તે ભ્રાન્તિને લીધે જ સ્વર્ગ-નરકનો સંબંધ થાય છે,કેમ કે દૃશ્ય તો ચિદાત્માની એક કલ્પના-રૂપ છે.
(એટલે કે સ્વર્ગ-નરક જેવું કશું છે જ નહિ)આ દૃશ્ય પણ નથી,દૃષ્ટા પણ નથી,સૃષ્ટિ પણ નથી,
જગત પણ નથી,ચિદાભાસ પણ નથી,જાગ્રત પણ નથી,સ્વપ્ન પણ નથી અને તેના પદાર્થો પણ નથી.
આ ભ્રાંતિનો સંભવ શી રીતે છે? એવો તેના કારણનો વિચાર કરવો તે અયુક્ત જ છે,
કેમ કે ભ્રાંતિનો અભાવ અનુભવમાં આવે છે.ને નિર્વિકાર એવા તત્વજ્ઞાનમાં ભ્રાંતિ સંભવતી જ નથી.
પણ જે ભ્રાંતિ (જગત)નું ભાન થાય છે તે પણ પરબ્રહ્મ-રૂપ છે,તેનાથી કંઈ બીજું જુદું નથી.
એકરસ,અનાદિ અને અનંત આકાશ(ચિદાકાશ)ની અંદર જ્યાં બીજી કોઈ વસ્તુ જ નથી
(એક માત્ર અદ્વૈત જ છે) ત્યાં ભેદ (દ્વૈત)ની કલ્પના કરનાર પણ ક્યાંથી હોય?
ભ્રાંતિનો અનુભવ સ્વપ્નમાં થતા પોતાના મરણના જેવો મિથ્યા છે.જે અજ્ઞાન (ભ્રાંતિ) છે,
તે, તત્વજ્ઞાન થતાં (અજ્ઞાન કે ભ્રાંતિ) શમી જાય છે.જેમ,ઝાંઝવાના જળની ભ્રાંતિનો વિચાર કરવાથી,
તે જોવામાં આવતું નથી,તેમ અવિદ્યા(અજ્ઞાન)નો ભ્રમ પણ તત્વ-વિચાર કરતાં જોવામાં આવતો નથી.
બાળકને દેખાતા વેતાળની જેમ જગતની ભ્રાંતિ જાગ્રત અવસ્થામાં પ્રત્યક્ષ દેખાય છે,
તો પણ તે યથાર્થ નથી.તે અવિચાર વડે જ રૂઢ થઇ રહેલી છે અને વિચાર વડે શમી જાય છે.
હે મહારાજ,આ ભ્રાંતિ ક્યાંથી થઇ? એવો પ્રશ્ન અહીં ઘટતો નથી,
કેમ કે સત્ય વસ્તુનો જ વિચાર કરવાથી જ લાભ થાય છે,મિથ્યા વસ્તુનો વિચાર કરવાથી નહીં.
જગતના મૂળરૂપ જે અજ્ઞાન છે તે પ્રમાણિક વિચાર વડે જોતાં દેખાતું નથી.તે મિથ્યા જ છે અને તેનો
અનુભવ થવો તે એક ભ્રમ જ છે.વાંઝણીના પુત્ર જેવો મિથ્યા આ દૃશ્ય-પ્રપંચ સર્વ પ્રકારે વિચાર કરવા છતાં,
કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી.તેઓ તેની સત્તા વળી કેવી હોય?
જે કંઈ આ જે જગત અને જગતના પદાર્થો દેખાય (ભાસે) છે,તે પરબ્રહ્મરૂપ જ છે.એ પરબ્રહ્મ નિરતિશય
આનંદ વડે પરિપૂર્ણ સ્વ-સ્વરૂપમાં જ પૂર્ણપણે રહેલ છે.અહી બીજું કશું પણ કોઈ કાળે કે સ્થળે પ્રતીતિમાં
આવતું નથી.તે જ રીતે તેની સાવ અપ્રતીતિ પણ છે-એમ નથી.એ તો અનિર્વચનીય છે.
સ્વચ્છ એવું શાંત પરબ્રહ્મ એવી રીતે જગતના આકારે વિવર્ત-રૂપે રહેલ છે.સર્વવ્યાપી અને પૂર્ણ એવું
મારું પોતાનું (બ્રહ્મ)સ્વરૂપ જ અહંકારને છોડી દઈ બોધને લીધે સર્વત્ર પ્રસરી રહેલ છે.