Sep 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1251

રામ : તૃષ્ણાથી રહિત થઇ જવું તે જ ખરું જ્ઞાન છે બાકી જેમાં વૈરાગ્ય નથી,તે પાંડિત્ય તો મૂર્ખતા જ છે.
જ્ઞાન અને વૈરાગ્યની નિરતિશય સંપત્તિ એ જ મોક્ષ કહેવાય છે અને તેવા અનંત શાંત પદમાં સ્થિતિ રાખનાર
પુરુષને પછી શોક કરવાનો સમય આવતો નથી.જે કંઈ જાણવાનું હતું તે સર્વ જાણ્યું,જે છોડવાનું હતું તે છોડ્યું,
જે કરવાનું હતું તે કર્યું અને જે જોવાનું હતું તે સર્વ જોયું.જે આ કંઈ સર્વ છે તે પરબ્રહ્મરૂપ જ છે.

પોતાના આત્મામાં જ રમી રહેલા (આત્મારામ),શાંત,શાંત,તૃષ્ણાથી રહિત અને નિરહંકાર એવા
જીવનમુક્ત પુરુષની સ્થિતિ આકાશના ના જેવી નિર્મળ તથા નિઃસંકલ્પ છે.
જેમ,કોઈ પાંજરામાં પુરાયેલો સિંહ ઉભો થઈને પુરુષાર્થથી પાંજરાને તોડી નાખે છે,
તેમ હજારોમાંથી કોઈ વિરલ નર જ જાગ્રત થઇ જઈને વાસનાઓના સમૂહ-રૂપી-જાળને તોડી નાખે છે.
આત્મ-પ્રકાશને પ્રાપ્ત થયેલો શુદ્ધ અંતર-પ્રકાશવાળો તત્વવેત્તા પુરુષ પોતાની મેળે જ શાંતિ પામે છે.

જેણે જાણવાનું જાણી લીધું છે,જે સંકલ્પથી રહિત થઇ ગયો છે ને વાસનાઓથી રહિત છે તેવો જીવનમુક્ત પુરુષ
પવનની જેમ નિઃસંગપણે વ્યવહાર કર્યા કરે છે અથવા તો વ્યવહાર ના કરતાં સમાધિમાં વિશ્રાંત થઇ રહે છે.
વસ્તુમાત્રમાં રહેલા શુદ્ધ તત્વનું મનન કરવાથી આ સર્વ દૃશ્ય ભ્રાંતિમાત્ર છે-એવો સ્થિર નિશ્ચય કરી,
નિર્લેપ રહેવું અને વાસનાથી રહિત સ્થિતિ રાખવી-એ જ મોક્ષદશાની સ્થિતિ છે.
આ સર્વ બ્રહ્મ-રૂપ છે-એમ સમજવામાં આવે અને નિર્વાણમાં બુદ્ધિ સ્થિર થઇ જાય,
એટલે અનંત એવી 'મોક્ષ'નામથી ઓળખાતી ઉત્તમ શાંતિ પોતાની મેળે જ ઉદય પામે છે.

(૧૯૫) જીવનમુક્તદશામાં સ્થિર થવા વિષે

વસિષ્ઠ કહે છે કે-અહો રામચંદ્રજી ! હવે તમે પ્રબુદ્ધ થયા છો.આ તમારી વાણી અવિવેકી પુરુષોના પાપોને દુર કરનારી છે.
અને પ્રબુદ્ધ પુરુષોને હર્ષ ઉપજાવનારી છે.આ જગત અસત્ય છે,છતાં ભાસ્યા કરે છે,અને સંકલ્પનો ક્ષય થતાં તે શાંત થઇ
જાય છે,એ જ શાંતિ છે,એ જ નિર્વાણ છે ને ખરો પરમાર્થ પણ તે જ છે.
કલ્પના અને અકલ્પના (નિર્વિકલ્પભાવ)એ બંને પરબ્રહ્મનાં જ રૂપ છે,બીજાનાં નથી.જેમ,પવનમાં ચપળતા અને
સ્થિરતા બંને રહ્યાં હોય છે,તેમ,તે બંને તેની અંદર રહેલાં છે.એટલે તેમાં દ્વિત્વ કે એકત્વ હોઈ શકે નહિ.
શાંતિમાં (સમાધિમાં) અથવા વ્યવહારમાં પ્રબુદ્ધ પુરુષની જે નિર્વિક્ષેપ સ્થિતિ રહે છે તે જ નિર્મળ મુક્ત સ્થિતિ
કહેવાય છે.
હે રામચંદ્રજી,વ્યવહારમાં રહ્યા છતાં શાંત અને પ્રબુદ્ધ બ્રહ્મા,વિષ્ણુ,મહેશ આદિ જીવન્મુકતો પણ
આ જ પદ (સ્થિતિ) માં સ્થિત થઇ રહેલા છે.અમે (વસિષ્ઠ અને જીવન્મુકતો) નિર્વિક્ષેપ સ્થિતિમાં રહીએ છીએ
અને પ્રબુદ્ધ છીએ.અમારી એવી નિર્વિકાર સ્થિતિનું અવલંબન કરી તમે પણ આજથી એ જીવનમુક્ત સ્થિતિમાં
પૂર્ણ સ્થિરતા પ્રાપ્ત થઈને રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE