Jun 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1178

જેમ મદોન્મત (મદવાળા) અને મદથી રહિત-એવા બંને પ્રકારના પુરુષની બુદ્ધિમાં રહેલ પ્રપંચ પરસ્પર ભિન્નભિન્ન હોય છે,
તેમ,વિવેકી અને અવિવેકી (મૂર્ખ) મનુષ્યની બુદ્ધિમાં રહેલ પ્રપંચ પણ ભિન્નભિન્ન હોય છે.
વિવેકીની બુદ્ધિ સદા સ્થિરતામાં જાગૃત હોય છે તેથી તે સ્થિર આત્મ-તત્વને જ દેખે છે
જયારે અવિવેકીની બુદ્ધિ સદા અસ્થિરપણામાં જ જાગૃત રહે છે તેથી તે અસ્થિર બાહ્ય-પ્રપંચને જ દેખે છે.
દર્પણમાં પડતા ઘટ-પટ-આદિ પદાર્થોના પ્રતિબિંબની જેમ,માયાની અંદર ચિદ-રૂપ-પરમ-તત્વનું જે પ્રતિબિંબ પડે છે
તે જ જગત તરીકે ઓળખાય છે અને તે તત્વ નિરાકાર હોવા છતાં જાણે સાકાર હોય તેમ દેખાય છે.

આત્માને દેહ-રૂપ સમજવો તે કેવળ ભ્રાંતિ-માત્ર છે.સ્વપ્ન ને મનોરાજ્યની જેમ તે અસત્ય અને ક્ષણભંગુર છે.
વિદ્વાન અને વિવેકીના અનુભવ વડે જે અસત્ય જણાય છે-તેમાં વળી આત્મા-પણું કેવી રીતે હોય?
જેમ જળના તરંગોમાંથી,અગ્નિની જવાળામાંથી,આકાશના પડઘામાંથી અને કંઠના પ્રદેશમાં પવનના યોગથી,
ઉત્પન્ન  થતા શબ્દો (અવાજ) જાણે તે સ્થળમાંથી નીકળતા હોય તેમ લાગે છે,પણ તે (અવાજ) પ્રથમથી જ ત્યાં આગળ
હોતા નથી,તેમ,સર્વ પદાર્થો વાસનામય હોવા છતાં જાગ્રત-અને સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે,
તેથી જાણે તે આત્મામાંથી જ નીકળતા હોય તેમ ભાસે છે,પણ તેમની સ્થિતિ ત્યાં છે જ નહિ.

સૃષ્ટિના આદિકાળથી માંડીને,સ્વપ્નની જેમ પોતાનું આત્મ-ચૈતન્ય જ વિવર્તભાવે,સર્વ-રૂપે થઇ રહેલું છે.
બાકી વસ્તુતઃ જોઈએ તો શબ્દ પણ નથી,અર્થ પણ નથી અને દૃશ્યપણું પણ નથી છતાં જે આ કંઈ ભાસે છે
તે પરમાર્થ-દૃષ્ટિએ તો સદ-રૂપ જ છે.સર્વ પદાર્થો આમ જ રહ્યા છે એટલે શબ્દ,ભેદ અને અર્થ એ સર્વને મન વડે
કાઢી નાખી 'હું શાંત થઇ રહ્યો છું અને હું ચિદાકાશરૂપ જ છું' એમ સમજવાનું છે.

એક-શુદ્ધ-બોધ-રૂપ આત્મ-વિશ્રાંતિ વડે આ દ્વૈત-પ્રપંચનો ત્યાગ કરો.જીવની અંદર પ્રસિદ્ધ-રૂપે દેખાતો
માનસિક વિક્ષેપ,મિથ્યા-રૂપે પોતાની મેળે જ ઉદય પામેલો છે.
આત્મા જ આત્માનો બંધુ છે અને શત્રુ છે.જો આત્માની આત્મા વડે રક્ષા ના કરી તો બીજો કોઈ તેનો ઉપાય નથી.
જ્યાં સુધી હજુ તરુણ અવસ્થા છે ત્યાં સુધી શુદ્ધ-બુદ્ધિ-રૂપી નૌકા વડે આ સંસાર-સાગરને પેલે પાર પહોંચી જાઓ.
તમારે જે કંઈ શ્રેય કરવાનું છે તે આજે જ કરો કેમ કે વૃદ્ધ થયા પછી તમે શું કરી શકશો?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE