Aug 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1234

જીવને જે ભાગમાં પોતાની પાંચે ઇન્દ્રિયોનું ભાન થાય છે,તે ભાગમાં તે પ્રમાણે,તે તેને રહેલો ભાસે છે.
આવી રીતે આ અત્યંત પ્રસરી રહેલી દૃશ્યની ભ્રાંતિ 'સિદ્ધ-રૂપે' પ્રતીતમાં આવે છે-છતાં તેમાં કશું પણ થયું નથી
કેમ કે વિસ્તીર્ણ આત્મ-તત્વ સર્વ દ્રશ્યથી રહિત છે.આત્મ-તત્વ-રૂપ-પરબ્રહ્મ અનાદિ છે અને તેનો
આવિર્ભાવ કે તિરોભાવ થતો નથી કેમ કે તે પોતે જ સ્વરૂપનો સાક્ષાત્કાર ન હોવાથી સત-અસત-આકારે થઇ રહેલ છે.
તે આતિવાહિક દેહ,પોતે નિરાકાર છે,શૂન્ય છે છતાં ક્રમથી નીચે પ્રમાણે તેનો અનુભવ થાય છે.

એ આતિવાહિક-દેહ-રૂપ 'જીવ' અસ્થિઓના સમૂહ વડે સ્થૂળ-દેહને કલ્પી લે છે.પછી દેશ-કાળના ક્રમ વડે,
શબ્દ-આદિ વિષયોના ભોગ માટે તે જન્મ,કર્મ,ચેષ્ટા,સ્થાન,પરિણામ અને વયની સ્થિતિને કલ્પી લે છે,
અને જન્મના ભ્રમનો અનુભવ કરે છે.વળી,જરા,મરણ,ગુણ-દોષની કલ્પના,દશે દિશાઓમાં ભ્રમણ,
જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતાનો ભાવ તેમજ સર્વ વસ્તુઓના આદિ-મધ્ય-અંત એ સર્વેને પણ કલ્પી લે છે.

આમ આતિવાહિક દેહ-રૂપ બની ગયેલો તે પુરાતન પુરુષ,પોતે જ કલ્પી લીધેલા સમષ્ટિ-વ્યષ્ટિના સ્થૂળ શરીરને લીધે,
પુર્થ્વી,જળ,આકાશ,સૂર્ય,જનસમાજ,વ્યવહાર,નગર-ઈત્યાદિરૂપ બની જાય છે,
પછી તે 'પૃથ્વી પોતાના આધાર-રૂપ છે અને પોતે તેના આધેયરૂપ છે' એવા ભ્રાંતિરૂપ સ્વપ્નને દેખે છે.

(૧૮૯) બ્રહ્મ સત્ય અને જગત અસત્ય છે

વસિષ્ઠ કહે છે કે-તે આદિ-પ્રજાપતિ (બ્રહ્મા)નો આતિવાહિક દેહ ચેતનપણાને લીધે, પોતાના સત્ય-સંકલ્પથી
જે વસ્તુ જેવા પ્રકારે કલ્પે છે,તે કાકતાલીયની જેમ તેવા પ્રકારે થઇ જાય છે.આથી આ ખેદકારક જગતનો ભ્રમ ભાસે છે.
તો આ અસત્ય વિષયમાં શું આશ્ચર્ય ભાસવાનું છે? આ વિસ્તરી રહેલી દૃષ્ટા-દર્શન અને દૃશ્ય-રૂપી ત્રિપુટી અસત્ય છે
અથવા તો સર્વાત્મ-ભાવથી સત્ય બ્રહ્મ-રૂપ પણ છે.

રામ કહે છે કે-જો આદિ-પ્રજાપતિના આતિવાહિક દેહનો જ આ સર્વ વિલાસ હોય અને માત્ર ભ્રાંતિ-દર્શન હોય તો
તે કઠિન-ભાવ (શરીર-આદિ પદાર્થ)ને કેમ પ્રાપ્ત થઇ જાય છે? વળી સ્વપ્નનું સત્યપણું કેમ ઘટે?

વસિષ્ઠ કહે છે કે-આતિવાહિક દેહના વિલાસ-રૂપ,દૃશ્યની ભ્રાંતિ પોતાની મેળે જ અનુભવમાં આવે છે અને
એ ભ્રાંતિનો લાંબા સમય સુધી અભ્યાસ પડી જવાથી તે  કઠિન (પુષ્ટ) ભાવને પ્રાપ્ત થયેલ ભાસે છે.
તેજ રીતે ઘણા લાંબા સમય સુધી સ્વપ્નના અનુભવથી,તેનું મુખ્ય-પણું થઇ જવાથી તે સત્ય જણાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE