Sep 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1254

રામ : પ્રબુદ્ધ અવસ્થામાં તો જગતનો અનુભવ જ થતો નથી પણ અપ્રબુદ્ધ અવસ્થામાં આ સર્વ પ્રતીતિમાં
આવે છે.તે પોતાના અનુભવ વડે જણાય છે અને સદ્રુપ કે અસદ્રુપ ભાસે છે.
સર્વ-શક્તિમાન બ્રહ્મની અંદર ભાવો એ અભાવ-રૂપે અને અભાવો એ ભાવ-રૂપે સર્વદા ભાસતા રહે છે.
બ્રહ્મ જ બ્રહ્મની (એટલે કે ચિદાકાશ જ ચિદાકાશની) અંદર જગતના આકાર-રૂપે વૃદ્ધિ પામે છે,
પરનું વસ્તુતઃ જોતાં ચિદાકાશમાં જગતના આકારે વૃદ્ધિ થવી સંભવતી નથી જ.

આ હું અને દૃષ્ટા-દૃશ્ય-દર્શન-રૂપે દેખાતો આ દૃશ્ય-ભ્રમ શાંત ચિદાકાશનો જ વિસ્તાર છે.તેમાં સ્થૂળ આકાર સંભવતો
નથી.માત્ર એક નિર્વિકાર શાંત પરબ્રહ્મ સત્ય છે.અને આ સર્વ તેના રૂપ જ છે.
મારું પોતાનું સ્વરૂપ જન્મ-મરણથી રહિત છે,શાંત છે,આદિ-અંત વિનાનું છે,ઉપાધિથી રહિત છે,નિરાકાર છે,
તેને મેં બરોબર ઓળખી લીધું છે.જે જીવ-ચૈતન્યમાં પ્રકાશી રહેલું છે તે જ વાક્ય-ભાવ(નામ)ને પ્રાપ્ત થાય છે,
કેમ કે જે પૃથ્વીમાં લીન (દબાયેલું કે મળી ગયેલું) હોય તે જ અંકુર-ભાવને ધારણ કરે છે.

આ જગત અવિવેકીઓની દૃષ્ટિમાં સત્ય છે,વિવેકીઓની દૃષ્ટિમાં મિથ્યા છે,તત્વજ્ઞની દૃષ્ટિમાં બ્રહ્મ-રૂપ છે
અને શાંત પુરુષની અંદર તે ક્રમે કરીને શાંત થઇ જઈ શૂન્ય-રૂપે જ પ્રતીતિમાં આવે છે.
તમે ચિદાકાશ-રૂપ થઇ ગયા છો તેથી પુરુષોમાં શ્રેષ્ઠ છો,તમે સ્વરૂપ-જ્ઞાન વડે આકાશના જેવા સર્વના આત્મા-રૂપ છો,
તમે આકાશના જેવા નિર્વિકાર છો અને પૂર્ણ આનંદ-રૂપ બ્રહ્મથી અભિન્ન છો,
આમ સમજી હું તમને વંદન કરું છું.

હું પણ નથી,જગત પણ નથી,હાથ-પગ આદિ અવયવો પણ નથી ને ઘટ-પટ-આદિ પદાર્થો પણ નથી,
પરંતુ સર્વ આકાશ જેવા સ્વચ્છ સૂક્ષ્મ ચિદાકાશ-રૂપ જ છે.(નિષેધ-ભાવ)
આ જે મેં સર્વ વસ્તુઓનો નિષેધ બતાવ્યો તે તાર્કિક-આદિ વાદીઓને રુચાશે નહિ,તો પણ આત્મજ્ઞાનને ઇચ્છનાર
વિવેકી પરીક્ષકોની સભામાં આ વિચાર ઝળકી ઉઠે તેવો છે.સર્વે પદાર્થોનો નિષેધ,છેવટે તો મૌનને ઉત્પન્ન કરનાર છે,
તેથી તેનો વિવાદ કરવામાં આવતો નથી,કેમ કે વિવાદથી (નિઃશેષ એવા) આત્માનો પરિચય થતો નથી.

જે પ્રત્યક્ષ-આદિ પ્રમાણો વડે અગમ્ય છે,ચિહ્નથી રહિત છે અને પોતાના અનુભવ વડે જ જણાય એવું છે,તે બ્રહ્મ,
વિવાદો વડે શી રીતે મળે? સર્વ શાસ્ત્ર-ભેદના અર્થને ઉલ્લંઘી રહેલ,ચિહ્નથીરહિત,સ્વચ્છ,એક,જન્મ-આદિ વિકારથી રહિત,
અનુભવ-સ્વરૂપ,નામ-રૂપથી રહિત,સર્વના આદિ-રૂપ,અને સંજ્ઞાઓની કલ્પનાથી રહિત એવું શુદ્ધ એક
ચિદાકાશ (બ્રહ્મ) જ અહીં છે,બીજું કશું નથી,માટે બીજા દૃશ્ય (જગત)ની શંકા રાખવાનું કોઈ પ્રયોજન નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE