કાષ્ટ પોતે અગ્નિને કેમ અને ક્યારે બાળી શકે?
વસિષ્ઠ : દૃષ્ટા,એ દૃશ્ય-ભાવને પ્રાપ્ત થતો નથી.તેથી દૃશ્યના અસંભવને લીધે,
રામ : અનાદિ અને અનંત એવું ચિન્માત્ર તત્વ જ,દૃશ્યને અનેક આકારે ઉત્પન્ન કરે છે અને
તે વડે જ જગતનું ભાન થાય છે,પરંતુ પ્રથમ આદિકાળમાં શુદ્ધ ચિન્માત્ર-તત્વમાં દૃશ્યનો સંભવ જ ક્યાં છે?
વસિષ્ઠ : આ કંઈ પણ દૃશ્ય,એ કારણના અભાવે કોઈ દિવસ સંભવતું જ નથી
અને દૃશ્યનો અભાવ હોવાથી,ચિદાત્માનું સદા મુક્તપણું અને અવર્ણ્યપણું જ છે.
રામ: જો એમ જ હોય તો આ અહંકાર-આદિ દૃશ્ય ક્યાંથી છે? જગતનો અનુભવ પણ ક્યાંથી થાય?
અને ચલન આદિની પ્રતીતિ પણ કેમ થાય છે?
વસિષ્ઠ : કારણના અસંભવને લીધે,પ્રથમ કશું ઉત્પન્ન જ થયું નથી તો પછી દૃશ્ય ક્યાં રહ્યું?
તેથી એમ સિદ્ધ થાય છે કે સર્વ શાંત બ્રહ્મ-રૂપ છે અને સૃષ્ટિ તો એક ભ્રાંતિમાત્ર છે.
રામ : વાણીથી અગોચર,સદા સ્વયંપ્રકાશ,દૃશ્યભાવથી તથા ચપળતા-આદિથી રહિત,નિર્મળ અને
નિત્ય-મુક્ત એવા પરબ્રહ્મની અંદર ભ્રાંતિ કોને થાય છે? શા કારણથી થાય છે? કેવા પ્રકારે થાય છે?
વસિષ્ઠ : કારણના અભાવે કશી ભ્રાંતિ છે જ નહિ.તમે,હું-આદિ સર્વ શાંત નિર્વિકાર પરબ્રહ્મ-રૂપ જ છીએ.
રામ : હે મહારાજ,હમણાં હું જાણે ભ્રમને પ્રાપ્ત થઇ રહ્યો હોઉં તેવો છું.હું વધુ પૂછવાની વાત જાણતો નથી
અને વળી હું અત્યંત પ્રબુદ્ધ પણ નથી,તો પછી અહી હમણાં આપને હું વિશેષ શું પૂછું?
વસિષ્ઠ : સંશય એ પ્રશ્નના કારણ-રૂપ છે.પ્રશ્નનું એ કારણ શાંત થાય ત્યાં સુધી તમે મને પૂછો.
હું કારણની કસોટી કરનારો છું,જ્ઞાન થયા બાદ તમે પોતાની મેળે જ
અનિર્વચનીય એવા પરમ શુદ્ધ સ્વભાવમાં વિશ્રાંતિને પ્રાપ્ત થઇ જશો.
રામ : હું ધારું છું કે-પ્રથમ કારણના અભાવને લીધે સૃષ્ટિ ઉત્પન્ન થયેલી નથી,
તો પછી કોને દૃશ્ય-દર્શનની ભ્રાંતિ થાય છે?
વસિષ્ઠ: કશું કારણ નથી તેથી સર્વત્ર શાંત એવા પરબ્રહ્મ જ વ્યાપીને રહેલા છે,
આથી કોઈ પણ ભ્રાંતિ છે જ નહિ,પરંતુ જીવને અજ્ઞાન ના અભ્યાસથી વિશ્રાંતિ મળતી નથી.