Aug 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1237

રામ : હે મહારાજ,ભૂત,ભવિષ્ય અને વર્તમાન સમયમાં ખડી થઇ રહેનારી,
આ જગતની દૃષ્ટિ,નિરંતર અનુભવમાં આવવા છતાં ઉત્પન્ન થયેલી જ નથી-એમ કેમ કહી શકાય?

વસિષ્ઠ : જેમ,નેત્ર-રોગવાળાને,આકાશની અંદર મચ્છરાં-મોવાળા-આદિના આકારો પ્રતીતિમાં આવે છે,
તેમ આ જગત,હું,તમે -ઇત્યાદિ સર્વ (જેને જ્ઞાન થયું નથી તે અવિવેકીને) ભ્રાંતિ વડે જ ભાસે છે.પણ
(જ્ઞાન થતાં) વિવેકી (જ્ઞાની) ને તે સર્વ ઝાંઝવાના જળ કે સ્વપ્નના સંકલ્પિત પદાર્થોની જેમ મિથ્યા જ ભાસે છે.

રામ : હું,તમે ઇત્યાદિ આ સર્વ જગતના પદાર્થો સારી રીતે અનુભવમાં આવે છે,
છતાં સૃષ્ટિના આદિકાળમાં તે કેમ થયેલ નથી?

વસિષ્ઠ: 'કારણ' વડે જ દરેક કાર્ય ઉત્પન્ન થાય છે.એવો નિશ્ચય છે
એટલે પ્રલયમાં સર્વનો નાશ થઇ ગયા પછી જગતની ઉત્પત્તિ થવાનું કશું કંઈ કારણ રહેતું નથી.

રામ : હે મહારાજ,મહાપ્રલય સમયે અવિનાશી અને જન્મ-આદિ વિકારથી રહિત એવું
જે બ્રહ્મ-તત્વ અવશેષ રહે છે,તે જ સૃષ્ટિના કારણ-રૂપ કેમ ના હોય?

વસિષ્ઠ : હે રામચંદ્રજી,જે કાર્ય (બીજ-રૂપે) કારણની અંદર રહેલું હોય તે જ કારણમાંથી ઉત્પન્ન થાય છે,
પણ જે જેમાં બીજ-રૂપે હોતું નથી તે તેમાંથી ઉત્પન્ન થતું નથી.ઘડામાંથી વસ્ત્ર ઉત્પન્ન થઇ શકે નહિ.

રામ : મહાપ્રલયના સમયે જગત સૂક્ષ્મ-રૂપે બ્રહ્મની અંદર રહે અને પાછું ઉત્પન્ન થઇ જાય છે?

વસિષ્ઠ : મહાપ્રલયના અંતના સમયમાં સૃષ્ટિના અસ્તિત્વનો કોને અનુભવ કર્યો? સૃષ્ટિ તેમાં કેવા રૂપે રહેલી છે?

રામ : ચિદાકાશ-રૂપી-સત્તા તેની અંદર રહેલી છે અને તે વિવેકીઓને અનુભવમાં આવે છે,
તેને સાવ શૂન્ય તો કહી શકાય નહિ,કેમ કે અસદ વસ્તુ સત્તાને પ્રાપ્ત થઇ શક્તિ નથી.

વસિષ્ઠ : જો એમ હોય તો આ ત્રણે લોક ચિદાકાશ-રૂપ છે
તો પછી વિશુદ્ધ જ્ઞાનમય (ચિદાકાશ-) દેહવાળા દૃશ્ય-પ્રપંચનાં જન્મ-મરણ ક્યાંથી હોય ?

રામ : જો આદિકાળથી માંડીને સૃષ્ટિ વાસ્તવિક રીતે નથી,તો પછી આ ભ્રાંતિ ક્યાંથી આવી?

વસિષ્ઠ: કાર્ય અને કારણ એ બંનેનો અભાવ છે,તેથી ભાવ અને અભાવ એ કંઈ છે જ નહિ.આ જે પ્રતીતિમાં
આવે છે તે સર્વ પોતાના આત્મા-રૂપ છે અને તે જ દૃષ્ટા,દૃશ્ય અને દર્શન-એ ત્રિપુટીના વેશને ધારણ કરી લે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE