Sep 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1247

(૧૯૩) રામની વિશ્રાંતિ

રામ કહે છે કે-આદિ-મધ્ય-અંતથી રહિત જે પરમપદને દેવતાઓ અને ઋષિઓ પણ જાણતા નથી,
તે જ તત્વ આ દૃશ્યના આકારે ભાસે છે,બાકી આ જગત પણ ક્યાં છે ને દૃશ્યતા પણ ક્યાં છે?
દ્વૈત-અદ્વૈતના અનુસંધાનમાં મનની અંદર જે ભેદ ઉત્પન્ન થયા કરે છે અને
તેથી વાક્યોના જે વ્યવહારો,સંદેહો અને ભ્રમો થાય છે તેનું મારે કશું પ્રયોજન નથી.
અમને તો આ સર્વ શાંત,સર્વના આદિ-રૂપ અને નિર્વિકાર બ્રહ્મ-રૂપે ભાસે છે.

જેમ આકાશની અંદર ગંધર્વનગર આદિની પ્રશાંત-આભાસરૂપ સ્થિતિ હોય છે તેમ,ચિદાકાશની અંદર
આ ત્રૈલોક્યનું ભાન થાય છે.વસ્તુતઃ જોતાં તે ચિદાકાશ-રૂપ જ છે.જેમ જળની અંદર જળભાવ રહેલો છે,
તેમ,ચિદેકરસ-બ્રહ્મની અંદર જગતનો ભાવ રહ્યો છે.અહંકાર-આદિ સહિત આ જગત-રૂપી દૃશ્ય દિશાઓમાં
અને આકાશમાં અસંખ્ય-પણે વિસ્તારવાળું છે,છતાં પણ મહા-ચૈતન્યની અંદર શૂન્યતા-રૂપે જ રહેલું છે.

વિમૂઢ થઇ રહેલા જીવને અપરિમિત (અનંત) એવા પરબ્રહ્મનો અપરોક્ષ અનુભવ થાય છે,
એટલે પછી આ સંસાર-રૂપી પિશાચ (તે સ્ફૂરતો હોવા છતાં)શમી જાય છે.
જેમ,તરંગનો ભેદ જળની અંદર ગલિત થઇ જાય છે,તેમ,જડ જેવો દેખાતા છતાં જડ-ભાવથી રહિત
એવો તત્વજ્ઞ-પુરુષ વ્યવહારવાળો હોય તો પણ તેનો,ભેદનો ભ્રમ નિઃશેષ ગળી જાય છે.

આધ્યાત્મિક-આદિ ત્રણ પ્રકારના તાપની ખાણ-રૂપ એવો અજ્ઞાન-રૂપી સૂર્ય જયારે ક્યાંય જતો રહે છે
ત્યારે સંસારનો સત્તા-રૂપી દિવસ અસ્તને પ્રાપ્ત થઇ જાય છે.ને તે જ મોક્ષસુખની વિશ્રાંતિના કારણ-રૂપ
રાત્રિનો ઉદય છે.ભાવ-અભાવમાં,કાર્યોમાં,જરા-જન્મ-મરણમાં જ્યાં સુધી પ્રારબ્ધનો વેગ રહે છે,
ત્યાં સુધી તત્વજ્ઞ જીવનમુક્ત પુરુષ વ્યવહારના વિક્ષેપમાં રહે છે,છતાં તેનાથી લિપ્ત થતો નથી.

આ સર્વ દૃશ્યનું સ્વરૂપ ઓળખવામાં આવે તો તે નિર્મળ પરબ્રહ્મરૂપ જ છે.આમ તત્વવેત્તાઓની દૃષ્ટિમાં
અજ્ઞાત એવી બ્રહ્મ સિવાય કશી વસ્તુ જ નથી.હું (રામ) હવે પ્રબુદ્ધ થઇ ગયો છું અને મારી સર્વ પ્રકારની
અજ્ઞાન-દૃષ્ટિઓ શાંત થઇ ગઈ છે.તેથી હું આ ત્રણે લોકમાં શાંત અને સર્વત્ર સમાનતાથી રહેલ એવા
ચિદાકાશ-રૂપને જ દેખું છું.પહેલાં મેં મારું સ્વરૂપ ઓળખ્યું ન હતું,તો પણ હું બ્રહ્મ-રૂપ હતો
પરંતુ  હવે,મને મારું આત્મ-સ્વરૂપ ઓળખાયું છે અને હું તેમાં જ સ્થિર થઇ રહ્યો છું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE