Sep 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1250

રામ કહે છે કે-જીવનમુક્ત પુરુષને સર્વત્ર સત્ય ચિન્માત્ર-તત્વ જ સૃષ્ટિ-પ્રલય-આદિ-રૂપે ભાસે છે.
વ્યુત્થાન(સમાધિમાંથી જાગ્રત)દશામાં ચિન્માત્ર-તત્વ જ તેને વિશ્વ-રૂપ જણાય છે અને સમાધિ દશામાં
તેને તે (વિશ્વ) બ્રહ્મ-રૂપ પ્રતીતિમાં આવે છે.વ્યુત્થિત દશામાં કે સમાધિ દશામાં રહ્યા છતાં જે પુરુષ
ભેદ-ભાવનાથી રહિત,બોધરૂપ અને સત્ય એવા સ્વરૂપાનુભવમાં જ સ્થિર થઈને રહે છે,
તે જ તે સર્વ દૃશ્ય (જગત)ને ઉદાસીનપણાથી જુએ છે ને શાંતિને પ્રાપ્ત થાય છે.

જેમ,આકાશની,શૂન્યતા વિના બીજી કાંઇ જુદી સત્તા નથી,તેમ,જગતના અનેક પદાર્થોના સમૂહની,
તેના વાસ્તવિક એવા ચિન્માત્રભાવ વિના બીજી કોઈ વાસ્તવ-સત્તા નથી.
વિશાળ બોધવાળા તત્વજ્ઞ પુરુષોને કેવળ અનંત બોધરૂપતા જ અવશેષ રહેલી જણાય છે.
તે બોધ પણ પોતાના સ્વરૂપમાં પરિણામને પ્રાપ્ત થઇ જઈને અવર્ણ્ય-પણાને પ્રાપ્ત થાય છે.

અત્યંત શાંત એવો જીવનમુક્ત બ્રહ્મભાવમાં વિશ્રાંતિ પામે છે,એ પછી જે કંઈ પરમસત્તા અવશેષ રહે છે,
કે રહેતી નથી-તે વાણી વડે વર્ણવી શકાય તેવી નથી.તે સત્તા-સામાન્યની પરાકાષ્ઠા છે,
અને શુદ્ધ-નિરુપાધિક-ઈશ્વર-ચૈતન્યથી ભિન્ન નથી,વળી તે અને આ સૃષ્ટિ પણ તે જ (ચૈતન્ય)સત્તારૂપ છે.
આમ,સર્વ શાંત એવા અવિનાશી પરબ્રહ્મ-રૂપ જ છે.

સ્વચ્છ,શીતળ,જ્ઞાનરૂપ અને તૃષ્ણાથી રહિત એવા નિર્વાણપદનો અનુભવ કરવા માટે,બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પણ
એ સત્તા-સામાન્ય (પરબ્રહ્મ કે ચૈતન્ય)ને જ ઈચ્છે છે.શુદ્ધ એવું ચૈતન્ય જ સર્વત્ર સર્વથા સર્વ કાળમાં સર્વ પદાર્થોના
આકારે રહેલું છે.તે નિત્ય છે અને તેનો નાશ સંભવતો નથી.આમ,આ સંસાર અનેક સંતાપોથી ભરપૂર છે,
દુઃખરૂપ છે તો તે નિર્વાણપદ સર્વ સુખોને શાંત કરનારું હોવાથી અત્યંત શીતળ છે.

દેહના સંબંધથી અનુભવાતા ભોગોમાં તથા તેના ઉપાયોમાં જો યથાર્થ રીતે જ્ઞાનનો ઉદય થાય છે,
તો સ્વપ્નની જેમ જ વૈરાગ્ય થાય છે.વૈરાગ્યથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે તો જ્ઞાનથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે.
આ બંને (જ્ઞાન અને વૈરાગ્ય) ભીંત અને તેના પરના પ્રકાશની જેમ પરસ્પર એકબીજાને ઉપકારી છે.
જે જ્ઞાન વડે વૈરાગ્ય થાય તે જ ખરું જ્ઞાન છે,બાકી જે વડે ભોગોનો વધારો થતો રહે છે તેને જડતા જ સમજવી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE