Sep 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1253

રામ : પછી તે (સંકલ્પ કે કલ્પનાથી) મિથ્યા-રૂપે ખડાં થઇ ગયેલાં જગતની અંદર તે મિથ્યા-પુરુષ,
મિથ્યા-રૂપે જ તેની ક્રિયાઓ કરે છે અને પરિવર્તન પામ્યા કરે છે.તે પોતે જ વ્યષ્ટિ-રૂપ 'જીવ' બનીને,
ઉપરના લોકમાંથી નીચેના લોકમાં  આવે છે તો નીચેના લોકમાંથી ઉપરના લોકમાં પણ જાય છે.
વસ્તુતઃ તો આ જગતનું મિથ્યાપણું પણ નથી કે સત્યપણું પણ નથી,પરંતુ જન્મ-આદિ વિકારથી રહિત
પરમ-તત્વ જ અનિર્વચનીયપણે આ સર્વ-રૂપ થઇ રહેલું છે.એટલે આ જગત પણ આકાશના જેવું સ્વચ્છ છે,
શિલાના ગર્ભ જેવું એકરસ છે અને પાષાણ-મૌનના જેવું શાંત-નિર્વિકલ્પ-અવિનાશી  છે.

વિરાટ-રૂપ આતિવાહિક દેહ (બ્રહ્મા) પણ ચિન્માત્ર જ છે છતાં ચિદાત્માના સર્વાત્મ-ભાવમાં માયિક સંકલ્પથી
તે સર્વના આકારે થઇ રહેલ છે,તેની અંદર ભાવનાના બળથી ચિદાકાશના વિવર્ત-રૂપે જે કંઈ સ્ફૂર્તિ ઉઠે છે,
તે જ જગત-રૂપ ભાસે છે.આમ જો સર્વત્ર ચિદાકાશ જ છે તો પછી અહીં જગતની વાત જ ક્યાં છે?
માટે મનુષ્ય જો પોતાના બહિર્મુખ થયેલા મનને રોકી રાખીને તેને સમાધિમાં સ્થિર કરે અને જો આત્માના
સ્વરૂપનું અવલોકન કરે,તો તે શાંત અને નિત્ય-મુક્ત એવા સ્વરૂપમાં સ્થિર થઈને રહે છે.

વસિષ્ઠ : બીજાંકુરની જેમ દૃશ્ય કારણ-રૂપ એવા બ્રહ્મની અંદર રહેલું છે,તો સૃષ્ટિની સત્તા અહીં શા માટે ન ઘટે?

રામ: અંકુર બીજની અંદર અંકુર-રૂપે રહેલો જોવામાં આવતો નથી,પણ બીજની અંદર તેની જે સૂક્ષ્મ સત્તા રહી છે,
તે તો બીજ-રૂપ જ છે.બ્રહ્મની અંદર જગત તો જગત-રૂપે જ પ્રતીતિમાં આવે છે,તેથી બીજાંકુરનું દૃષ્ટાંત અહીં અસંગત છે.
વળી સર્વદા (પ્રલય-આદિમાં પણ) તે આવું જ રહેતું હોય તો તે બ્રહ્મ-રૂપ જ છે,કેમ કે બ્રહ્મ તો અવિકારી જ છે.
નિર્વિકાર વસ્તુમાંથી સવિકાર વસ્તુ અને સવિકાર વસ્તુમાંથી સાકાર વસ્તુ
પ્રગટ-રૂપે ઉદય પામે એવું અમે ક્યાંય દીઠું કે સાંભળ્યું નથી જ.

જેમ એક પરમાણુની અંદર અનેક મેરુઓની સ્થિતિ અસંભવિત છે તેમ,નિરાકાર પરબ્રહ્મની અંદર આ સાકાર દૃશ્યની
સ્થિતિ સંભવતી નથી.પણ જેમ તરંગ જળમાં રહે છે તેમ નિરાકાર બ્રહ્મમાં આ જગત રહેલું છે.
શાંત એવું પરબ્રહ્મ આ સાકાર દૃશ્યનો આધાર છે એ વાત ઘટતી નથી,કેમ કે સાકારનું અવિનાશીપણું
ક્યાં દેખાય છે? આ સ્વપ્નના જેવો આભાસ,ચિદાત્માની અંદર વિવર્ત-રૂપે રહેલો છે.
નિરાકાર પરમાત્મા પોતાના વિવર્ત-રૂપે પ્રસરી રહેલા સૃષ્ટિ-આદિના અનેક આકારે થઇ રહ્યા છે.

પ્રત્યેક ચૈતન્ય,સર્વ બંધથી રહિત (એક) બ્રહ્મ-રૂપ જ છે અને સ્વપ્ન-તુલ્ય આ પ્રપંચ અજ્ઞાનથી જ થયેલો છે,
આવો જે સિદ્ધાંત છે તે દૃઢ-રીતે સમજાઈ જાય,તેમ જ આત્માનું વાસ્તવ-સ્વરૂપ ઓળખાઈ જાય,
એટલે જગતનું અસ્તિત્વ કે નાસ્તિત્વ (ભાવ કે અભાવ) એ કશું અનુભવાતું નથી,અને ત્યારે
અનુભવ કરનાર કે અનુભવનો ક્રમ-એ પણ કંઈ જણાતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE