Sep 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1252

રામ કહે છે કે-આ જગત બ્રહ્મની અંદર ઉત્પન્ન  થયેલું જ નથી ને તેની જુદી સત્તા નથી પણ
તે બ્રહ્મમય જ હોવાથી આરંભથી રહિત અને નિરાકાર છે છતાં અનિર્વચનીય માયા વડે ભાસ્યા કરે છે.
તે ઝાંઝવાના જળની જેમ મિથ્યા ભ્રમ-રૂપ છે.પાણીમાં થનાર કંપ (તરંગ) ની જેમ તે કંપ્યા કરે છે.
બ્રહ્મમાં તે જગત અજ્ઞાનથી જ ભિન્ન-રૂપે ભાસે છે.ને સ્વપ્નમાં તથા સંકલ્પ-સૃષ્ટિમાં
ખડા થઇ ગયેલ પર્વતની જેમ મનોમય અને આભાસ-રૂપ (મિથ્યા) છે.

વસિષ્ઠ : જો તમે બરોબર પ્રબોધને પ્રાપ્ત થઇ ગયા છો તો હવે તમારા પોતાના બોધની વૃદ્ધિને માટે
મારા સંશયને (તમે બરોબર સમજી ગયા છો કે નહિ? તેવા સંશયને-કે પછી પરીક્ષા માટે?) દૂર કરો.
આ જગત-રૂપી આભાસ નિત્ય અનુભવમાં આવવા છતાં,ને અતિ સ્પષ્ટપણે દેખાવા છતાં,કેમ નથી?
(એટલે કે જગત નરી આંખે દેખાતું હોવા છતાં તે કેમ મિથ્યા છે?)

રામ : આ પ્રપંચ કોઈ પણ દેશ-કાળમાં થયેલો જ નથી (સર્વ બ્રહ્મમય જ છે) અને તેને લીધે વંધ્યાના પુત્ર જેવા
આ મિથ્યા પ્રપંચની સત્તા પણ ભ્રમરૂપ જ છે.આ જગત-રૂપી-ભ્રાંતિનું કયું કારણ છે કે તેથી તે ઉત્પન્ન થાય?
ક્યાંય કારણ વિના કાર્ય સંભવતું જ નથી.અને નિર્વિકાર,અજર-અમર તત્વ (ચૈતન્ય) ક્યાંય પણ,
કોઈ પ્રકારે પણ,કશાનું કારણ સંભવતું નથી.વળી પૂર્વાવસ્થાનો ક્ષય થયા વિના
બીજું કંઈ વિકારવાળું અહીં પ્રસિદ્ધ-રૂપે જણાતું નથી.

જો નામ-રૂપથી રહિત બ્રહ્મ જ માયાના યોગથી વિવર્ત-રૂપે જગતના કારણ-રૂપ છે,એમ માનવામાં આવે,
તો પછી જગતનાં નામ-રૂપોની પ્રતીતિ ક્યાં યથાર્થ-રૂપે રહી શકે? અને શી રીતે તથા કોને તે સત્ય-રૂપે ભાસે?
(જગતને બ્રહ્મમય રૂપે જોવાથી તે ભલે નરી આંખે દેખાય છતાં તેમાં બ્રહ્મનાં દર્શન કરવાથી,તે જગત પણ
બ્રહ્મમય બની જાય છે અને તે જગત બ્રહ્મ બની જવાથી તે કે જે દેખાય છે-તે-મિથ્યા કે ભ્રાંતિ-રૂપ સાબિત થાય છે)

(તે બ્રહ્મ અને જગતની સ્થિતિ સમજવા માટે કલ્પના કે સંકલ્પથી) તે અવર્ણ્ય એવા શાંત પરમ-પદની અંદર
હિરણ્યગર્ભ(બ્રહ્મા) એવા નામનું પ્રથમ ચૈતન્ય ઘણા લાંબા કાળ સુધી વિવર્ત (આભાસ કે વિલાસ)રૂપે,
આતિવાહિક દેહને ધારણ કરે છે અને તે જ જગતની ભ્રાંતિનો છેવટનો વિષય હોય એમ લાગે (ભાસે) છે.
સ્વપ્નમાં જેમ એક ક્ષણ,લાંબા કાળ-રૂપ અનુભવાય છે તેમ,પ્રથમ ચૈતન્ય (હિરણ્યગર્ભ) એક ક્ષણની અંદર
લાંબા કાળને અનુભવે છે,તેમ જ તે,તેની અંદર કાકતાલીયની જેમ સૂર્ય-ચંદ્ર-આદિને પણ દેખે છે.

જેનું શરીર સંકલ્પો(કે કલ્પના)થી બંધાય છે,તેવા આદિ-ચૈતન્ય (હિરણ્યગર્ભ કે બ્રહ્મા)ને,આ જગત,
પોતાની મેળે દેશ-કાળ-ક્રિયા-આદિ સાથે ચિદાકાશની અંદર સ્ફુટ(સૃષ્ટિ)-રૂપે ભાસ્યા કરે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE