Sep 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1257

વસિષ્ઠ : જેમ ઋતુ (વસંત-આદિ)ની શોભા તે તે ઋતુમાં ઉત્પન્ન થનાર ફળ-પુષ્પો આદિ વડે સૂચિત થાય છે,
તેમ, સર્વ વાક્યાર્થો વડે માત્ર બ્રહ્મનો જ બોધ સૂચિત થાય છે,પરંતુ તેમનું યથાર્થ જ્ઞાન તો 'અનુભવ' વડે જ
પ્રાપ્ત થાય છે.સર્વ દૃશ્ય (જગત)ને ઉલ્લંઘન કરી રહેલો બ્રહ્માનુભવ શાસ્ત્રની અંદર રહેલો (કહેલો) છે.પણ,
સર્વ પદને ઉલ્લંઘી રહેલો પરમબોધ શાસ્ત્રથી,ગુરુના વાક્યથી,દાનથી કે ઈશ્વર-અર્ચનથી પ્રાપ્ત થતો નથી.
આ સર્વ પરમાત્માની અંદર વિશ્રાંતિ થવાના કારણ-રૂપ નથી છતાં શી રીતે કારણ-રૂપ થાય છે,તે હવે કહું છું.

શાસ્ત્રના અભ્યાસ વડે ચિત્ત વિશુદ્ધતાને પ્રાપ્ત થાય છે,અને તે(ચિત્ત) નિષ્કામ થતાં તત્કાળ શુદ્ધપદને દેખે છે.
આ શાસ્ત્રોથી અવિદ્યાનો સાત્વિક ભાગ વધે છે,કે જે સાત્વિક ભાગ વડે તામસિક ભાગ ક્ષય પામે છે.
મુમુક્ષુ પુરુષનો અને શાસ્ત્રનો પરસ્પર સંબંધ થાય છે ત્યારે આત્મજ્ઞાન થાય છે,
અને આ આત્મજ્ઞાનથી સર્વ પદોથી અતીત પરમપદનો અનુભવ થાય છે.

જેમ સૂર્ય અને સમુદ્ર એ બંનેનું સ્વરૂપ જોવાથી,તે બંનેના જુદા-પણું જણાય છે (વિવેક થાય છે)
તેમ, સ્વભાવિક રીતે શાસ્ત્ર-વિવેકથી દેહની અંદર શુદ્ધ આત્માનો ભિન્ન-રૂપે અનુભવ થાય છે.
તે આત્મ-તત્વની પરીક્ષા માટે પોતાના વિચારથી,
શાસ્ત્રોના વિકલ્પોના સમૂહ વડે બીજા વિકલ્પોને ધોઈ નાખી,વિવેકી પુરુષ પરમ શુદ્ધતાને મેળવે છે.

જેમ શેરડીના રસનું માધુર્ય અનુભવ વડે જ જણાય છે,તેમ મહાવાક્યના અર્થના રસ-રૂપ આત્માનું જ્ઞાન,
શાસ્ત્ર આદિથી મળે છે,પણ તે આત્મા પોતાના અનુભવથી જ જણાય તેવો છે.
જેમ આકાશમાં ફેલાઈ રહેલ સૂર્ય-પ્રકાશની કાંતિ અને ભીંતનો સંયોગ થતાં તે ભીંત સ્ફુટપણે અનુભવમાં આવે છે,
તેમ,આત્મજ્ઞાન પણ શ્રવણ અને તેનો યોગ્ય અધિકારી-એ બંનેનું મિલન થતાં સ્ફુટપણે અનુભવમાં આવે છે.

જે શ્રવણ ધર્મ-અર્થ-કામની સિદ્ધિ માટે થાય,પણ મોક્ષને માટે ન થાય,તે તુચ્છતા-મૂર્ખતા બતાવનાર જ છે.
તે જ ખરેખર શ્રવણ કહેવાય કે-જેનાથી જ્ઞાન થાય,તે જ ખરેખર જ્ઞાન કહેવાય કે જેનાથી સમતાનો ઉદય થાય,
અને તે જ ખરેખર સમાનતા કહેવાય કે જેનાથી જાગ્રતમાં પણ સુષુપ્તિના જેવી નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય.

આ પ્રમાણે આ સર્વ શાસ્ત્ર આદિથી પ્રાપ્ત થાય છે,માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો.
બ્રહ્મલોક પર્યંતના ઐશ્વર્ય-સુખથી પણ અધિક અને સર્વેશ્વર-રૂપ એવું 'મોક્ષ' નામનું અનાદિ સુખ,
શાસ્ત્રાર્થથી,ગુરુની વાણીથી,સત્સંગતિથી,નિયમથી અને શાંતિથી પ્રાપ્ત થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE