્ત થયા.ને આકાશની અંદર રહેનારા
પુરાતન અને મુક્ત બુદ્ધિવાળા સનકાદિકો અને સિદ્ધોનાં પ્રશંસાના વાક્યો આકાશમાં ફેલાઈ રહ્યાં.

સિદ્ધો કહે છે કે-કલ્પ પર્યંત સિદ્ધોના સમુહમાં અમે હજારો મોક્ષના ઉપાયો કહ્યા છે,ને સારી રીતે સાંભળ્યા પણ છે,
પરંતુ આ ગ્રંથ (બોધ) જેવા તે એકેય નથી.સર્વ જીવો,વસિષ્ઠના આ ગ્રંથ-રૂપ વાક્ય-વિલાસ વડે મોક્ષ-સુખને પ્રાપ્ત
થઇ જાય,એમાં સંશય નથી.શ્રી રામચંદ્રજીને વસિષ્ઠ ઋષિએ જે પ્રમાણે દૃષ્ટાંતોથી,હેતુઓથી અને યુક્તિઓથી બોધ
આપ્યો છે તે પ્રમાણે તે સાક્ષાત અરુંધતીને (પોતાની પત્નીને) પણ બોધ આપે કે ના પણ આપે.
શ્રવણ-રૂપ અંજલિ વડે આ જ્ઞાનામૃતનું પાન કરીને અમે પૂર્ણ રીતે અભિનવ સિદ્ધિઓને ધારણ કરી છે.

આ પ્રમાણે સભાને જોતાં તે સિદ્ધ-લોકો વસિષ્ઠની અનેક વાક્યોથી પ્રશંસા કરવા લાગ્યા
અને પુષ્પાંજલિ-પૂર્વક વસિષ્ઠની પૂજા કરવા લાગ્યા.પછી દશરથ રાજાએ વસિષ્ઠની પૂજા કરતાં કહ્યું કે-
સ્ત્રી-પુત્ર આદિ સહિત આ મારા આત્મા વડે આ લોક-પરલોક એ બંનેમાં સુખ-ભોગને માટે સંચિત કરેલ પુણ્ય વડે
અને સર્વ પોષ્યવર્ગ સહિત હું આપની પૂજા કરું છે,હે મહારાજ,આ સર્વ રાજ્ય આપને આધીન છે,
માટે આપની ઈચ્છા પ્રમાણે તેના સ્વામી થઈને હુકમ કરીને આજ્ઞા કરો.

વસિષ્ઠ કહે છે કે-હે મહારાજ,અમે માત્ર પ્રણામ વડે જ સંતુષ્ટ થઈએ એવા બ્રાહ્મણ છીએ,તેથી અમે પ્રણામથી જ
પ્રસન્ન થઈએ છીએ,કે જે પ્રણામ આપે કરેલા જ છે.આપ જ રાજ્ય રક્ષણ વિધિ જાણો છે અને તે આપને જ શોભે છે,
માટે તે (રાજ્ય) ભલે તમારી પાસે જ રહો.બ્રાહ્મણો ક્યાં રાજાઓ છે?

દશરથ : મોક્ષના દાન-રૂપ મહા ઉપકાર આગળ આ રાજ્ય તે શી હિસાબમાં છે?
માટે આપના ધ્યાનમાં આવે તે મુજબ આપ સુખેથી કરો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE