Aug 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1240

રામ : તો પછી અહીં  અહંભાવની કલ્પના કરનાર કોણ છે?કોણ વ્યવહારને ભોગવે છે?
અને સર્વ વિષયમાં ભોક્તા કોણ છે? કે જેને લીધે આ જગતની અનંત ભ્રાંતિ અનુભવમાં આવે છે?

વસિષ્ઠ : 'દૃશ્યની કંઈ સત્તા છે' એવું (અવિવેકીઓનું) માનવું તે જ બંધન-કારક છે.તત્વજ્ઞ પુરુષોની દૃષ્ટિમાં તો
આ દૃશ્ય,સાવ જ નથી.અને "પોતાનો આત્મા 'પ્રારબ્ધ-શેષ'ભોગવવા માટે સર્વ વસ્તુના આકારે થઇ જઈ ભાસે છે.'
એમ જ જો તેમનું માનવું હોય તો પછી તેમાં બંધન અને મોક્ષ ક્યાંથી રહ્યા?

રામ : જેમ દીવાના પ્રકાશથી વસ્તુઓ પ્રતીતિમાં આવે છે,તેમ ચિત્ત-સત્તાને લીધે જ બાહ્ય ઘટ-પટ આદિ પદાર્થોની
પ્રતીતિ થાય છે.પ્રત્યક્ષ-રૂપે અનુભવમાં આવવાથી બાહ્ય-અર્થ સત્ય લાગે છે.

વસિષ્ઠ : વિના કારણે આ બાહ્ય વસ્તુ-રૂપી કાર્યની જે સત્યતા પ્રતીતિમાં આવે છે,
તે ભ્રાંતિમાત્ર છે અને તેનું બીજું કંઈ સ્વરૂપ નથી,અને વસ્તુતઃ તો તે આત્મા-રૂપ જ છે.

રામ: સ્વપ્ન સત્ય હો કે અસત્ય હો,પણ તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી દુઃખ-સુખ ઉત્પન્ન કરે છે.
તે જ પ્રમાણે આ જગતની ભ્રાંતિ સત્ય હો કે અસત્ય હો,
પણ તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી દુઃખ-સુખ ઉત્પન્ન કરે છે,તો તેની ચિકિત્સાનો કોઈ ઉપાય છે?

વસિષ્ઠ : જો આ પ્રમાણે ની જગતની સ્થિતિ સ્વપ્નના જેવી જ હોય તો
પદાર્થોનું સાકાર-પણું ભ્રાંતિ-રૂપ જ એમ સિદ્ધ થાય છે.અને તેમ માનવું તે જ તેનો ઉપાય છે.

રામ : 'ભ્રાંતિ છે' એમ માનવાથી આપણને શી ઇષ્ટા-પૂર્તિ થાય છે?
વળી સ્વપ્ન-આદિમાં દેખાતા પદાર્થોનું સાકાર-પણું શી રીતે નિવૃત્ત થઇ જાય છે?

વસિષ્ઠ : પૂર્વાપરના વિચારથી જ્ઞાનનો ઉદય થાય છે,
એટલે દૃશ્ય (જગત) સંબંધી પદાર્થોની સાકારતા (દેખાતી હોવા છતાં) શમી જાય છે.
જેવી રીતે સ્વપ્નમાંથી જાગ્રત થયા પછી સ્વપ્ન સંબંધી પદાર્થોની સ્થૂળ ભાવના નિવૃત્ત થઇ જાય છે.

રામ : પૂર્વાપરના વિચાર વડે જીવનમુક્ત પુરુષની જગત સંબંધી ભાવના ક્ષીણ થઇ ગઈ હોય છે
તો તે જગતને કેવા પ્રકારનું દેખે છે? તેને આ સંસારનો ભ્રમ શી રીતે શમી જાય છે?

વસિષ્ઠ : વાસના-રહિત થઇ રહેલો જીવનમુક્ત પુરુષ જગતને બાધિત,અસદ-રૂપ,
આભાસ-રૂપ,સંકલ્પનગર-રૂપ,અને વરસાદ વડે ધોવાઈ ગયેલા ચિત્રના જેવું દેખે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE