Aug 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1231

જેમ,જળ એ તરંગ-રૂપે જળની અંદર ભ્રમણ કર્યા કરે છે,તેમ એ જ ચેતન-સત્તા શબલ-બ્રહ્મની અંદર,
ભાવ-અભાવ-આદિ રૂપે ડૂબી જાય છે-ને ભમ્યા કરે છે.કે જે 'જીવ'નામને ધારણ કરે છે.
એવી રીતે ભાવના-વાળું તે ચિદાકાશ આકાશ-તન્માત્રાની ભાવનાને પોતાની મેળે જ ઘટ્ટ બનાવે છે,
અને ધીમે ધીમે આકાશને ઉત્પન્ન કરે છે.તે જ ભાવિ નામ-રૂપનું મૂળ સ્વરૂપ છે અને શબ્દ-સમૂહ-રૂપી વૃક્ષનું બીજ છે.
એટલે,પદ,વાક્ય અને પ્રમાણ વડે યુક્ત એવા વેદ અને તેનો અર્થ,એ સર્વ તેનો જ વિલાસ છે.

એ શબ્દ-તત્વમાંથી જ આ જગતની સર્વ શોભા ખડી થાય છે અને તે શબ્દ-સમૂહથી થતા અનેક અર્થ-સમૂહના
પરિણામને વિસ્તારનાર છે.એવા વિચિત્ર સંકલ્પ-યુક્ત વ્યવસાય-વાળા વિરાટ ચૈતન્યને 'જીવ' કહેવામાં આવે છે.
આકાશ ચૌદ-લોકના સર્વ પ્રાણીઓના સમૂહથી વ્યાપ્ત છે,ને તે સર્વ પ્રાણીઓ એ સમષ્ટિ-જીવથી જ પ્રસરે છે.
શ્રોત્ર-આદિ ઇન્દ્રિયોનો સમૂહ પણ તેનાથી જ પ્રસાર પામે છે.
આમ આત્મ-ચૈતન્ય જીવભાવને પ્રાપ્ત થાય છે,છતાં પણ શબ્દ ને શરીર આદિના વ્યવહારથી રહિત છે.
તે પછીથી તે કાકતાલીયની જેમ નીચે પ્રમાણે,પોતાની ચેતન-સત્તાના બળ (શક્તિ)થી કલ્પી લે છે.

તે ચેતન-સત્તાની શક્તિ, સર્વ ભૂતોની (પવન-સ્કંધ-રૂપ) ક્રિયા-શક્તિ છે.તેમ જ તે ત્વચા વડે અનુભવાતા
સ્પર્શ-રૂપી-વૃક્ષના એક બીજ-રૂપ છે.અને તેમાંથી તે (ક્રિયા-શક્તિ) પ્રસરે છે.
વળી તેની અંદર ચિદ્વિલાસને જે પ્રકાશનો અનુભવ થાય છે તે રૂપ-તન્માત્ર છે.
અને તે ભાવિ એવા પોતાના નામ-રૂપને ધારણ કરી રહેલ છે.

આમ,સ્પર્શનો અનુભવ કરનાર ચેતન જ સ્પર્શ-રૂપ છે,બીજી કોઈ વસ્તુ નથી,અને,
પ્રકાશ-રૂપ ચેતન-સત્તા જ તેજ-રૂપ છે અને તે તેજ, ચેતન સિવાય બીજા કશાથી બનેલું નથી.
વળી,જેમ,આકાશ પોતા વડે જ પોતાના સ્વરૂપની અંદર અવકાશનો આશ્રય કરી સ્થિર રહે છે,
તેમ, શબ્દનો અનુભવ કરનાર ચિદાત્મા જ પોતે શબ્દ (ॐ) થઇ તેવા રૂપે અનુભવમાં આવે છે.
શબ્દ-ગ્રાહક પણ તે જ છે,બીજું કંઈ નથી,કેમ કે સૃષ્ટિના આરંભ-કાળમાં બીજું કોણ હોઈ શકે?

જેમ સૃષ્ટિના આદિકાળમાં,સમષ્ટિ-જીવમાં 'બીજા'ની કલ્પના ન હતી
તેમ હમણાં વ્યષ્ટિ-જીવમાં પણ નથી કેમ કે દ્વિત્વ-એકત્વ-આદિનો અત્યંત અસંભવ છે.
ઉપર કહેલી સ્પર્શ-રૂપ-આદિ તન્માત્રાની જેમ જ રસ અને ગંધ તન્માત્રા વિષે સમજી લેવાનું છે.
વસ્તુતઃ તો તે સર્વ,સાવ અસત્ય (કાલ્પનિક) છતાં સ્વપ્નની જેમ જાગ્રતમાં સત્ય-રૂપે પ્રતીતિમાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE