Sep 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1249

રામ : જેમ કોઈ સ્થળે કે કોઈ કાળે,શબ્દ-ભેદ વિના,અવયવીથી અવયવીપણું ભિન્ન હોતું નથી,
તેમ પરબ્રહ્મની (અવયવીની) અંદર કલ્પાયેલી સૃષ્ટિ (અવયવીપણું) એ શબ્દ-ભેદથી જ ભિન્ન છે,
બાકી કોઈ ભિન્નતા નથી.એક જ આત્મા (બ્રહ્મ) માયા વડે અનંત-રૂપ થઇ જાય છે,
તેથી તે પોતે જ જગતનું અધિષ્ઠાન છે,પણ કારણના અભાવે તે ઉદય કે અસ્તને પ્રાપ્ત થતો નથી.
જેમ સૂર્યની પ્રભા ઘટ-પટ આદિના પ્રકાશને (ઉજાશને) ઉત્પન્ન કરે છે,તેમ સ્ફૂર્તિ-રૂપે પ્રકાશતી
ચૈતન્ય-શક્તિ જાણવા યોગ્ય વસ્તુનું અખંડ જ્ઞાન ઉત્પન્ન કરે છે,આમ છતાં તે અકર્તા છે.

સર્વ વસ્તુઓમાં તૃષ્ણાનો ક્ષય થઇ જાય,એટલે તત્વજ્ઞાન થાય છે,કે જે તત્વજ્ઞાનથી દૃશ્ય બાધિત થઇ જાય છે.
ને આત્મા પોતાની મેળે જ દેહ-આદિ ક્ષણિક વસ્તુના તાદામ્યના અધ્યાસથી રહિત થઇ જાય છે.
આવી નિર્વિક્ષેપ સ્થિતિને જ સમાધિ-રૂપ કે નિર્વાણ-રૂપ કહેવામાં આવે છે.
બુદ્ધિની જડ-વૃત્તિ વડે આત્માનો બોધ (સાક્ષાત્કાર) થતો નથી.આત્મા પોતે જ બોધ-રૂપ હોવાથી,
તે બુદ્ધિ વડે પ્રાપ્ત થાય-એ વાત અસંભવિત હોવાથી બંધબેસતી નથી.

વળી બોધ-રૂપ આત્મા પોતે જ કેમ બોધ્ય (પોતાના કર્મ-રૂપ) બને? એટલે આ વાત પણ અઘટિત છે.
આવો પ્રબુદ્ધ આત્મા(બ્રહ્મ) પોતે જ બોધ-રૂપ છે અને અજ્ઞાનના યોગે તે સુષુપ્તિના જેવી અવસ્થામાં રહેલો હોય છે.
મધ્યાહ્ન સમયે જેમ બધું ઝાકળ ખસી જાય છે એટલે સૂર્યનો તડકો બરાબર પ્રકાશે છે તેમ,અજ્ઞાન-રૂપી-ઝાકળ ખસી
જાય છે ત્યારે દેશ-કાળ આદિનો વસ્તુતઃ અભાવ છતાં તે પોતાની મેળે જ પ્રકાશી નીકળે છે.

લૌકિક અને પારલૌકિક કર્મ-ફળની તૃષ્ણાથી રહિત થઇ ગયેલા અને પ્રબોધને લીધે શાંત ઈચ્છાવાળા થયેલ સત્પુરુષો
નિર્વાણની ઈચ્છા કરતા નથી તો પણ તેઓ નિર્વાણને પ્રાપ્ત થાય છે.
મોહ-રૂપી નિંદ્રામાંથી જાગ્રત થયેલો,આત્મામાં જ આરૂઢ થઇ રહેલો,ધ્યાનાવસ્થિત અને પોતાના શુદ્ધ સ્વભાવમાં જ
સ્થિર થઇ રહેલો તત્વજ્ઞ (જીવનમુક્ત) પુરુષ કશું ગ્રહણ કરતો નથી કે કશાનો ત્યાગ કરતો નથી.

જીવનમુક્તપુરુષ મનના મનન વડે યુક્ત યોય છે,તો પણ તેને કર્મયોગમાં આસક્તિ હોતી નથી.
આથી તે મનના મનનથી મન વિનાનો જ રહે છે અને સર્વને યથાસ્થિતપણે સાક્ષી-રૂપે જોયા કરે છે.
તે દીવાની જેમ પ્રકાશ આપતો હોવા છતાં નિષ્ક્રિય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE